જાણો છો શિવજીને છે ત્રણ પુત્રીઓ - Sandesh
  • Home
  • Astrology
  • જાણો છો શિવજીને છે ત્રણ પુત્રીઓ

જાણો છો શિવજીને છે ત્રણ પુત્રીઓ

 | 8:38 pm IST

તમે ક્યારેય શિવજીની પુત્રીઓ વિશે સાંભળ્યું છે, તો તમે કહેશો કે ઓખા એ શિવ પાર્વતીના પુત્રી હતા. જો કે પદ્મપુરાણ કઈંક જુદુંજ કહે છે. તેમાં કહેવાયું છે કે મહાદેવજીને એક નહિં પણ ત્રણ પુત્રીઓ હતી. તેમાં ઓખાનો સમાવેશ થતો નથી. આ ત્રણે દેવીઓની પૂજા દેશના વિવિધ ભાવોમાં થાય છે. મહાદેવ અને પાર્વતીની એક નહિં પણ ત્રણ પુત્રીઓ હતી. તેમના નામ છે જ્યોતિ, મનસા  અને અશોક સુંદરી.

દેવી જ્યોતિ
દેવી જ્યોતિ મહાદેવ અને પાર્વતીની પુત્રી છે. પ્રકાશની દેવીના રૂપે પૂજાનારી આ દેવીના જન્મને લઈ બે કથાઓ પ્રચલિત છે. પહેલી કથા પ્રમાણે જ્યોતિ ભોળાનાથના પ્રભામંડળથી નીકળી છે અને તે ભગવાનની ભૌતિક અભિવ્યકિત છે. જ્યાં બીજી કથા કહે છે કે તેમનો જન્મ માતા પાર્વતીના માથામાંથી નીકળેલી ચિંગારીથી થયો હતો. દેવી જ્યોતિ સામાન્યતઃ પોતાના ભાઈ કાર્તિકેય સાથે જોડાયેલી હતી. તે દેશના કેટલાંક હિસ્સાઓમાં દેવી રેકીના રૂપે પૂજાય છે. ઉત્તર ભારતમાં દેવી જ્યોતિને માતા જ્વાલામુખીના રૂપે પૂજાય છે. તમિલનાડુમાં અનેક મંદિરોમાં દેવી જ્યોતિની પૂજા થાય છે.

દેવી મનસા
મનસા દેવીને શિવની  પુત્રી મનાય છે. કહેવાય છે કે જ્યારે મહાદેવના વીર્યે રાક્ષસી કદરૂ દ્વારા બનાવેલી મૂર્તિને અડ્યો ત્યારે મનસા દેવીનો જન્મ થયો હતો. કહેવાય છે કે સાપના ઝેરનો ઈલાજ કરવા માટે તેમનો જન્મ થયો હતો. દેવી મનસાને નાગરાજ વાસુકીની બહેનના રૂપે પણ ઓળખવામાં આવે છે. દેવી મનસા માત્ર શિવની પુત્રી કહેવાય છે, પાર્વતી તેમની માતા નથી. સાંપ કરડવા કે ઓરી જેવા કેસમાં મનસાની પૂજા કરવામાં આવે છે અને તેમનું પ્રસિદ્ધ મંદિર હરિદ્વારમાં છે.

અશોક સુંદરી
શિવજીની એક પુત્રીનું નામ અશોક સુંદરી છે. અશોક સુંદરીનો ઉલ્લેખ પદ્મપુરાણમાં મળે છે. એક કથા અનુસાર એક વાર દેવી પાર્વતીએ શિવ સમક્ષ સંસારના સૌથી સુંદર ઉદ્યાનમાં ફરવાની ઈચ્છા દર્શાવી, ત્યારે ભોળાનાથ પાર્વતીને જે નંદનવન લઈ ગયા. ત્યાં દેવી પાર્વતીને કલ્પવૃક્ષ નામના એક ઝાડથી ખૂબ જ લગાવ થઈ ગયો. કહેવાય છે કે આ ઝાડ મનોકામના પૂરી કરે છે. જેથી માતા તેને પોતાની સાથે કૈલાશ લઈ ગયા અને પોતાના ઉદ્યાનમાં તેને સ્થાપિત કરી દીધો.

એક દિવસ પાર્વતીને એકલું લાગતું હતું ત્યારે માતા પોતાના ઉદ્યાનમાં ફરવા ગયા. પોતાના એકલાપણાને કારણે તેમને એક પુત્રીની ઈચ્છા થઈ. અચાનક તેમને કલ્પવૃક્ષની યાદ આવી અને તરત તેઓએ તેની સામે જઈ પુત્રીની કામના કરી અને તેમની કામના પૂરી થઈ. આ પુત્રી ખુબ સુંદર રહેવાને કારણે તેનું નામ અશોક સુંદરી રખાયું. અશોક સુંદરીના વિવાહ રાજા નહૂષ સાથે થયા હતા. કહેવાય છે તેને પોતાના વિવાહ વિશે જ્ઞાન હતું, કારણ કે તેને ભવિષ્યનું જ્ઞાન હતું. ઉપરાંત પાર્વતીએ પણ અશોક સુંદરીને આશિર્વાદ આપ્યા હતા કે તેના વિવાહ ઈન્દ્ર જેવા શક્તિશાળી યુવક સાથે થશે.

એક વખત અશોક સુંદરી પોતાની સખીઓ સાથે નંદનવનમાં ફરી રહી હતી ત્યારે ત્યાં હુંડ નામનો રાક્ષસ આવ્યો જે તેને જોઈ ખૂબ મોહિત થઈ ગયો. તેણે તેની સમક્ષ વિવાહનો પ્રસ્તાવ મુક્યો. ત્યારે અશોક સુંદરીએ હુંડના પ્રસ્તાવને ઠુકરાવી દીધો. આ સાંભળી તેણે ગુસ્સામાં નહુષને મારવાનું નક્કી કરી લીધું. જેથી અશોક સુંદરીએ હુંડને શ્રાપ આપ્યો કે તેનું મૃત્યુ તેના પતિને હાથે જ થશે. આ રાક્ષસે નહૂષનું અપહરણ કરી લીધું. કહેવાય છે કે નહુષ તે સમયે બાળક હતો. રાક્ષસની એક દાસીએ રાજકુમારનો જીવ બચાવી તેને ઋષિ વશિષ્ઠના આશ્રમમાં પહોંચાડી દીધો. જ્યાં તેમનું પાલન પોષણ થયું પછી જ્યારે નહુષ મોટા થયા ત્યારે તેમણે હુંડનો વધ કર્યો અને અશોક સુંદરીની સાથે તેમના વિવાહ થયા.

નહુષ રાજકુમારથી રાજા બની ગયા તેમને અશોક સુંદરી દ્વારા યયાતિ જેવા વીર પુત્ર અને સો સુંદર કન્યાઓ પ્રાપ્ત થઈ.