લુઈ બ્રેઈલ - Sandesh

લુઈ બ્રેઈલ

 | 4:04 am IST

સુરદાસ, અંધ, ચક્ષુવિહીન, પ્રજ્ઞાાચક્ષુ, બ્લાઈંડ….આંખોથી જોઈ ન શકનારા માટે કેટલાય શબ્દો છે. અંધ વ્યક્તિ જોઈ શક્તો ન હોય તો પણ આંગળીના ટેરવાં એક ચોક્કસ પ્રકારની ઉપસાવેલી લિપિ પર આંગળી ફેરવી એકદમ સામાન્ય માનવીની જેમ જ બધું વાંચી શક્તો હોય. એ લિપિ એટલે બ્રેઈલ લિપિ. જેનો આવિષ્કાર કરનાર લુઈ બ્રેઈલ પોતે ખુદ બ્લાઈંડ હતા.

મધ્યમ વર્ગી પરિવારમાં ૧૮૦૯માં જન્મેલો લુઈ ફક્ત ત્રણ જ વર્ષનો હતો ત્યારે એક અકસ્માતમાં તેણે પોતાની આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી. ડોકટરે જ્યારે કહ્યું હશે કે ‘વી કુડ નોટ સેવ હીઝ આઈઝ…’ ત્યારે મા-બાપ પરિવારજનોએ ‘નહીંઈઈઈઈ….’ની ચીસ પણ પાડી હશે. ત્યારે લુઈના બાળમાનસમાં પણ આ પરિસ્થિતિને ઘૂંટણીયે ન પડવાની નેમ લઈ લીધી હશે.

હજી દુનિયા સમજવાની ઉંમરની શરૂઆતમાં જ દ્રષ્ટિ ગુમાવી દેનાર લુઈ માટે બેશક અઘરી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. પણ લુઈએ ખૂબ જ સાહજિક્તાથી આ પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો હોય તેમ લાગતું હતું. પોતાની અંદર ધરબાયેલ વજનદાર જિજ્ઞાાસાવૃત્તિ હેઠળ દ્રષ્ટિવિહીનતાને ઊંડે ઊંડે દબાવી દીધી હતી.

શરૂઆતમાં ચોક્કસ લુઈને તકલીફ પડી હશે. આંખ ગઈ અને બીજા દિવસે બ્રેઈન લિપિ બની ગઈ એ હદે એ સહેલી વાત ન હતી. એમાં પણ, જ્યારે લુઈ પોતે જ જે લિપિનું સર્જન કરવાનો હોય એ માટે ખુદ પોતાની પાસે કોઈ જ એવું માધ્યમ ન હોય ત્યારે નબળી મનોવૃત્તિ ધરાવતા માણસ માટે લોકોની હમદર્દી અને ટકોરાવાળી લાકડીનો જ સહારો રહે. લુઈ એમાંનો ન હતો.

બાળપણમાં જ પોતાની તેજસ્વીતાના ચમકારા દેખાડવાની શરૂઆત કરનાર લુઈને ત્યાંના ચર્ચના પાદરીએ પેરિસની અંધશાળામાં દાખલ કરાવી દીધો અને લુઈને તો દોડવું હતું ને ઢાળ મળ્યા જેવો ઘાટ થઈ ગયો. દ્રષ્ટિવિહીન લોકો માટે કોઈ જ માધ્યમ ન હોવા છતાં, અનેક વિષયોમાં લુઈએ પોતાની બુદ્ધિમતાના ચમકારા દેખાડવાના શરૂ કરી દીધા હતા. ઈતિહાસ, ભૂગોળ જેવા વિષયોમાં તેની જબરી પક્કડ અને ભણતરમાં અવ્વલ લુઈને સમય જતાં એ જ વિદ્યાલયમાં અધ્યાપક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. જગતની દ્રષ્ટિવિહીનતાને પડેલો આ પહેલો ફટકો હતો.

દરમ્યાન ફ્રાંસ સેનાના કેપ્ટન સાથે લુઈની મુલાકાત થઈ ચૂકી હતી. કેપ્ટને જ લુઈને સમજાવ્યું કે નાઈટ રાઈટિંગ અને સોનોગ્રાફીની મદદથી તેઓ અંધારામાં પણ વાંચી શકાય તેવી વિશિષ્ટ લિપિનો ઉપયોગ સૈનિકો માટે કઈ રીતે કરે છે. બાર ઉપસાવેલાં ટપકાંઓની આ સાઈન લેન્ગવેજ બ્રેઈલ લિપિનો પાયો નાખવા માટે બહુ જ મહત્ત્વનું પરિબળ સાબિત થઈ.

ફ્રાંસ સૈન્યના કેપ્ટને બતાવેલ બાર ટપકાંની સાંકેતિક ભાષા લુઈ બ્રેઈલ દ્વારા દ્રષ્ટિવિહીન જગત માટે અનોખી ફ્ક્ત છ ટપકાંની બ્રેઈલ લિપિના સર્જનનું મહત્ત્વનું માધ્યમ બની ગઈ. કપરું કામ હતું, આવું નવતર સર્જન કરવા માટે એક વિશિષ્ટ દ્રષ્ટિ જોઈએ, જે વિશિષ્ટ દ્રષ્ટિ હતી લુઈ બ્રેઈલ પાસે- એ લુઈ, જેણે પોતે તો ત્રણ જ વર્ષની ઉંમરે આંખો ગુમાવી દીધી હતી.

અથાક પરિશ્રમ અને ઊંડા સંશોધનના અંતે પ્રખર બુદ્ધિવાન લુઈએ લિપિનું સર્જન કર્યું. જેમાં ફકત અક્ષરો કે અંકો જ નહીં, તમામ ચિન્હોનો પણ સમાવેશ કર્યો હતો. લુઈ બ્રેઈલ દ્વારા સર્જાયેલ આ લિપિ ‘બ્રેઈલ લિપિ’તરીકે જગત આખામાં દ્રષ્ટિવિહીનો માટે નવી જ ક્ષિતિજોનું સર્જન કરી ગયું.

દ્રષ્ટિવિહીન વ્યક્તિ દ્વારા દ્રષ્ટિવિહીન જગતને આપેલ બહેતરીન કમબેક એટલે ‘બ્રેઈલ લિપિ.’