નીચા ઉત્પાદન, સ્ટોકિસ્ટોની માગથી ખાંડના ભાવ વધીને સાત વર્ષની ટોચે 

112

મુંબઇ, તા.૧૧

ચાલુ સિઝનમાં નીચા ઉત્પાદન અને સ્ટોકિસ્ટોની માગ નોંધપાત્ર વધવાને લીધે બજારમાં ખાંડના ભાવ વધીને સાત વર્ષની ઊંચી સપાટીએ પહોંચી રહ્યાં છે. હાલ વાસી હોલસેલ માર્કેટમાં બેન્ચમાર્ક શુગર એમ-૩૦ના ભાવ કિલો દીઠ રૂ.૪૦ થઇ ગયાં છે. જેનો ગઇકાલે મંગળવારે ભાવ રૂ.૩૯.૫૦ હતો. છેલ્લાં ૧૦ દિવસમાં ખાંડના ભાવમાં ત્રણ ટકાથી વધુનો ઊછાળો જોવા મળ્યો છે. હોલસેલ ભાવ વધતા રિટેલમાં ખાંડનો ભાવ રૂ.૪૪થી ૪૬ થયો હોવાની સંભાવના છે.

ખાંડ બજારના જાણકારોના જણાવ્યા મુજબ નોટબંધી બાદ ખાંડના ભાવ કિલો દીઠ રૂ.બેથી ત્રણ સુધી ઘટયાં હતા. જોકે હાલ નીચા ઉત્પાદનના અંદાજો અને ટ્રેડર્સ – સ્ટોકિસ્ટોની ભારે ખરીદીથી ભાવ ધીમી ગતિએ ઊંચકાઇ રહ્યાં છે.

ઇન્ડિયન શુગર મિલ્સ એસો.ના જનરલ ડિરેક્ટર અવિનાશ વર્માએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં શેરડીના ભાવમાં વધારો, દુષ્કાળગ્રસ્ત મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુમાં પિલાણ માલની અછત ઓછું ઉત્પાદન જેવા પરિબળોને કારણે ચાલુ ખાંડ સિઝન વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન દેશમાં ખાંડનું સરેરાશ ઉત્પાદન ખર્ચ કિલો દીઠ રૂ.૩૫થી ૩૬ રહેશે. જે ગત વર્ષની તુલનાએ રૂ.બે ઊંચું ઉત્પાદન ખર્ચ છે.

જોકે નીચા ઉત્પાદનની સાથે વપરાશ પણ ઘટતા પિલાણ સિઝન ૨૦૧૬-૧૭ના અંતે કેરી ઓવર સ્ટોક વધુ રહેવાનો અંદાજ છે. જ્યારે અગાઉ પાંચથી ૧૦ લાખ ટનના કેરીઓવર સ્ટોકનો અંદાજ મૂક્યો હતો. જાન્યુઆરીના અંતે જીસ્છ શુગર ઉત્પાદનનો બીજો અંદાજ જાહેર કરશે. ગત વર્ષ દેશમાં ૨૫૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું. જે ચાલુ વર્ષે ઘટીને ૨૩૫ લાખ ટન રહેવાની ધારણા છે. જીસ્છએ ખાંડનો વપરાશ બે ટકા વધીને ૨૫૫ લાખ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે ગત વર્ષે ખાંડની ૨૪૮ લાખ ટન રહી હતી.