ઓછી લીડવાળી ૩૬ બેઠકો પર બંને પક્ષોને હફાવતાં અસંતુષ્ટો - Sandesh
NIFTY 10,774.45 +2.40  |  SENSEX 35,561.30 +13.97  |  USD 68.2100 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ઓછી લીડવાળી ૩૬ બેઠકો પર બંને પક્ષોને હફાવતાં અસંતુષ્ટો

ઓછી લીડવાળી ૩૬ બેઠકો પર બંને પક્ષોને હફાવતાં અસંતુષ્ટો

 | 4:27 am IST

ઈમ્તિયાઝ ઉજ્જૈનવાલા અમદાવાદ, તા. ૬

ગુજરાતમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પાંચ હજાર કે તેથી ઓછા મતે હારજીત થઈ હોય તેવી બેઠકોની સંખ્યા ૩૬ છે, જે પૈકી ૨૧ બેઠકો કોંગ્રેસે તો ૧૩ બેઠકો ભાજપે અને બે બેઠકો NCP- GPPએ હાંસલ કરી હતી. આ બેઠકો પર કબજો જમાવવા ભાજપ-કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો વળી આ પૈકીની કેટલી બેઠકો એવી છે જેમાં ભાજપ અને કોંગ્રેસના જ આગેવાનોએ બળવો પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવતાં ભાજપ-કોંગ્રેસના મોવડીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

પાતળી સરસાઈથી હારજીત થઈ હોય તેવી બેઠકોમાં અમદાવાદની બાપુનગર બેઠકનો સમાવેશ થાય છે. ૨૦૦૭માં ભાજપે આ બેઠક ૨,૬૦૩ મતે જીતી હતી. એનસીપીએ ૩ હજારથી વધુ અને મુસ્લિમ અપક્ષે ૨,૫૦૦થી વધુ મત ખંખેર્યા હતા. જેથી કોંગ્રેસ હારી હતી. આ વખતે કોંગ્રેસે બાપુનગર બેઠક પર નબળા ઉમેદવાર હિંમતસિંહ પટેલને ઉતાર્યા છે, જેના કારણે સંગઠનના કાર્યકરોમાં જ રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના સીટિંગ ધારાસભ્ય જગરૂપસિંહ સામે પણ રોષ છે. કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવારો સામે સ્થાનિકોમાં રોષ છે જેનો ફાયદો આડતકરી રીતે ત્રીજાને થાય તેમ છે. રાજપુર વોર્ડથી અપક્ષ કોર્પોરેટર રહી ચૂકેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમઝદખાન પઠાણને ફાયદો થઈ શકે છે. અહીં ૪૫ હજારથી વધુ મુસ્લિમ મતો એક તરફ પડે તો સમીકરણો બદલાઇ શકે તેમ છે. અહીં આપના ઉમેદવારે કોંગ્રેસ અને ભાજપ બંનેની ચિંતા વધારી છે. દરિયાપુર બેઠક પણ કોંગ્રેસે પાતળી સરસાઈથી જીતી હતી, કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સામે ભાજપે છેલ્લે હારેલા ભરત બારોટ પર ફરી પસંદગી ઉતારી છે. કોંગ્રેસે અહીંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પૂર્વ સ્ન્છ ફારૂક શેખને બેસાડી દીધાં છે જેનો ફાયદો કોંગ્રેસને થશે. પૂર્વ કોર્પોરેટર રાજુ મોમીન પણ અપક્ષ તરીકે મેદાનમાં છે તેઓ જેટલા વોટ તોડે તેટલો ફાયદો ભાજપના ઉમેદવારને થવાનો છે.

સાણંદ બેઠક પાતળી સરસાઈ સાથે કોંગ્રેસના કરમશી પટેલે જીતી હતી. કરમશી પટેલે કોંગ્રેસના ખર્ચે બેંગ્લુરુના રિસોર્ટમાં જલ્સા કર્યા પછી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને વોટ આપ્યો હતો. કોંગ્રેસથી બળવો કરી તેઓ ભાજપમાં જોડાયા એટલે ભાજપે તેઓના પુત્ર કનુ પટેલને ટિકિટ આપી છે. કોંગ્રેસે મહિલા ઉમેદવાર પુષ્પાબહેન ડાભીને ઉતાર્યા છે. ભાજપે આયાતી ઉમેદવાર કનુ પટેલને ટિકિટ આપતાં ભાજપના કાર્યકરોમાં રોષ છે, આ બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડે ઉમેદવારી કરી છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે. કડી બેઠક કોંગ્રેસે ધારાસભ્ય રમેશ ચાવડાને આપી છે. છેલ્લે ભાજપે હિતુ કનોડિયાને ટિકિટ આપી હતી, જે ૧૨૧૭ વોટથી હારી ગયા હતા. ભાજપે હવે કરસન સોલંકીને ટિકિટ આપી છે. આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફાઈટ ટફ રહે તેવી શક્યતા છે. ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠક કોંગ્રેસે છેલ્લે ૨,૨૯૭ મતોની સરસાઈથી જીતી હતી, આ બેઠક ફરી કોંગ્રેસે મહિલા ઉમેદવાર કામિનાબા રાઠોડને રિપીટ કર્યા છે તો ભાજપે બલરાજસિંહ ચૌહાણને ઉતાર્યા છે. આ બેઠક પર કશ્મકશ રહે તેવો વર્તારો છે. કલોલ બેઠક કોંગ્રેસે માંડ ૩૪૩ મતોથી હાંસલ કરી હતી, કોંગ્રેસે સીટિંગ ધારાસભ્ય બળદેવ ઠાકોરને ફરી ટિકિટ આપી છે તો ભાજપે ચૂંટણી હારેલા ડો. અતુલ પટેલ પર ફરી પસંદગી ઉતારી છે. આમ ફરી એક વાર બંને વચ્ચે રસાકસી રહેશે.

બનાસકાંઠાની કાંકરેજ બેઠક કોંગ્રેસે છેલ્લે ૬૦૦ મતોની સરસાઈથી જીતી હતી. કોંગ્રેસે વધુ ઉંમરના કારણે ધારસિંહ ખાનપુરાને ટિકિટ આપી નથી, તેમની જગ્યાએ દિનેશ ઝાલેરાને ઊભા રાખ્યા છે, તો ભાજપે છેલ્લે હારેલા ર્કિિતસિંહ વાઘેલાને ફરી એક તક આપી છે. સૂત્રો કહે છે કે, કોંગ્રેસે આ બેઠક પર ઠાકોર સેનાના કાર્યકરને ટિકિટ આપી છે. આમ કોંગ્રેસે જીતે તેવી બેઠક પર અલ્પેશ ઠાકોરના કહેવાથી જુગાર જ રમ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક પર ૨૦૧૨માં ભાજપ પરાજિત થયું હતું. જોકે પેટા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. વિજેતા કિરીટ સિંહને સરકારે મંત્રી બનાવ્યા છે. ફરી એક વાર સોમાભાઈ પટેલ ચૂંટણી જંગમાં સામસામે છે. આ જંગ કશ્મકશ ભર્યો રહે તેવો વર્તારો છે. રાજકોટ જિલ્લાની ધોરાજી બેઠક કોંગ્રેસે ૨૦૧૨માં ૨૯૪૩ મતોથી જીતી હતી. જોકે વિઠ્ઠલ રાદડિયાએ બળવો પોકાર્યો હતો. હવે આ બેઠક પર પાસના લલિત વસોયાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. અહીંનો જંગ રસપ્રદ રહેવાનો છે. રાજકોટ પૂર્વની બેઠક છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ૪૨૭૨ મતોથી જીતી હતી. જોકે ઈન્દ્રનીલે બેઠક બદલી મુખ્યમંત્રી સામે ઝંપલાવ્યું છે એટલે રાજકોટ દક્ષિણમાંથી ૨૮ હજાર કરતાં વધુ મતે હારેલા મિતુલ દોંગાને રાજકોટ પૂર્વ પર લડાવવામાં આવ્યા છે. આ બેઠક પર ભાજપે અરવિંદ રૈયાણીને ટિકિટ આપી છે. અહીં બરોબરની ફાઈટ રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.

જામનગર ગ્રામ્ય બેઠક છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસના રાઘવજી પટેલ ૩,૩૦૪ મતોથી જીત્યા હતા. ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ રણછોડ ફળદુને હારનો સ્વાદ ચાખવો પડયો હતો. જોકે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે વિદ્રોહ કરી રાઘવજી પટેલે ભાજપમાં એન્ટ્રી લીધી અને હવે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે સામે કોંગ્રેસે વલ્લભ ધારવિયાને ટિકિટ આપી છે, જેઓ પહેલાં ભાજપમાં હતા. ભાજપ અને કોંગ્રેસમાં અંદરો અંદર ટિકિટ ફાળવણીને લઈ નારાજગી જોવા મળી રહી છે એટલે જંગ રસપ્રદ અને કાંટાની ટક્કર સમાન રહેશે. માણાવદર બેઠક કોંગ્રેસના જવાહર ચાવડાએ વર્ષ ૨૦૧૨માં ૪,૪૦૨ મતોથી જીતી હતી. કોંગ્રેસે સીટિંગ ધારાસભ્યને રિપીટ કર્યા છે તો ભાજપે નીતિન ફળદુને ટિકિટ આપી છે. પાતળી સરસાઈના કારણે જંગ રસપ્રદ બની રહેવાનો છે.

સોમનાથ બેઠક પર ભાજપના મંત્રી જશા બારડને મેદાનમાં ઉતારાયા છે. ૨૦૧૨માં તેઓ કોંગ્રેસમાંથી જીત્યા હતા. કોંગ્રેસે વિમલ ચૂડાસમાને ટિકિટ આપી છે. અત્યારે તો ભાજપ માટે આ બેઠક જીતવી ખૂબ મહેનત માગી લે તેવી છે. તાલાલા બેઠક છેલ્લે કોંગ્રેસે ૧૪૭૮ મતોથી જીતી હતી, જોકે પેટા ચૂંટણીમાં ભાજપે આ બેઠક આંચકી લીધી હતી. અત્યારે ભાજપના ગોવિંદ પરમાર અને કોંગ્રેસના ભગવાન બારડ સામસામે છે. અમરેલી જિલ્લાની લાઠી બેઠક છેલ્લે કોંગ્રેસના બાવકુ ઉંધાડે જીતી હતી પણ બળવો કરી તેઓ ભાજપમાં જોડાયા હતા અને બેઠક જીત્યા હતા. લાઠી બેઠક પર કોંગ્રેસે પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરને ટિકિટ આપી છે, તો ભાજપે ગોપાલ વસ્તરપરાને ઉતાર્યા છે. અહીં જોરદાર ફાઈટ રહેશે.

કોંગ્રેસે છેલ્લી ચૂંટણીમાં સૌથી ઓછા ૧૧૬ મતે જીતી હોય તેવી આણંદ જિલ્લાની સોજિત્રા બેઠક પર સીટિંગ ધારાસભ્ય પૂનમ પરમારને ફરી ટિકિટ આપી છે તો સામે ભાજપે નવો કોઈ અખતરો કરવાને બદલે છેલ્લે હારેલા ઉમેદવાર વિપુલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચેનો જંગ ગળાકાપ રહે તેવી શક્યતા છે. ઉમરેઠ બેઠક છેલ્લે એનસીપીએ ૧,૩૯૪ મતોથી જીતી હતી, અલબત્ત, આ વખતે એનસીપી માટે કપરા ચડાણ છે. એનસીપીએ કોંગ્રેસ પાસેથી તેની હેસિયત કરતાં વધુ ટિકિટો માગી હતી, જેને લીધે ગઠબંધન તૂટી પડતાં કોંગ્રેસે મહિલા ઉમેદવાર કપિલાબહેન ચાવડાને ટિકિટ આપી છે. ભાજપે છેલ્લે ચૂંટણીમાં હારેલા ગોવિંદ પરમારને તક આપી છે. આમ આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે, જેમાં એનસીપીને નુકસાન થવાનો સ્પષ્ટ વર્તારો છે.

રાધનપુર બેઠક ભાજપે છેલ્લે ૩૮૩૪ વોટથી જીતી હતી. કોંગ્રેસે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરને અને ભાજપે લવિંગજી ઠાકોરને તક આપી છે. વાંકાનેર બેઠક કોંગ્રેસે પાતળી બહુમતીથી જીતી હતી, આ વખતે ભાજપમાંથી બળવો કરીને તાલુકા પ્રમુખ ગોરધન સરવૈયાએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપને ડર છે કે, આ ઉમેદવાર કોંગ્રેસની જીતનો રસ્તો મોકળો કરી શકે છે. સરવૈયાને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. આવો જ ભય પાતળી સરસાઈવાળી સોમનાથ બેઠક પર છે, ભાજપના સક્રિય કાર્યકર તુલસી ગોહેલે ઉમેદવારી નોંધાવી છે. ગોધરા બેઠક પર કોંગ્રેસે છેલ્લે ૨૮૬૮ મતોથી જીતી હતી, કોંગ્રેસના ધારાસભ્ય સીકે રાઉલજીએ બળવો કરી ભાજપનો ખેસ પહેર્યો છે. કોંગ્રેસે હવે રાજેન્દ્રસિંહ પટેલને ટિકિટ આપી છે. અહીંથી ભાજપના બાગી જશવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવતાં ભાજપ માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ શકે છે. પાતળી સરસાઈ વાળી આવી મોરબી, સાવરકુંડલા, કરજણ, અંજાર, ડાંગ, લુણાવાડા સહિતની બેઠકો પર પણ બંને પક્ષો વચ્ચે રસાકસી રહેશે.