પ્રેમને વસંતનો મોહતાજ બતાવીને ચાલ્યા ગયેલા પૂર્વસુરીઓ કેટલા સાચા? - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • પ્રેમને વસંતનો મોહતાજ બતાવીને ચાલ્યા ગયેલા પૂર્વસુરીઓ કેટલા સાચા?

પ્રેમને વસંતનો મોહતાજ બતાવીને ચાલ્યા ગયેલા પૂર્વસુરીઓ કેટલા સાચા?

 | 5:38 am IST

ટિન્ડરબોક્સ :- અભિમન્યુ મોદી

સ્ટ્રોંગ ચાર્લીએ બધાની જિંદગીમાંનવી દુનિયાનો સુરજ ઉગાડયો, કારણ કે ચાર્લી શારીરિક રીતે બહુ સ્ટ્રોંગ હતો એટલે? ના. તેનું દિલ બહુ મજબુત હતું. તેના પ્રેમે એક ટાપુના જંગલી આદિવાસીઓને સભ્ય માણસો બનાવી નાખ્યા હતા.

ગાંધીજીના જન્મવર્ષના છ વર્ષ પછી ૧૮૭૫ માં સ્વીડનમાં જન્મેલો ચાર્લી સતર વર્ષની ટીનેજ વયે દરિયો ખેડવા ઉપડી ગયો હતો. ‘પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન’માં ફ્લ્મિી સ્ટાઈલમાં જેટલા બહાદુર દરીયાખેડુઓ બતાવવામાં આવ્યા છે તેના કરતાં વધુ જવાંમર્દ લોકો તે સમયે હતા અને ચાર્લી તેમનો એક હતો. જુવાનીના દિવસો તેણે અફટ પેસિફ્કિ સમુદ્રની ખારી હવામાં વિતાવ્યા. ૧૮૯૮ માં તો એક જર્મન વ્યાપારી કંપનીનો તે પગારદાર માણસ બની ગયો. હવે તો કંપનીના જહાજમાં દેશદેશાવર જવાનું હતું, દરિયાના રસ્તે જ.

થયું એવું કે ૧૯૦૪માં પાપુઆ ન્યુ ગીની ટાપુસમૂહ પાસે તેનું આખું જહાજ ડૂબી ગયું. ગમે તે રીતે ચાર્લી ટેબર ટાપુના કિનારા સુધી પહોચ્યો અને બચી ગયો. થોડી વાર પછી ખબર પડી કે તે ચારેબાજુથી ટાપુના આદિવાસીઓથી ઘેરાઈ ચુક્યો છે. ટેબર આદિવાસીઓ માનવભક્ષી હતા. બહારના લગભગ કોઈ પણ માણસને જીવતો ન છોડે તેવી ટેવ ધરાવતા હતા. પણ વાદળી આંખોએ ચાર્લીને બચાવી દીધો અને આદિવાસીઓએ તેના રાજા પાસે તેણે લઇ ગયા. મજબુત શારીરિક બાંધાને કારણે રાજાએ તેને ટાપુ ઉપર મુક્તપણે વિચરવાની છૂટ આપી. ત્યાં થોડા સમયમાં તો ચાર્લી ભાઈ માનવભક્ષી આદિવાસીઓના રાજાની દીકરીના પ્રેમમાં પડયા. તે બંનેના પ્રેમની તાકાત એ હતી કે હિન્દી ફ્લ્મિોની જેમ માનવભક્ષી બાપ પ્રેમકહાનીમાં વિલન બનીને આડખીલી રૂપ ન બન્યો અને તે બંનેના લગ્ન થઇ ગયા! માનવભક્ષી ટેબર આદિવાસીઓએ બંનેને વધાવી લીધા. ચાર્લી તે ટાપુમાં બધાનો એટલો બધો ગમતીલો બની ગયો હતો કે રાજાના મૃત્યુ પછી ખુદ તેને તે ટેબરનો રાજા બનાવવામાં આવ્યો! વિશ્વના ઘણાં છાપાઓમાં તે સમાચાર પહેલા પાના ઉપર હતા. પછી તો પ્રિન્સેસ સિંગદો અને ચાર્લીના લગ્ન પછી નવ બાળકો જન્મ્યા જેમાંથી એક બાળક નાનપણમાં ગુજરી ગયું બાકીના આઠ મોટા થયા. પછી તો તે બંનેએ બીજા બે બાગાયત માટેના વિસ્તારો ખરીદ્યા અને કોપરાનો બિઝનેસ ખુબ ફૂલ્યોફલ્યો. થોડા સમય પછી ઇન્ફ્કશનને લીધે પ્રિન્સેસ ગુજરી ગઈ અને સ્ટ્રોંગ ચાર્લી તેના આઠ બાળકો સાથે એકલો પડી ગયો.

પછી તો આટલા બધા બાળકોની સંભાળ માટે બીજા લગ્ન કર્યા. ધંધો પડી ભાંગ્યો. ટાપુ ઉપર સોનાનો જથ્થો મળ્યો. પોતે બીમાર પડયો. નવી પત્ની પણ બીમારીમાં સબડી. ઝીંદગીમાં ચડાવ ઓછા અને ઉતાર વધુ આવ્યા અને છેલ્લે સ્ટ્રોંગ ચાર્લી ૧૯૩૭ માં સિડનીમાં અવસાન પામ્યો. સ્ટ્રોંગ ચાર્લી ફ્લ્મિોથી લઇને જીવિત મનુષ્યો સુધી ઘણાને પ્રેરણા આપતો ગયો કારણ કે તેનો પ્રેમ મહાન હતો. તેનો પ્રેમ મહાન શું કામ હતો? કારણ કે તે ફૂલ ટાઈમ પ્રેમી ન હતો, તેણે પ્રેમને તેની નબળાઈ નહીં પણ તાકાત બનાવી હતી અને નરભક્ષી આદિવાસીઓના ટાપુને રળીયામણું બનાવવાની સફ્ળ જહેમત ઉઠાવી હતી.

પ્રેમ જો ખરેખર પ્રેમ જ હોય તો તે ક્યારેય ફ્ક્ત બે વ્યક્તિઓ સુધી સીમિત રહે નહિ. હળવું, મળવું, સગાઇ-લગ્ન, કિસ-હગ, બાળકો-બુઢાપો ફ્ક્ત આટલા શબ્દોમાં કહેવતો ‘પ્રેમ’ જગતના લાખો લોકોનો પૂરો થઇ જાય છે. પરંતુ પ્રેમની સુવાસ એ બે વ્યક્તિઓની આજુબાજુના પરિસર સુધી રેલાય નહિ તો એ પ્રેમ કઈ રીતે કહી શકાય? કેટલી સદીઓનો ઘટનાક્રમ રહ્યો હશે, કેટલા બધા સંજોગો અને અકસ્માતો સર્જાયા હશે જે તે ઘડીનું નિર્માણ કરવા માટે નિમિત બન્યા હશે જેણે એક સ્વીડીશ માણસને એક નરભક્ષી આદિવાસી યુવતી સાથે મળાવ્યો અને વધુમાં તેના પ્રેમમાં પણ પાડયો? શું પરાપૂર્વથી ચાલી આવતી સંસારની લીલા તરફ જરા પણ આભારની લાગણી ન ઉદભવે જેણે તમારી કાંટાળી વાસ્તવિકતામાં રેશમની જાજમ પાથરી? રહસ્યમય લાગતા પ્રેમમાં આ બ્રહ્માંડ પરત્વે જો સહેજ પણ કૃતજ્ઞાતાની લાગણી થતી હોય તો તમારા પ્રેમને કારણે આ દુનિયા થોડી બેહતર તો થવી જોઈએ. વિશ્વમાં તમારા પ્રેમની વજ્રલેપ સ્યાહીથી એક નિશાની તો રહેવી જોઈએ જેથી આગામી પેઢીઓ સ્વેચ્છાએ પોતાના પૂર્વજોને યાદ કરીને ગરદન ઉંચી કરી શકે, હૃદય મોટું કરી શકે.

માટે જ પ્રેમની કોઈ ઋતુ નથી હોતી. ખબર નહિ કેમ આદીકવિઓએ વસંતને જ લવ સીઝન બનાવી નાખી છે. પોતાના નેચરલ ઇન્સ્ટીંકટથી દોરવાતા અને સુષુપ્તાવસ્થામાંથી આ જ સમય દરમિયાન બહાર આવીને પ્રજનન કરતા જીવડાથી લઇને પ્રાણીઓ માટેના મેટિંગ પીરીયડ જેવી વસંત અને વસંતમાં ખીલતા પીળા ફૂલોના ખેતરોને જોઈને હંમેશાં કુદરતથી પ્રેરિત થતા કાલિદાસથી લઇને યશ ચોપરા સુધી ફેસીનેટ થયા છે અને તે પરંપરા આપણે પણ ધપાવી રહ્યા છે. પણ પ્રેમ કરવાની, પ્રેમ બતાવવાની અને પ્રેમકથનની કોઈ જ ઋતુ નથી હોતી. ફીઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી કે ફ્લિસુફીઓ જેનો સંપૂર્ણ તાગ મેળવવામાં અસફ્ળ રહ્યા છે તેવું વરદાન જે એકમાત્ર માણસને મળ્યું છે તેવો પ્રેમ શું ફ્ક્ત એક મહિનાનો મોહતાજ હોઈ શકે?

વસંતપંચમીનો શાસ્ત્રોક્ત મહિમા ઘણો છે અને એવી અદભુત વ્યવસ્થા આપણા જેવા મહાન દેશમાં જ ઉદભવી શકે. વસંતમાં જ વેલેન્ટાઈન ડે આવે છે અને ફેબ્રુઆરી મહિનો પૃથ્વીના અડધા ગોળાર્ધમાં પ્રેમ ઋતુ તરીકે ઉજવાય છે. વસંતને હાઈપ મળે એમાં વાંધો નથી પણ એને લીધે શિશિર કે શરદ પ્રેમ કરવા યોગ્ય નથી થઇ જતી. મુદ્દો એ નથી કે પ્રેમ બારમાસી છે. મુદ્દો એ છે કે સમયની જેમ અનંત રહેવા સર્જાયેલા પ્રેમને આપણે પામી શકીએ છીએ કે નહિ? ભલે વસંત કે ફેબ્રુઆરીને એક બહાનું બનાવીએ, આકર્ષણ-લાલચ-આવેગ-મોહ-ફયદો-સમાજ  બધાને અતિક્રમીને પ્રેમને સ્પર્શી શકાય છે? તમારો પ્રેમ આ જગતમાં ઉગેલા એક તણખલાં માટે પણ ચમકતી સવાર લાવ્યો?

facebook.com/abhimanyu.modi.7