LRD Recruitment Dispute CMs Residence Terminates Meeting No Decision
  • Home
  • Featured
  • LRD ભરતી વિવાદ: આજની બેઠકમાં પણ કોઈ નીવેડો ના આવ્યો, બાંભણિયાએ સરકારને આપી ચિમકી

LRD ભરતી વિવાદ: આજની બેઠકમાં પણ કોઈ નીવેડો ના આવ્યો, બાંભણિયાએ સરકારને આપી ચિમકી

 | 9:20 pm IST

લોકરક્ષક દળ(LRD)ની પરીક્ષામાં અનામત વર્ગ અને બિન અનામત વર્ગ સામ-સામે આંદોલન કરી રહ્યા છે. જેના કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે. 1 ઓગસ્ટ 2018ના અનામત ઠરાવનો મુદ્દો બંને વર્ગ અનામત અને બિન અનામત માટે વિરોધનો મુદ્દો બની ગયો છે. બીજી બાજુ ગાંધીનગરમાં હાલ અનામતવર્ગ અને બિન અનામત વર્ગ પોત-પોતાની માંગણી સાથે ધરણા કરી રહ્યા છે.

ગાંધીનગરમાં ત્રણ દિવસથી સરકાર આ મુદ્દે બેઠક કરી રહી છે પણ કોઈ નિર્ણય કરી શકતી નથી. આ મામલે શનિવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળી હતી. આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી પણ તેમાં કોઈ નિર્ણય કરી શકી ન હતી. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે તે તો સમય જ બતાવશે પરંતુ આ નિર્ણય પહેલા રાજકીય અને બિનરાજકીય લોકો આ મામલાને ગંભીરતાથી લઇ રહ્યા છે.

CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે (આજે) પણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. જેમાં ઠરાવમાં ફેરફાર તેમજ બિન અનામત વર્ગની માંગણીઓ મુદ્દે ચર્ચા કરાઈ હતી. 1-8-2018ના ઠરાવમાં સુધારો કરવા મામલે બિન અનામત વર્ગના આગેવાનોએ સરકારને ચીમકી આપી છે. આગેવાનોએ આ સમગ્ર મામલે સરકાર ત્વરિત નિર્ણય લે તેવી માગ કરી છે. આ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ સરકારને આજે રાત્રે 12 વાગ્યા સુધીનું અલ્ટિમેટલ આપ્યું છે.

બાંભણિયાએ જણાવ્યું હતું કે સરકાર અમને ખોટી રીતે ભરમાવી રહી છે. અમને સરકાર લોલીપોપ આપી રહી છે. અમને જાણ કર્યા વગર કોઈ નિર્ણય કરાશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. સરકારને આજે રાત્રે 12 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ છે.

અમે હજુ અમારી સંસ્થાઓને પત્ર લખ્યો નથી. સરકાર સાંભળશે નહીં તો આગળની રણનીતિ બનાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી બિન અનામત વર્ગ સાથે ભેદભાવની નીતિ રાખતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત સરકાર જો બિન અનામત વર્ગ સાથે અન્યાય કરશે તો પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી ઉચ્ચારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન