પ્રેમ પ્રગટ થાય તો પરમાત્મા પ્રગટ થઈ જાય છે - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • પ્રેમ પ્રગટ થાય તો પરમાત્મા પ્રગટ થઈ જાય છે

પ્રેમ પ્રગટ થાય તો પરમાત્મા પ્રગટ થઈ જાય છે

 | 12:12 am IST

કવર સ્ટોરી :- પૂ. મોરારિ બાપુ

પ્રેમથી સીધું પ્રમોશન પરમાત્મા છે, પ્રેમને પ્રગટ કરી શકો તો તરત જ તમને પરમાત્મા પણ પ્રગટ થયેલા દેખાવા લાગે, પરંતુ એ પહેલાં પ્રેમની પરીક્ષા પાસ કરવા માટે પાંચ કક્ષા પાર કરવી પડે.

પ્રેમ પ્રગટ કરીને પરમાત્માને પ્રગટ કરવાની સાધના પાર કરવા માટે પાંચ કક્ષાઓ પાર ઊતરીને પાસ થવું પડે.  આ પાંચ કક્ષાઓ કઈ કઈ હશે એની મૂંઝવણ દૂર કરવા અને પ્રેમથી પરમાત્માનો માર્ગ મોકળો કરવા આપણે પાંચેય કક્ષાઓ વિશે જાણી લઈએ.

પ્રેમથી પરમાત્મા સુધી લઈ જનારી આ પાંચ કક્ષા એટલે-

પૂજા કરવી

શ્રેષ્ઠોની પૂજા કરવી એ પ્રથમ કક્ષા છે, પ્રથમ પુસ્તક છે. પૂજા કરવામાં પૂજાની વિધિ કરવી પડે. આ પૂજાની વિધિ એ એક ક્રિયા છે. એટલે પૂજા ક્રિયાપ્રધાન છે. પૂજાપાઠ કરવા એ પ્રારંભિક શરૂઆત છે અને તે આવશ્યક પણ છે. પૂજાપાઠ કરવાથી આપણા વિશ્વાસમાં વધારો થાય છે.

ઉપાસના

કોઈની યાદમાં આંસુ આવી જાય તેનું નામ ઉપાસના. ઉપાસનામાં પૂજા-પાઠ છૂટી જાય. ઉપાસનામાં કેવી રીતે બેસવું, કોની પાસે બેસવું, કેવી રીતે બેસવું, કેટલો સમય બેસવું વગેરે આવે છે. તેમાં પૂજાપાઠ નથી રહેતા. એટલે કે ક્રિયા છૂટી જાય છે અને વિધિ રહે છે.

ભક્તિ  

ભક્તિ કરવામાં પ્રેમ જોઈએ, પ્રેમ વિના ભક્તિ ન થાય. ભક્તિમાં વિભક્તિ ન હોય. ભક્ત એ છે જે ભગવાનથી વિભક્ત નથી.

સમર્પણ

વૈરાગ્ય સહિતનો ત્યાગ એ સમર્પણ છે. બધા પ્રકારે કરેલું અર્પણ એટલે સમર્પણ. સમર્પણમાં અહંકાર ન આવવો જોઈએ. અહંકારને પણ ત્યાગી દેવાનો હોય. દેવાવાળાનો અહંકાર પણ ન બચે અને દેવાવાળો પણ ન બચે તેવું સમર્પણ એ સંપૂર્ણ સમર્પણ છે. અહંકારનો ત્યાગ કરવો અઘરો છે.

શરણાગતિ  

પ્રેમમાં શરણાગતિ હોય. સમર્પણ આવ્યું એટલે શરણાગતિ પણ આવે જ. બંને એક જ ચીજનાં બે સ્વરૂપ છે. શરણાગતિ મનુષ્યને જ દીન બનાવે છે. અહંકારને ખાઈ જાય છે. એક વખત બધું જ સદ્ગુરુને અર્પણ થઈ જાય પછી હું પણું રહેતું નથી. શરણ આવે તેનું તરણ થઈ જાય છે.

પ્રેમ જેટલો ગુપ્ત રહે તેટલો વધારે સુરક્ષિત રહે છે. તપને ગુપ્ત રાખો, પ્રીતિને ગુપ્ત રાખો.

દુનિયાને પ્રેમની આંખે જુઓ. કૃષ્ણમૂર્તિ કહે છેઃ ‘પ્રેમ કોઈ એવો આદર્શ નથી કે જેને શીખવી શકાય.’ કોઈ મા કે બાળકને ક્લાસીસ ભરવા પડે છે? નહીં. આજ સુધી તો નથી ભરવા પડયા. જો આ જમાનામાં પ્રેમ કરવાના ક્લાસીસ ભરવા પડે તો તે જ દિવસે પૃથ્વી છોડી દેવી જોઈએ. આ ધરતીનો શો અર્થ? બાળક અને મા પ્રેમની શરૂઆત ક્યારે કરે છે? ન એનો કોઈ પ્રારંભ છે કે ન કોઈ અંત.

કૃષ્ણમૂર્તિ કહે છે કે પ્રેમમાં પ્રવેશ કરવા માટે ૧. સમયનો ગુણધર્મ જાણી લેવો જોઈએ, ૨. દુઃખના પ્રમાણને સમજી લેવું જોઈએ. અને ૩. મૃત્યુને પારખી લેવું જોઈએ. જે આ પ્રમાણે કરે તે જ પ્રેમનો અધિકારી બની શકે છે. જે લોકો સમયને નથી જાણતા, જે લોકો દુઃખોથી ભાગવાની કોશિશ કરે છે તેઓ શું ધૂળ પ્રેમ કરવાના?

પ્રેમયજ્ઞામાં મૃત્યુ તો એક સમિધ છે

વિશુદ્ધ પ્રેમમાં વર્ણ નિર્ણય અસંભવ હોય છે. વિશુદ્ધ પ્રેમથી વિશુદ્ધ ત્યાગ થાય છે.

પ્રેમ સ્વમાની છે. હૃદયમાં થોડો ઘણો પણ કચરો હશે તો પ્રેમ પ્રવેશ નહીં કરે. પ્રેમદેવતા તમારું હૃદય ખાલી હોય તેમ ઈચ્છે છે, માનો કે તમે હૃદયનો ઓરડો ખાલી કરી નાખ્યો, તો પ્રેમદેવતા આવી જ જાય છે. પણ આ પ્રેમદેવતા દૂરથી આવ્યા છે, કરુણા કરીને આવ્યા છે. તેમણે હૃદયમાં પગ મૂકી દીધો છે. ચરણ ધોવાનાં છે. સાધકે પૂછયું તો કહેવામાં આવ્યું કે તારી પાસે આંખોનું જળ છે? એ જળથી ચરણ ધોવામાં આવે છે. સાધકે ચરણ ધોયાં. સાધકે પૂછયું : ‘તમે કહો તો ચંદન કરુણ.’ પ્રેમદેવતાએ કહ્યું: ‘તારા હૃદયની શીતળતાનું જ ચાલે, તારું હૃદય ઋજુ છે? શાંત છે?’ સાધકે કહ્યું: ‘તમે આવ્યા ત્યારે તે શાંત થઈ ગયું.’ પ્રેમદેવતાએ ઉદારતા દર્શાવી. પૂછયું: ‘ફૂલ ચડાવું?’ દેવતાએ કહ્યું: ‘તારું પવિત્ર મન ચડાવ, એ જ સુમન ચાલશે.’ ‘ધૂપ કરું?’ ‘હા, કરો.’ ‘કયો કરું?’ વૈરાગ્યની અગ્નિમાં વાસનાને સળગાવો, તે ધૂપ થઈ જશે, તે જ મારે માટે સુગંધ બની જશે. આરતી કરું? સજ્જનના આચરણના રૂની વાટ બનાવો. ઘી કયું? જ્ઞાનનું ઘી, ચારિત્ર્યની વાટ બનાવી મારી આરતી ઉતારો. ભક્તે આરતી ઉતારી લીધી. પછી તેણે પ્રેમદેવતાને પૂછયું: થાળ ધરું? તમારાં સારાં-ખરાબ કર્મોનો ભોગ ધર. ભગવાન ભક્તના બધાં જ કર્મોને ખાઈ જાય છે. એક જ શરત કે ભગવાનને બધું જ અર્પણ કરો. તુલસીપત્ર કયું મૂકું? અનુરાગનું તુલસીપત્ર મૂકો. ભેટ ધરું? તારો રહ્યોસહ્યો અહંકાર દઈ દે, હું તેનો સદુપયોગ કરીશ. બધું થઈ ગયું. આશીર્વાદ બાકી રહ્યો. સાધક ઝોળી ફેલાવી બેઠો છે, માંગવાની હિંમત નથી થતી. પ્રેમદેવતાએ પૂછયું, શું વરદાન જોઈએ છે? સાધકે કહ્યું: એ સમજણ હોત તો સાધનાથી તને પકડી ન લેત? તેં કરુણા કરી. હવે શું આપવું અને શું ન આપવું તે તું જ નક્કી કર. પ્રેમદેવતાએ કહ્યું: હવે ઝોળી ફેલાવ અને સંભાળ ઝોળી. તેમણે શરણાગતિ આપી દીધી. સાધક ધ્રૂજવા લાગ્યો. આ સંપત્તિને હું કેવી રીતે સંભાળું? એક જ કામ બાકી, બેઠા રહેવાનું, તાક્તા રહેવાનું, રડતા રહેવાનું, શરણાગતિ સુધી પહોંચાડી દીધો.

જેના જીવનમાં પ્રેમ વધશે તેની અંદરના જીવંત કોષ આપોઆપ ગતિશીલ થઈ જાય છે. એ અનુભવ તો તમે સહુએ કર્યો હશે કે તમે તમારાં માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી મિત્ર-પડોશી કે જેને તમે ખૂબ જ પ્રેમ કરતાં હોવ તે જો લાંબા સમયના વિરહ પછી મળે તો તેમના ક્ષેમકુશળ પૂછતાં પહેલાં જ તમારી આંખોમાં આંસુ આવી જાય છે, ગળું રુંધાઈ જાય છે. કોણ તમને આ રીતે ગળગળા અને ભાવસભર કરે છે? કોણ ઘૂસી ગયું આ તમારી અંદર કે જેણે તમને એક ક્ષણમાં ઓગાળી નાંખ્યા, પીગળાવી દીધા? એ ચમત્કાર છે પ્રેમનો જે તમને જોતજોતામાં લીલાછમ કરી દે છે. એટલા માટે ગોપીઓ ઈચ્છે છે પ્રેમભિક્ષા. તેઓ એ જ કહે છેઃ હે કૃષ્ણ, હે ગોવિંદ, અમે તારા ગુણ ગાતા રહીએ, ધીરજ ધારણ કરીને રહી શકીએ. અમારી અંદર પ્રેમ તત્ત્વનું જળ રહે જેથી જ્યારે તું સામે હોવ ત્યારે પણ અમે તારા સ્મરણમાં, તારા સ્મરણ માટે જીવી શકીએ. અમે હજાર માળા ફેરવીએ તો પણ એટલું કામ ન થઈ શકે જેટલું તું એકવાર અમને યાદ કરી લે ત્યારે થઈ જાય.

મેં ક્યાંક વાંચ્યું હતું, એક માણસ ભીખ માગી રહ્યો હતો. બજારમાં કેટલાય લોકો જઈ રહ્યા હતા, કોઈ તેને કાંઈ આપતું ન હતું. તેને ખૂબ ભૂખ લાગી હતી, તેને કોઈ પાસે માગવાનો અધિકાર હતો, કારણ કે ક્ષુધા તેને ભીખ માગવાને યોગ્ય બનાવી ચૂકી હતી પણ તેને કોઈ કાંઈ આપતું ન હતું. આખી દુનિયા પોતાની રીતે વ્યસ્ત અને મસ્ત હતી. એક સંત તેની પાસેથી નીકળ્યા, પરંતુ તે સંત પણ ભૂખ્યા હતા. ખગ ખગની બોલી સમજી જાય છે. જેમ ઘાયલ કી ગત ઘાયલ જાણે એ રીતે જાણી શકાય છે. સંતે વિચાર્યું કે મારી પાસે કાંઈ નથી પરંતુ તેણે તેની પાસે જઈને પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો. ભિખારી રડી પડયો. આ દુનિયામાં લોકોએ મને ઘણુ બધું આપ્યું, પણ આટલો પ્રેમ ક્યારેય નથી આપ્યો. બાબા, કાલે અહીંથી નીકળો તો ત્યારે પણ તમે કૃપા કરજો. એટલું કરો, કોઈને પ્રેમ આપો, કરુણા આપો. સહુ પાસે આ સંપદા તો છે જ.

માણસ બહાનાં શોધે છે, પ્રેમ શા માટે નથી કરતો? એકબીજા માટે ભાવ કેમ રાખતો નથી? દાનનો અર્થ, ધન હોય તો ધનનું દાન, ન હોય તો પ્રેમનું દાન કરો, સ્મિત આપો, હાસ્યનું દાન કરો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન