અંકલેશ્વરઃ શિક્ષિકાના અન્ય યુવક સાથે પણ સંબંધો હોવાની જાણ થતાં પ્રેમીએ કરી હત્યા - Sandesh
  • Home
  • Gujarat
  • અંકલેશ્વરઃ શિક્ષિકાના અન્ય યુવક સાથે પણ સંબંધો હોવાની જાણ થતાં પ્રેમીએ કરી હત્યા

અંકલેશ્વરઃ શિક્ષિકાના અન્ય યુવક સાથે પણ સંબંધો હોવાની જાણ થતાં પ્રેમીએ કરી હત્યા

 | 9:25 pm IST

અંકલેશ્વરની રુદ્રાક્ષ રેસીડન્સીમાં શિક્ષિકાના રહસ્યમય મોતના મામલામાં ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. પરિણીત શિક્ષિકાના તેના મામાના દીકરા ઉપરાંત અન્ય એક યુવાન સાથે પણ આડાસંબંધ હોય પ્રેમી એવા મામાના દીકારાએ જ તેની બેડરૂમમાં હત્યા કરી પુરાવાનો નાશ કરવા મૃતદેહ સળગાવી દીધો હોવાનો ખુલાસો થતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વરની રુદ્રાક્ષ રેસીડન્સીના એક મકાનમાંથી ગત તારીખ ૨૪મી ડીસેમ્બરના રોજ વિઝન ઇન્ટરનેશનલ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી ૨૫ વર્ષીય મેઘના ગાંધીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ સળગેલી હાલતમાં હોવાથી પ્રાથમિક તબક્કે તેનું મોત બેડરૂમમાં આગ લાગતા થયું હોવાનું લાગ્યું હતું પરંતુ પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં માથાના ભાગે ઈજાના નિશાન મળતા મામલો હત્યાનો હોવાનું બહાર આવતા ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો જેમાં ચોકાવનારો ખુલાસો થયો છે. મૃતક શિક્ષિકા મેઘના ગાંધીના તેના મામાના દીકરા અને વડોદરા ખાતે રહેતા ઉદય સતપુડે સાથે આડાસંબધો હતા.

તારીખ ૨૪ ડિસેમ્બરે મેઘનાના પતિ ચિરાગ ગાંધી તેમના ૭ વર્ષના પુત્ર સાથે યાત્રાધામ અંબાજી ખાતે ગયા હતા તે દરમ્યાન ઉદય મેઘનાને મળવા આવ્યો હતો જો કે મેઘનાના મુંબઈના અન્ય યુવક સાથે પણ પ્રેમ સંબંધની જાણ થતા ઉદયે તેની સાથે ઝઘડો કર્યો હતો. બંને વચ્ચે થયેલ ઉગ્ર બોલાચાલીમાં ઉદયે મેઘનાને ધક્કો મારી દેતા તે બેડ સાથે અથડાઈ હતી જેમાં ગંભીર ઈજાના પગલે તેનું મોત નીપજ્યું હતું.

હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા ઉદયે મેઘનાનો મૃતદેહ સળગાવી દેવાનો પ્રયત્ન કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાના દિવસે રુદ્રાક્ષ રેસીડન્સીના વોચમેને મેઘના અને ઉદયને સાથે જોયા હતા ત્યાર બાદ મોબાઈલ ફોનના ટેકનીકલ સર્વેલન્સના આધારે ઉદયનું નામ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી ઉદયે એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે.