પ્રેમનો અર્થ શું થાય ? - Sandesh

પ્રેમનો અર્થ શું થાય ?

 | 1:41 am IST

જીવન ધ્યાન: ઓશો

શ્રદ્ધામાં તમને તમારો જ દોષ દેખાશે. પ્રેમમાં તમે જેના પ્રેમમાં છો તેનો જ દોષ દેખાશે. શ્રદ્ધામાં તમે હંમેશાં, કંઈ પણ બોલ્યા વગર, એવા ક્ષમા માગતા હો તેવા પરિવેશમાં હો છો કે “હું તો અબુધ છું, હું તો નિદ્રામાં છું, હું તો બેહોશ છું. કંઈક ખોટું કહેવાની કે કરવાની શક્યતા મારામાં રહેલી છે તો મારા પ્રત્યે દયાભાવ અને કરુણા રાખજો.” શ્રદ્ધામાં ઘણું બધું સમાય છે. શ્રદ્ધા તો એક ખજાનો છે.

જ્યારે તમે કહો છો કે હું તને ચાહું છું ત્યારે તેમાં ગુહ્ય રીતે માલિકી ભાવનો તરંગ હોય છે. કંઈ કહ્યા વગર સમજી લેવાનું હોય છે. કંઈ બોલ્યા વગર સમજી લેવાનું હોય છે કે, હવે મારી મિલકત છો. હવે તમને અન્ય કોઈ વ્યક્તિ પ્રેમ કરી શકે નહીં.

શ્રદ્ધામાં, તમને જેના પ્રત્યે શ્રદ્ધા છે તેના ઉપર માલિકીપણું કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ઊલટાનું, તમે કહો છો કે તમે મારા માલિક બની મારા “હું” પણાના અહંકારનો નાશ કરો. હે પ્રભુ, મને મદદ કરો કે જેથી હું તમારામાં ખોવાઈને ઓગળી જઉ, જેથી તમારી સાથેની યાત્રામાં કોઈ બાધા ન રહે.

પ્રેમમાં સતત કલહ અને કલેશ છે. પ્રેમ માંગે છે. “હું તને ચાહું છું.” નો અર્થ થાય છે કે તારે પણ મને ચાહવાનો છે. ખરી વાત તો એ છે કે હું તને એટલા માટે ચાહું છું કે તું મને ચાહે તેવું હું ઈચ્છું છું. આ સીધો સરળ અર્થ છે. એથી તેમાં ડર છે. તારે બીજા ઔકોઈને પ્રેમ આપવાનો નથી. કોઈએ તને ચાહવાનું નથી, કારણ કે હું મારા પ્રેમમાં કોઈને ભાગીદાર બનાવવા માગતો નથી. મારા પ્રેમમાં કોઈ ભાગ પડાવે તેમ હું ઈચ્છતો નથી.

માણસનું અચેતન મન, પ્રેમ એ એકત્રિત જથ્થો છે અને તેની રાશિ સીમિત જથ્થામાં છે તેવું માનતું હોય છે. પ્રેમી એવું માને છે કે પ્રેમના સંપૂર્ણ જથ્થા ઉપર મારી માલિકી હોવી જોઈએ. જો બીજા લોકોને ચાહવા માંડે તો પ્રેમનો આ જથ્થો બધામાં વહેંચાઈ જશે. તમને પૂરેેપૂરો જથ્થો મળશે નહીં. આમાંથી ઈર્ષ્યા, જાસૂસી, કલહ, કનડગત વગેરે જન્મે છે અને બધા દુરાચારો પેલા સુંદર શબ્દ-પ્રેમની પાછળ આચરાતા રહે છે.

શ્રદ્ધામાં કલહનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, ત્યાં તો સંપૂર્ણ સમર્પણ છે. જ્યારે તમે કહો છો કે, ‘ઓશો, મને આપનામાં શ્રદ્ધા છે’ ત્યારે તેનો અર્થ થાય છે કે આ જ ઘડીથી આપની સાથેનો મારો ઝઘડો ખતમ થઈ જાય છે. હવે હું તમારો છું. આપને જે કરવું હોય તે કરો. મને મારી નાખશો તો પણ હું પ્રતિરોધ નહીં કરું, કારણ કે હવે ત્યાં મારું અસ્તિત્વ જ નથી. મેં મારી જાતને આપને સર્મિપત કરી દીધી છે. હવે શું કરવું એ તમારા પર છે. તમને જે ઠીક લાગે તે કરો.

શ્રદ્ધા હરીફાઈ નથી તેથી ત્યાં ઈર્ષ્યા નથી. જેમ તમે મારામાં શ્રદ્ધા રાખી શકો તે રીતે લાખો માણસો મારામાં શ્રદ્ધા રાખી શકે. ખરી વાત તો છે કે જેમ વધારે માણસો મારામાં શ્રદ્ધા રાખે તેમ તેમ તમે વધારે ખુશ થશો. ખૂબ માણસો મારા પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે તે જોઈને તમે ખુશ ખુશાલ થયો. પ્રેમમાં આવું બનતું નથી.

પ્રેમમાં જે બધું સૌંદર્યપૂર્ણ છે તે બધું જ શ્રદ્ધામાં સમાવિષ્ટ છે જ. જે ક્ષણે તમે કહો છો કે ‘મને આપનામાં શ્રદ્ધા છે’ તે જ ક્ષણે તમારું કહેવાનું એમ પણ છે કે ‘હું આપને ચાહુ છું’ પણ હવે શ્રદ્ધાને આ ‘હું’ નું અસ્તિત્વ રહ્યું નથી. ફક્ત પ્રેમ છે અને અહંકાર વિનાના પ્રેમથી કોઈ સમસ્યા ખડી થતી નથી. શ્રદ્ધામાં અનેક લોકો તમને ચાહે અને જેમ વધારે લોકો ચાહે તેમ મારી ખુશી વધી જશે તેવી ઊર્મિ ઊભરે છે.

માનવજાતની ભાષામાં શ્રદ્ધા એ કદાચ સૌથી વધુ સોહામણો શબ્દ છે અને શ્રદ્ધા સત્યની એટલી નિકટ છે કે જો શ્રદ્ધા પૂર્ણ હશે તો આ જ ક્ષણે તમારી શ્રદ્ધા તમારું સત્ય, ક્રાંતિ અને અનુભૂતિ થઈ જશે.

[email protected]