લાંબા લગ્નજીવન પછી ડિવોર્સનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • લાંબા લગ્નજીવન પછી ડિવોર્સનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?

લાંબા લગ્નજીવન પછી ડિવોર્સનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?

 | 12:44 am IST

કવર સ્ટોરી : અમિતા મહેતા

આપણે ત્યાં લગ્નનાં ચાર-પાંચ વર્ષ પસાર થાય, એકાદ- બે બાળકો આવે અને ઘર-બાર સેટ થાય એટલે લગ્નની ગાડી ટ્રેક પરથી નહીં ઉતરે એવું માની લેવામાં આવતું. રેર સંજોગોમાં જ દંપતિ ચાલીસ- પચાસ વર્ષે અલગ થવાનું જોખમ લેતા. પણ હવે લગ્નની કોઈપણ ઉંમર ડિવોર્સ પ્રૂફ નથી. વાળમાં સફેદી આવ્યા પછી છૂટા પડવું એને ગ્રે ડિવોર્સ કહેવાય…અને ભારતમાં પણ એનું પ્રમાણ ધીરેધીરે વધી રહ્યું છે. જાણીએ એનાં કારણો તથા પરિણામો…

આપણે ત્યાં લગ્નનાં ચાર- પાંચ વર્ષ પસાર થાય, એકાદ-બે બાળકો આવે અને ઘર-બાર સેટ થાય એટલે લગ્નની ગાડી ટ્રેક પરથી નહીં ઉતરે એવું માની લેવામાં આવતું. રેર સંજોગોમાં જ દંપતિ ચાલીસ-પચાસ વર્ષે અલગ થવાનું જોખમ લેતા. પણ હવે લગ્નની કોઈપણ ઉંમર ડિવોર્સ પ્રૂફ નથી. વાળમાં સફેદી આવ્યા પછી છૂટા પડવું એને ગ્રે ડિવોર્સ કહેવાય…અને ભારતમાં પણ એનું પ્રમાણ ધીરેધીરે વધી રહ્યું છે. એનાં કારણો તથા પરિણામો ખરેખર જાણવા અને સમજવા જેવા છે.

૫૪ વર્ષનાં ભક્તિબેન સ્કૂલમાં વાઈસ પ્રિન્સિપાલ છે. હમણાં મળ્યા તો કહે કે રિટાયર્ડ થાઉં એ પહેલાં હું મારા પતિથી અલગ થવા ઈચ્છું છું. અમારા ચહેરા પર આૃર્યનો ભાવ જોઈને તેઓ એકદમ સ્પષ્ટ રીતે બોલ્યા..અમારું લગ્નજીવન ખાસ સુખી નહોતું. પરંતુ બાળકોને કારણે આટલાં વર્ષો સાથે રહ્યા. હવે બાળકો વિદેશમાં એમની જિંદગી જીવે છે. હવે હું મારી જિંદગી જીવવા ઈચ્છું છું. બંધનો, ફ્રિયાદો, રોકટોક, કચકચ અને આક્ષેપોથી દૂર શાંત જીવન જીવવું છે. પણ હવે સાઠ વર્ષે તમારા પતિ એકલા કઈ રીતે રહેશે? આ પ્રશ્નનો જવાબ આપતાં ભક્તિબેન કહે છે કે આજ સુધી મેં બધાનો વિચાર કર્યો, પરંતુ મારો વિચાર કોઈએ કર્યો નથી. તો હવે હું મારા વિશે જ વિચારીશ. ગૂંગળાઈને જીવવા કરતાં અલગ જીવવું વધારે સારું છે.

ભક્તિબેન જેવા અનેક સ્ત્રી-પુરુષો છે જેમને હવે પોતાની શરતે જીવવું છે. જોકે મોટી ઉંમરે છૂટા થતાં દરેક પતિ-પત્નીનું આખું લગ્નજીવન દુઃખી હતું એમ પણ નથી. તેઓ એકબીજાનાં સુખ-દુઃખમાં સાચા સાથી બનીને ઊભા રહ્યા છે. પરંતુ પાછળના વર્ષોમાં એવું કંઈક બને છે જેને કારણે તેઓ અલગ થઈ જાય છે.

થોડા સમય પહેલાં જ અર્જુન રામપાલ અને એની પૂર્વ મોડલ પત્ની મેહર જેસિયાનાં છૂટાછેડા થયાં. અનુરાગ કશ્યપ અને કલ્કી કોચલીન, રિતિક અને સુઝાન કે અઝરૂદ્દીન અને સંગીતા બિજલાની જેવાં સેલિબ્રિટીઝ કપલ્સને જુઓ તેઓએ ખૂબ સમજી વિચારીને લગ્ન કર્યા હતા. સમાજમાં હેપ્પી કપલ્સ તરીકેની એમની છબી હતી છતાં અલગ થયા..અમેરિકામાં થયેલા રિસર્ચ પ્રમાણે છેલ્લાં દાયકામાં આ ગ્રે ડિવોર્સ પ્રમાણ ત્રણ ગણું થયું છે. પડયું પાનું આખી જિંદગી નિભાવવાની જરૂર નથી. એ માનસિકતા હવે લોકોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.

ગ્રે ડિવોર્સના ભારતીય કારણોનું વિશ્લેષણ કરીએ તો એક કારણ પતિ-પત્નીમાંથી એકનું ધંધા-વ્યવસાયમાં ખૂબ આગળ નીકળી જવું અને બીજાનું હાંસિયામાં ધકેલાઈ જવું છે. પતિ- પત્ની એમના સંઘર્ષના સમયમાં એકબીજાને સાથ આપે છે. આપણે ત્યાં લગભગ પત્ની-પતિના આર્થિક સંઘર્ષમાં સાથ આપે છે. પોતાના બાળકોને અને પતિનાં ફેમિલીને સાચવે છે પોતાની કરિયર-શોખ બધાને તિલાંજલી આપી ત્યાગમૂર્તિ બનેલી સ્ત્રી ત્યાંની ત્યાં જ રહે છે અને પતિ આગળ નીકળી જાય છે. ઘર-પરિવારમાં વ્યસ્ત પત્ની પતિને બહારની દુનિયામાં મળતી સ્ત્રીઓની સરખામણીએ શુષ્ક અને સાદી લાગે છે અને એ બીજી સ્ત્રી તરફ ઢળે છે. જ્યારે બીજી બાજુ પત્ની ખુદને ઉપેક્ષિતા સમજી પોતાનો અસંતોષ કોઈ ને કોઈ રીતે વ્યક્ત કરતી રહે છે. બાળકો મોટા થયાં. પછી સાથે જીવવાનું કોઈ કારણ રહેતું નથી. તેથી છૂટાછેડાનો નિર્ણય લેવો એમના માટે સરળ છે.

બીજું મહત્ત્વનું કારણ લગ્નેતર સંબંધો છે. સોશિયલ મીડિયાને કારણે આ સંબંધો ફૂલ્યા ફલ્યા છે. વળી, સ્ત્રીઓ પણ ઘરની બહાર વધારે રહેવાને કારણે અન્ય પુરુષોની નજીક આવે છે. પતિ-પત્ની બંને બહારનાં વિજાતીય મિત્રો સાથે વધારે સમય પસાર કરે છે તેથી એમનું નજીક આવવું સ્વાભાવિક છે. એમાંય પતિ-પત્નીને એકબીજા માટે થોડોય અસંતોષ હોય તો બહારનાં સંબંધો વધારે ગાઢ બને છે. તેથી છૂટા પડવામાં ઉંમરનો સંકોચ ગાયબ થાય છે.

ત્રીજું ભારતીય કારણ છે સ્ત્રીઓની આર્થિક આત્મનિર્ભરતા. સ્ત્રી આર્થિક રીતે પરાવલંબી હોય તો એને પતિ સાથે ફવે કે ન ફવે રહેવું પડે છે. અનેક પરાવલંબી સ્ત્રીઓ આખી જિંદગી પતિના જોર-જુલમ સહેતી તમે જોઈ હશે. પણ હવે સ્ત્રી કમાય છે તેથી તેનું ભવિષ્ય અસુરક્ષિત નથી. અને ન કમાતી હોય તો પણ કમાવાના અનેક રસ્તાઓ, અનેક તકો આજે ઉપલબ્ધ છે. સો.. જવાબદારી પૂરી થતાં એ પતિની બેવફઈ કે જોરજુલમ કશું સહન કરવા તૈયાર નથી. એને માનસિક શાંતિ જોઈએ છે. કારણ કે આજે લોકોનું સરેરાશ આયુષ્ય ૭૫થી વધુ છે. પચ્ચીસ વર્ષ અન-બન ઝઘડા વચ્ચે રહ્યાં પછી બાકીનાં ૧૫-૨૦ વર્ષ જવાબદારી કે કારણો વિના સાથે રહેવું એમને જેલ જેવું લાગે છે. એટલે પાછલી જિંદગી પોતાની રીતે જીવવાની ઈચ્છા લોકોમાં પ્રબળ બની છે.

સેક્સ પણ બહુ અગત્યનું કારણ છે. આ ઉંમરે હોર્મોનલ ચેઈન્જની સાથે સેકસ્યુઅલ ડિઝાયર પણ બદલાય છે. પોર્ન સાઈટ્સે આ ઈચ્છાઓને વધુ ભડકાવી છે, એ સાથે લગ્ન બહારનાં સેક્સયુઅલ સંબંધો પણ વધ્યાં છે. ડ્રગ્સ અને સેક્સ ટોયઝ ઉચ્ચ વર્ગમાં કોમન બની રહ્યાં છે. આ બધા સાથે પાર્ટનર સેટ ન થાય ત્યારે ફ્રસ્ટ્રેશન અનુભવે છે અને આ ફ્રસ્ટ્રેશન કોઈ ને કોઈ રીતે નીકળે છે ત્યારે છૂટા પડવું વધારે સારો વિકલ્પ જણાય છે. સુરતનાં એક કાઉન્સેલર પોતાની પાસે આવેલા ૫૫ વર્ષનાં બહેનની સમસ્યા વર્ણવતા કહે છે કે આ બંનેને ડિવોર્સ એટલા માટે લેવા છે કે એમના પતિ સેક્સ મેનિયાક છે. એ બેન રડતાં- રડતાં કહે છે કે હવે તો શરીરથી ઉપરની લાગણી હોવી જોઈએ ને? રાત પડે અને મને ડર લાગે છે, ક્યાંક સેક્સની તીવ્ર ઈચ્છા તો ક્યાંક સેક્સ માટેનો અણગમો પણ આ ઉંમરે છૂટાછેડા લેવા પ્રેરે છે.

વીતેલાં જીવન માટેનો પસ્તાવો પણ છૂટાછેડા લેવા પ્રેરે છે. ઘણી વખત તમે પતિ-પત્નીનાં મુખેથી સાંભળ્યું હશે તે મને તો આનાથી વધારે સારો છોકરો કે છોકરી મળ્યો હોત. યાર, થોડું વિચાર્યું હોત જીવન આનાથી ઘણું જુદું હોત. એવું લવમેરેજ કરેલા પતિ-પત્નીનાં મુખે પણ સાંભળવા મળે છે. પોતાની યોગ્યતા કે ઈચ્છા મુજબનું સુખ ન મળ્યાનો અફ્સોસ, પસ્તાવો કે અહેસાસ પાછલી ઉંમરે ખૂબ તીવ્ર બને છે. બાળકો મોટા થયા પછી જ્યારે વીતેલી જિંદગીમાં ડોકિયું કરવામાં આવે તો ઘણો સમય બોજમય અને ઘણી ક્ષણો અધૂરી અને ખાલી લાગે છે. ગુમાવ્યાનો તીવ્ર અહેસાસ મેળવવાની ઝંખનાને વધુ બળવતર બનાવે છે. તેથી તેઓ છુટા પડીને ન મેળવેલું સુખ મેળવવા ઈચ્છે છે.

વળી, જવાબદારી હોવાને કારણે પતિ-પત્ની પોતાની ઈચ્છાને દબાવી રાખે છે. પરંતુ નવરાશ અને સુવિધાને કારણે તેઓ પોતાની બધી જ ઈચ્છા પૂરી કરવા માંગે છે. ત્યારે પતિ-પત્ની એકબીજાનો સાથ ન આપે તો જીવવું મુશ્કેલ લાગી શકે. બંને પોતાના વિચારો અને લાઈફ સ્ટાઈલને જ વળગી રહે ત્યારે મનમાં એમ થાય કે બસ, બહુ થયું હવે મારે મારી રીતે જીવવું છે જેમ કે ઉંમર થતાં પતિને ટી.વી. જોવા બેસી રહેવું ગમે.. પણ પત્નીને બહાર ફ્રવું હોય, જે જોવાનું બાકી રહ્યું હોય તે જોવું હોય. યા તો પત્ની આખો દિવસ પુસ્તકમાં કે ક્રોસવર્ડ પઝલ્સ પૂરી કરવામાં વ્યસ્ત રહે જ્યારે પતિને મિત્રો સાથે ગપ્પાં મારવા હોય, કલબમાં જવું હોય કે નવી નવી વાનગીનો સ્વાદ લેવો હોય..તેઓની વચ્ચે બીજો કોઈ વિખવાદ ન હોય. લાગણી અને પ્રેમ પણ જોવા મળે. છતાં એમ વિચારે કે ક્યાં સુધી એમની મરજી મુજબ જ જીવવું ? જીવનને ભરપૂર માણી લેવાની ઈચ્છા પણ મોટી ઉંમરે છૂટા થવા પ્રેરે છે. વળી, આજે અલગ થવું કે પોતાની ઈચ્છા મુજબ જીવવાની ચાહ રાખવી એ કોઈ સામાજિક બુરાઈ નથી. સહન કરવું કે જતું કરવું એ કોઈ મોટો સદ્દગુણ નથી ગણાતો ત્યારે ‘ગ્રે ડિવોર્સ’ ની શક્યતા વધવાની જ.

જો કે, આ પ્રકારનાં ડિવોર્સની અસર સંતાનો પર નથી પડતી એમ કહેવું મુશ્કેલ છે. સંતાનો નાના હોય કે મોટા તેઓને માતા- પિતા બંનેનો સાથ જોઈએ છે અને છૂટાછેડા પછીનું જીવન સરળ નથી હોતું. બીજા લગ્નમાં ગમતું પાત્ર હોય તો પણ એડજસ્ટ તો કરવું જ પડે છે અને મોટી ઉંમરે એડજસ્ટમેન્ટ વધારે મુશ્કેલ બને છે. અને આ છૂટા પડવાનું દર્દ થાય તો ખરું જ. કારણ કે નિષ્ફ્ળતા લગ્ન જીવનની હોય કે  અન્ય બાબતની, એ કોઈને ગમતી નથી.

ઘણી વખત એક પાત્ર અન્ય પાત્રના મનમાં ચાલતી આ ગડમથલથી બેખબર હોય અને સાથી ડિવોર્સ લેવા ઈચ્છે છે એ વાતની જાણ થાય ત્યારે ભયંકર દુઃખ જન્મે છે. એને દુનિયા પરથી ભરોસો ઊઠી જાય છે. પરંતુ આ સમયે દિલનો અવાજ સાંભળીને વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. દિલનો અવાજ સાંભળીને પોતાનો શોખ પુર્નજીવિત કરો. જીવનમાં રસ લો. અન્યને મદદરૂપ બનો. તમે નિષ્ફ્ળ હતાં એવો બ્લેમ ખુદ પર કરવાને બદલે લગ્નમાં તમે જે યોગદાન આપ્યું હતું એ માટે પ્રાઉડ ફીલ કરો. તમે કે તમારું લગ્ન નિષ્ફ્ળ નથી પણ તમારા સંબંધોની ઉંમર કે લેણા- દેણી એટલી જ હતી એવું વિચારીને જીવનમાં આગળ વધો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન