પ્રેમલક્ષણા ભક્તિ - Sandesh

પ્રેમલક્ષણા ભક્તિ

 | 1:38 am IST

દૂર દૂર વૃંદાવનમાં મોરલી વાગી અને એટલે દૂરથી એના સૂરો સંભળાતા વ્રજમાં પોતાના ઘરમાં રહેલી ગોપીઓએ સાનભાન ગુમાવી દીધાં. તેમનું ચિત્ત એ મોરલીના સૂરમાં લય પામી ગયું ને તેમનું બાહ્ય ભાન જ જતું રહ્યું. ચૂલા ઉપર મૂકેલાં દૂધ ઊભરાતાં રહ્યાં, બાળકો રડતાં રહ્યાં, વાછરડાં ભાંભરતાં રહ્યાં. ઘરનાં વડીલો કકળાટ કરતાં રહ્યાં, પણ ગોપીઓના અંતરમાં તો મોરલીના દિવ્ય નાદ સિવાય કંઈ જ સંભળાતું ન હતું અને એમણે કશાની પરવા કર્યા વગર એ દિશામાં દોટ મૂકીને શ્રી કૃષ્ણની પાસે પહોંચી ગઈ. તેમના આવા અનન્ય પ્રેમના બદલામાં શ્રી કૃષ્ણે પણ તેમને અલૌકિક આનંદમાં ડૂબાડી દીધી. ગોપીઓએ પોતાના અંતરના પ્રેમના તાંતણે ભગવાન શ્રી કૃષ્ણને બાંધ્યા હતા અને એ પ્રેમનો સ્વીકાર કરીને ભગવાને વ્રજભૂમિને વૈકુંઠથી પણ અધિક આનંદમય બનાવી દીધી હતી. જ્ઞાાની ઉદ્વવ કે કૃષ્ણસખા અર્જુન શ્રી કૃષ્ણનો જે પ્રેમ મેળવી શક્યા ન હતા તે પ્રેમ વ્રજની નારીઓ માટે સુલભ બન્યો. કેમ કે એમના અંતરમાં કૃષ્ણ સિવાય બીજું કંઈ હતું જ નહીં, એમના રોમરોમમાં શ્રી કૃષ્ણ વ્યાપી ગયેલા હતા. શ્રી કૃષ્ણ સાથેની આવી તદ્રુપતા બીજે ક્યાંય જોવા મળતી નથી. આ ગોપીઓ એ પ્રેમલક્ષણા ભક્તિનું જવલંત ઉદાહરણ છે.

ભક્તિ એ હૃદયમાંથી ઊઠતી અને પ્રભુ પાસે પહોંચતી સીધી અગ્નિશિખા છે. માનવના હૃદયમાંથી એ વેગથી ઊઠે છે, અને સીધી લક્ષ્યસ્થાને એટલે કે પરમાત્મા સુધી પહોંચે છે, અને પછી એ ભક્તિના તારે જ પરમાત્મા પાછા માનવહૃદયમાં આવે છે. પરમાત્માને પ્રાપ્ત કરવાનો સહેલામાં સહેલો અને ટૂંકામાં ટૂંકો માર્ગ એ આ પ્રેમલક્ષણા ભક્તિ છે. આથી જ નરસિંહ મહેતા કહે છે, “પ્રેમસર પાને તું મોરના પિચ્છધર તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.” આ પ્રેમરસનું જેમણે પાન કર્યું છે, એમને શાસ્ત્રોનાં અધ્યયનની કોઈ જરૂર રહેતી નથી. કેમ કે જેની સાથે પ્રેમ દ્વારા ઐક્ય સાધ્યું છે, એ જ તો છે સકલ જ્ઞાાન, એ જ તો છે સકલ બ્રહ્માંડ અને એ જ તો છે સર્વમાં રહેલો આત્મા. એની સાથે પ્રેમ થતાં, એક બનતાં, આપોઆપ સઘળું જ્ઞાાન પ્રાપ્ત થઈ જાય છે. એને પછી અદ્વૈત વેદાંત ભણવાની જરૂર જ રહેતી નથી. એ પોતે અદ્વૈતના અનુભવમાં જ જીવવા લાગે છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ કોઈ તત્ત્વજ્ઞાાન ભણ્યાં ન હતાં અને છતાં સઘળું તત્ત્વજ્ઞાાન તેમને સહજ બની ગયું હતું, કેમ કે ઉત્કટ પ્રેમભક્તિ દ્વારા તેમણે તત્ત્વનાય તત્ત્વ એવા પ્રભુને પોતાના કરી લીધા હતા. જેમના અંતરમાં પરમ પ્રભુ સાક્ષાત્ બિરાજતા હોય, એમને અંતરમાં અને બહાર સૃષ્ટિમાં સઘળે પ્રભુ જ બિરાજતા દેખાય! ચૈતન્ય મહાપ્રભુ તો સમુદ્રના નીલ રંગને જોતાં-તેમને તેમાં શ્રી કૃષ્ણ દેખાયા ને તેઓ સમુદ્રમાં કૂદી પડયા. ભક્તિની આવી તીવ્ર પરાકાષ્ટાને પરિણામે જ ભગવાન જગન્નાથે એમને પોતાની અંદર સમાવી લીધા.

શ્રી અરવિંદે ભક્તિયોગની સાધનાના ત્રણ તબક્કા વર્ણવ્યા છે. તેમાં પ્રથમ આવે છે શ્રવણ-પ્રભુનું નામ અને ગુણોનું શ્રવણ કરવું, સંકીર્તન કરવું, બીજું આવે છે મનન. તેમાં પ્રભુના સ્વરૂપ વિશે સતત વિચાર કરવો અને પ્રભુમાં જ રમમાણ રહેવું. ત્રીજું છે નિદિધ્યાસન. એમાં મનને પ્રભુમાં સ્થિર કરવાનું છે. મનમાં પ્રભુ સિવાય કંઈ જ ન રહે એ સ્થિતિએ પહોંચવાનું છે. આ રીતે પ્રભુનું ગુણગાન ગાતાંગાતાં, તેમનું ચિંતન કરતાં કરતાં તેમનામાં એવી તન્મયતા આવી જાય છે કે પછી સમગ્ર સ્વરૂપ પ્રભુ સાથે જોડાઈ જાય છે અને એ જ છે ભક્તિની પરાકાષ્ટા કે જે સ્થિતિમાં ભક્ત અને ભગવાન એક બની જાય છે.

પોતાના ઈષ્ટની હાજરીનો સતત અનુભવ જ ભક્તને નિમ્ન પ્રકૃતિમાંથી મુક્ત કરે છે. તેનું હૃદય પ્રભુના પ્રકાશમાં ખુલ્લું થતાં, પ્રભુનાં ગહન રહસ્યોનું જ્ઞાાન એ હૃદયમાં જાગૃત થાય છે. પ્રભુનો દિવ્ય સ્પર્શ તેને ઊર્ધ્વ ચેતનામાં આરોહિત કરે છે, અને શાશ્વતનાં રહસ્યો તેની સમક્ષ પ્રગટ થવા લાગે છે. આ ભક્તિનો માર્ગ એ સમર્પણનો માર્ગ છે. પ્રેમનો માર્ગ છે. આ માર્ગ ખૂબ સરળ છે ને સીધો લક્ષ્ય પ્રત્યે લઈ જનારો છે. વળી, પ્રભુને મેળવવા ઈચ્છતા કોઈપણ મનુષ્ય માટે આ માર્ગ હંમેશાં ખુલ્લો છે.પ્રેમાધીન પ્રભુ જરૂર પડદો હઠાવે છે અને પછી તો તેઓ જ બધું સંભાળી લે છે.

[email protected]