પ્રણયનો ત્રિકોણ કુરુક્ષેત્રનું મેદાન બને ત્યારે... - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • પ્રણયનો ત્રિકોણ કુરુક્ષેત્રનું મેદાન બને ત્યારે…

પ્રણયનો ત્રિકોણ કુરુક્ષેત્રનું મેદાન બને ત્યારે…

 | 2:59 am IST

ક્લાસિકઃ દીપક સોલિયા

ભગવાનના માણસ જેવા પ્રિન્સમાં બે અતિ રૂપાળી અને ચતુર નારીઓને રસ પડયો. એમાંની એક હતી નાસ્તિ અને બીજી હતી અગલાયા.

પછી થયું એવું કે નાસ્તિએ અગલાયા સાથે એકપક્ષી પત્રવ્યવહાર શરૂ કર્યો. નાસ્તિ તરફ્થી અગલાયાને એક જ અઠવાડિયામાં ત્રણ-ત્રણ પત્રો મળ્યા ત્યાર બાદ અગલાયાએ પ્રિન્સને મળવા બોલાવ્યો. આ મુલાકાત ગોઠવવા પાછળ અગલાયાનો મૂળ ઇરાદો કદાચ એ જ જાણવાનો હતો કે પ્રિન્સને એનામાં (અગલાયામાં) વધુ રસ હતો કે નાસ્તિમાં.

આ બે રૂપર્ગિવણીઓ વચ્ચેના રાજકારણથી અજાણ પ્રિન્સ વહેલી સવારે બગીચામાં હોંશેહોંશે અગલાયાને મળવા આવી પહોંચ્યો.

મુલાકાતના આરંભે અગલાયાએ ટિપીકલ વીસ વર્ષની છોકરી જેવી, સહેજ ગાંડીઘેલી અને ઉછાંછળી વાતો કરી એને લીધે પ્રિન્સના મનમાં એવી છાપ પડી કે આ તો હજુ બચ્ચી છે. પણ અચાનક બચ્ચીએ રણટંકાર કર્યો, ‘મને બધી ખબર છે… તું પેલી ભયંકર સ્ત્રી (નાસ્તિ) સાથે ભાગી ગયેલો અને એક મહિના સુધી તું એની સાથે રહેલો.’

પ્રિન્સ ચોંક્યો. એ બબડયો, ‘એની (નાસ્તિની) ટીકા ન કર. એ બહુ દુખિયારી છે.’

‘એ કોણ છે અને શું છે એની મને બધી ખબર છે. આજથી છ મહિના પહેલાં તેં આખા ગામની હાજરીમાં (પીટસબર્ગમાં, નાસ્તિના ઘરમાં, એના જન્મદિવસની પાર્ટીમાં) એની સમક્ષ લગ્નની દરખાસ્ત મૂકેલી, પણ એ તારી માગણી ઠુકરાવીને રોગોઝિન સાથે જતી રહી. એના થોડા સમય પછી તું અને એ બાઈ કોઈ અજાણ્યા ગામમાં એક મહિના સુધી સાથે રહ્યા. પછી એ તને છોડીને ફ્રી મોસ્કોમાં રોગોઝિન પાસે પહોંચી. રોગોઝિન એને પાગલની જેમ ચાહે છે, પણ નાસ્તિ રોગોઝિનને ફ્રી એક વાર છોડીને પીટસબર્ગ આવતી રહી. એટલે તું પણ દોડતો દોડતો પીટસબર્ગ આવી પહોંચ્યો. ગઈ કાલે બગીચામાં બબાલ થઈ (નાસ્તિએ એક જણના ચહેરા પર ચાબુક ફ્ટકારી) ત્યારે તું એના બચાવ માટે દોડી ગયો. અત્યારે હું અહીં આવી ત્યારે તું ઊંઘમાં એનું સપનું જોઈ રહ્યો હતો (એવું તેં જ કબૂલ્યું)… ટૂંકમાં, હું બધું જ સમજું છું. તું અહીં એના માટે આવ્યો છે (મારા માટે નહીં).’

આ બધું સાંભળીને પ્રિન્સ અત્યંત ઉદાસ થઈ ગયો. એ જમીન સામે જોઈને બોલ્યો, ‘હા, એ વાત તો સાચી છે કે હું એની પાછળ-પાછળ અહીં આવ્યો… હું એના માટે શું કરી શકું, હું એને કઈ રીતે મદદ કરી શકું એની મને કશી જ ખબર નથી. છતાં, ઝાઝું કશું વિચાર્યા વિના હું આવ્યો.’

‘તું અહીં શું કરવા માટે આવ્યો છે એની પણ જો તને ખબર ન હોય તો તો એનો અર્થ એ થયો કે તું એને ખૂબ ચાહે છે.’

‘ના, હું એને ચાહતો નથી. તને કશી ખબર જ નથી કે એની સાથે ગાળેલો એક મહિનો યાદ આવે છે ત્યારે હું કેવો ફ્ફ્ડી ઊઠું છું.’ આટલું કહેતા પ્રિન્સ ધ્રૂજી ઊઠયો.

‘કંઈપણ છુપાવ્યા વિના તું મને આખી વાત કર.’

‘તારાથી છુપાવવા જેવું કંઈ નથી. હું જ્યારે નાસ્તિ સાથે પેલા ગામમાં અત્યંત દુઃખી હતો ત્યારે તને, અને ફ્ક્ત તને જ, આખેઆખી વાત કહીને હૈયું હળવું કરવા છટપટાતો હતો. ખેર, સાંભળ, એ કમનસીબ બાઈ એવું માને છે કે આખી દુનિયામાં એનાથી હલકટ બીજું કોઈ છે જ નહીં. એ પોતે જ પોતાની જાત પર ઘણો જુલમ ગુજારી ચૂકી છે. આખી વાતમાં એનો પોતાનો કોઈ વાંક નથી. એ પોતે પણ ચિલ્લાઈ ચિલ્લાઈને કહેતી રહે છે કે આખી વાતમાં વાંક તો પેલા પુરુષ (નાસ્તિ સાથે ચાર વર્ષ સુધી સાથે શરીરસંબંધ બાંધનાર પ્રૌઢ તોત્સ્કી)નો હતો. પણ જોવા જેવું એ છે કે આમ ભલે નાસ્તિ બરાડે કે વાંક એનો નથી, પણ અંદરખાને તો એ એવું જ માને છે કે વાંક એનો પોતાનો છે. મેં એને એની નિર્દોષતા સમજાવવાની અને દુઃખમાંથી ઉગારવાની કોશિશ કરી એને લીધે તો એ એટલી બધી દુઃખી થઈ કે… ઓહ, એ આખી વાત યાદ કરું છું ત્યારે મને બહુ તકલીફ્ થાય છે. એ મહિનો અત્યંત ખતરનાક હતો. મારી છાતી જાણે ચાકુના પ્રહારથી ભેદાઈ ગઈ હોય એવી પીડા મેં ત્યારે વેઠી. નાસ્તિને ઉગારવાના મારા પ્રયત્નો બાદ એ તો ઉલટાની મને છોડીને જતી રહી. શું કામ જતી રહી, ખબર છે? કારણ કે એ જાણે મને એવું દેખાડવા માગતી હતી કે ‘હે મૂરખ પ્રિન્સ, તને ખબર નથી કે હું કેટલી હલકટ બાઈ છું.’ એને પોતાને પણ કદાચ આ વાતની ખબર નહીં હોય કે કશુંક અત્યંત નીચ કૃત્ય કરીને એ પોતાની જાતને જ કહેવા માગતી હતી કે ‘જો જો, તેં ફ્રી હલકટાઈ આચરી.’ આ બધું તને નહીં સમજાય અગલાયા, પણ સતત પોતાની નજરમાં પોતાની જ જાતને નીચી પાડવામાં એને એક પ્રકારનો આનંદ મળે છે, જાણે વેર વાળ્યાનો સંતોષ મળે છે. અમે સાથે હતા ત્યારે ક્યારેક હું એને થોડું સમજાવી શકતો અને અંધારામાંથી બહાર લાવી શકતો, પણ પછી ફ્રી એ ભડકી ઊઠતી અને છેવટે મેં લગ્નની દરખાસ્ત મૂકી ત્યારે તો એણે ચોખ્ખા શબ્દોમાં મને સંભળાવ્યું પણ ખરું કે હું મારી જાતને એનાથી ઊંચી સમજું છું. હું એનાથી ઊંચો હોઉં એવું તો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. મેં લગ્નની વાત કરી ત્યારે એણે અત્યંત ગુસ્સે ભરાઈને મને સંભળાવી દીધું કે એને કોઈની દયાની ભીખ નથી જોઈતી અને કોઈ ઊંચેરા માણસની ઊંચાઈને આંબવામાં એને કોઈ રસ નથી. એ કેટલી વિફ્રેલી છે તેનો એક પરચો તેં ગઈ કાલે જોયો. ‘

‘આવો… શું કહેવાય… ઉપદેશ… આવા ભાષણો તું એની સામે ક્યારેય કરતો?’ અગલાયાએ પૂછયું.

અગલાયાના ટોનની કડવાશ પર ધ્યાન આપ્યા વિના પ્રિન્સે પ્રમાણિકપણે વાત ચાલુ રાખી, ‘ના, એની સામે તો હું મોટે ભાગે ચૂપ જ રહેતો. મને એને કહેવાનું મન તો બહુ થતું, પણ પછી મને સમજાતું કે એની સામે ચૂપ રહેવામાં જ સાર છે. હું ઝાઝું નહોતો બોલતો તો પણ એને સમજાઈ ગયું કે અગાઉ હું એને ખરેખર ખૂબ ચાહતો હતો, પણ પછી… એને આખો મામલો બરાબર સમજાઈ ગયો.’

‘શું સમજાઈ ગયું એને?’

‘એ જ કે (શરૂઆતમાં ચાહ્યા બાદ) હું એને ચાહતો નહોતો, પરંતુ એના પ્રત્યે ફ્ક્ત દયા જ અનુભવતો હતો.’

‘શું તને ખબર છે કે એ મને પત્રો લખી રહી છે?’

‘ઓહ, તો રોગોઝિને મને કહેલી વાત સાચી છે.’

‘તને એ ખબર છે કે પત્રોમાં એ મને શું લખે છે?’

‘એ કંઈપણ લખી શકે એવી છે. એ ગાંડી થઈ ગઈ છે.’

‘આ રહ્યા એ પત્રો,’ એમ કહીને અગલાયાએ નાસ્તિના ત્રણ પત્રો પ્રિન્સ સામે ફેંકીને વાત આગળ વધારી, ‘છેલ્લા એક અઠવાડિયાથી એ મારી સમક્ષ કરગરી રહી છે, કાકલૂદી કરી રહી છે કે મારે તને પરણી જવું જોઈએ. એ ગાંડી ભલે હોય, પણ એનામાં બહુ અક્કલ છે. એ એવું લખે છે કે હું એને બહુ ગમું છું અને મારી એક ઝલક દૂરથી જોવા મળી જાય એ માટે એ મથતી રહે છે. હું કેવી દેખાઉં છું એ જાણવામાં એને બહુ રસ છે. એ લખે કે તું મને બહુ ચાહે છે. તેં એની સાથે મારા વિશે જે વાતો કરી હશે તેના પરથી એને એવું સમજાયું છે કે તું મારા પ્રેમમાં છે. એ માને છે કે ફ્ક્ત હું જ તને સુખી કરી શકીશ. એનું કહેવું છે કે એ તને સુખી થતો જોવા માગે છે.’

‘એ… એ ખરેખર પાગલ થઈ ગઈ છે.’

‘મને તું એટલું કહે કે હવે મારે શું કરવાનું છે? એ મારા પર આવી રીતે પત્રો લખ્યા કરે એ ન ચાલે.’

‘તું કંઈ ન કરતી. હું એને સમજાવીશ કે એ તને પત્રો ન લખે.’

‘પ્રિન્સ, તારામાં દિલ જેવું કંઈ છે કે નહીં? તું એને આટલી બધી સમજે છે, પણ તને શું એટલી સાદી વાત નથી સમજાતી કે એ તારા પ્રેમમાં છે? હું એને બહુ ગમું છું એવી બધી જે વાતો એ મને લખે છે એ તો ખાલી દેખાડો છે. વાત ફ્ક્ત એટલી જ છે કે એ તને ચાહે છે, ખૂબ ચાહે છે. એ મને જે પત્રો લખે છે એમાં ઇર્ષ્યા છે. ના, ઇર્ષ્યાથી પણ વધુ ખતરનાક એવું કશુંક છે. તને શું લાગે છે? એ પત્રોમાં લખે છે એ પ્રમાણે, આપણે પરણી જઈએ કે તરત એ રોગોઝિનને પરણી જશે? ના રે ના. આપણે પરણી જઈશું કે તરત બીજા દિવસે એ આપઘાત કરી લેશે.’

પ્રિન્સ ચોંક્યો…(ક્રમશઃ)

(દોસ્તોયેવસ્કીકૃત ‘ધ ઇડિયટ’ની શ્રેણી)