પ્રેમ અને સત્ય; બંને પરમાત્માના માર્ગ છે - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • પ્રેમ અને સત્ય; બંને પરમાત્માના માર્ગ છે

પ્રેમ અને સત્ય; બંને પરમાત્માના માર્ગ છે

 | 4:07 am IST

જીવન ધ્યાન: ઓશો

ભારતીય દર્શને શરૂઆતથી જ પ્રેમ અને સત્યના માધ્યમથી ભગવાન સુધી પહોંચવાની વાત કરી છે. મધ્યકાળમાં ભારતના બધા સંતો અને ભક્તોએ તો પ્રેમને જ ઈશ્વરનું રૂપ જાહેર કરી દીધું. તેના વિશે મીરાંબાઈ જેવાની દીવાનગીને પણ આપણે જાણીએ છીએ અને કબીરદાસજી જેવાં ફક્કડ જ્ઞાાનીઓથી પણ પરિચિત છીએ, જેમણે પ્રેમભાવને જ ભગવાન માન્યા. રજનીશ આ જબરદસ્ત પરંપરાની આધુનિક કડી છે.

બીજો વર્ગ જ્ઞાાનીઓનો છે. તેને બીજા શબ્દોમાં સત્યવાદીનો વર્ગ પણ કહેવામાં આવે છે, તેમનું માનવું છે કે ભગવાન પોતાની જાતમાં સત્ય છે. આધુનિક કાળમાં તેના સૌથી મોટા પ્રણેતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી રહ્યા છે, જેમણે સત્યને પરમાત્મા તથા પરમાત્માને સત્ય માનીને પોતાના સંપૂર્ણ જીવનને જ “સત્યનો એક પ્રયોગ” જાહેર કરી દીધો. તો અહીં મુખ્ય પ્રશ્ન થાય છે કે આ બંનેમાંથી સાચું કોણ છે? અથવા તો બંને સાચા છે, તો વધારે સાચું કોણ છે? ઓશોનાં ઉદ્બોધન આપણને આ પ્રશ્નોના જવાબ શોધવામાં આપણી મદદ કરે છે.

ઓશોને એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, “શું પ્રેમ અને સત્યને પ્રાપ્ત કરી શકો ખરાં?” તેમણે કહ્યું, “પ્રેમ અને સત્ય બંને ઘટનાઓ નથી, એક જ ઘટનાનાં બે પાસાં છે. સત્યને પામી લો, તો પ્રેમ પ્રગટ થઈ જાય છે. પ્રેમને પામી લો તો સત્યનો સાક્ષાત્કાર થઈ જાય છે.” અહીંયા ધ્યાન આપવા જેવી વાત એ છે કે તે જે સત્યના સાક્ષાત્કારની વાત કરી રહ્યાં છે, તે પોતાના જ આત્માનું સત્ય છે, પોતાના જીવનનું જ સત્ય છે, જેને પરમાત્માનો સાક્ષાત્કાર માનવામાં રજનીશ જરા પણ અચકાતા નથી.

આમ પણ આપણે રજનીશના સંપૂર્ણ વ્યક્તિત્વને જોઈએ, તો તેમાં પ્રેમ અને સત્યનો આ સ્વીકારભાવ ખૂબ જ સ્પષ્ટપણે જોવા મળે છે. પ્રેમથી છલોછલ ભરેલા તો તે હતા જ. રજનીશની આંખોમાંથી પ્રેમ, કરૂણા અને રહસ્યની જે ધારા પ્રગટે છે, જીવનને તે જે રીતે તહેવારોની જેમ ક્ષણે-ક્ષણે સેલિબ્રેટ કરતા હતા, પોતાના શિષ્યો પ્રત્યે તેમની જે ભાવના હતી, તે ત્યાં સુધી સંભવ ન થઈ શકે, જ્યાં સુધી તેમનું હૃદય પ્રેમથી છલોછલ ભરેલું ન હોય.

સાથે સાથે રજનીશ જબરદસ્ત તર્કવાદી પણ હતા. પોતાની વાતોને સિદ્ધ કરવામાં તેઓ મહારથી હતા. તે જે રીતે એક પછી એક તથ્યોના ઊંડાણમાં ઉતરતા જાય છે, તે જોતા મોઢામાં આંગળા નખાઈ જાય. તેમણે પોતાના સમયના જેટલા પણ પાખંડ, દંભ અને ઢોંગનો વિરોધ કર્યો, તે તર્કવાદી હોવાના કારણે જ. આ તર્કવાદી હોવું એ જ તેમને સત્યની નજીક લાવતું હતું. આ દૃષ્ટિએ રજનીશને એક ખૂબ જ મોટા સત્યવાદી પણ કહી શકાય. સ્વાભાવિક છે કે આવું વ્યકિતત્વ એક બિન્દુ પર પહોંચીને સત્ય અને પ્રેમ; આ બંનેનો સુંદર સંગમ બની જાય છે. રજનીશ એવા જ હતા. (ક્રમશઃ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન