ma card under doctors say patients in operation
  • Home
  • Ahmedabad
  • ઑપરેશન ઓ ‘મા’: મા કાર્ડ અંતર્ગત ડોક્ટરો દર્દીઓને ઓપરેશન વિશે શું કહે છે? જાણો વિગતે

ઑપરેશન ઓ ‘મા’: મા કાર્ડ અંતર્ગત ડોક્ટરો દર્દીઓને ઓપરેશન વિશે શું કહે છે? જાણો વિગતે

 | 10:08 am IST

માણસ મરણ પથારીએ પડયો હોય તો પણ તેના સગાના ખિસ્સા ખંખેરી લેવાની મેલી મૂરાદ ધરાવતા ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સના અવળચંડાઈ ભર્યા ચહેરાઓ એક પછી એક સંદેશના ઓપરેશન ‘મા’ અંતર્ગત વોટ્સએપ પર મળતા મેસેજમાં આવી રહ્યાં છે.

આવો જ એક કિસ્સો ભાવનગરની હોસ્પિટલનો સામે આવ્યો છે. ભાવનગરની એચસીજી હોસ્પિટલમાં 70 વર્ષીય વૃદ્ધાને મા કાર્ડ હેઠળ આંતરડાના કેન્સરનું ઓપરેશન કરવાની ના પાડી દીધી હતી. જેની જાણકારી વૃદ્ધાના એક સગો જ સંદેશને જણાવી હતી. ડોક્ટર્સે નફ્ફટાઈ ભર્યો જવાબ આપતા કહ્યું કે, અમારે બહારથી સર્જનની ટીમ બોલાવી પડે તેના માટે દોઢથી બે લાખ ખર્ચ થશે. જેથી અમે મા કાર્ડ હેઠળ ઓપરેશન કરતાં નથી. આમ આ પરિવાર પાસે આટલી મોટી રકમ ન હોવાથી પરત ફર્યા હતા અને છેલ્લા દોઢ મહિનાથી કેન્સરગ્રસ્ત વૃદ્ધા પથારીવશ છે.

મૂળ ભાવગરના રહેવાસી અને વૃદ્ધાના જમાઈ સુનીલભાઈ ખુરમીને સંદેશને જણાવ્યું કે, મારા 70 વર્ષીય સાસુની તબિયત લથડતા અમે ભાવનગરની એચસીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જરૂરીયાત પ્રમાણે હોસ્પિટલના ડોક્ટરોએ જુદા જુદા ટેસ્ટ કરાવ્યા હતા. જેના રિપોર્ટ આવ્યા બાદ મારા સાસુને આંતરડામાં કેન્સર હોવાનો જાણવા મળ્યું હતું.

જોકે આ રિપોર્ટ આવ્યા પહેલા અમને એવુ કહેવામાં આવ્યું હતું કે, તમારી સારવાર મા કાર્ડ હેઠળ થઈ જશે. પરંતુ બાદમાં કેન્સરનો રિપોર્ટ આવ્યો ત્યારે અમને ડો. દિપીકાબેન નાયકે અમને કહ્યું કે, આંતરડાના કેન્સરના ઓપરેશન માટે અમારે બહારથી સર્જનની આખી ટીમ બોલાવવી પડશે. જેથી તેનો ખર્ચ વધી જતો હોય છે માટે તમારે ઓપરેશનનો ખર્ચ અંદાજે દોઢથી બે લાખ સુધી થશે.

આ સિવાય અન્ય દવાનો ખર્ચ પણ થશે. જોકે અમારી સાસુની સ્થિતિ સારી ન હોવાથી અમે રજૂઆત કરી હતી કે, આટલી મોટી રકમ અમારી પાસે નથી એટલે મા કાર્ડમાં કરી આપો તો સારૂ.

પરંતુ ડોક્ટર અમારી વાત સાથે સંમત થયા નહી અને કહ્યું કે, બહારથી ડોક્ટર્સ બોલાવવાનો ચાર્જ લાગતો હોય છે. જોકે ડોક્ટર્સની આ વાતથી અમે વિલા મોંએ ઘરે પરત ફર્યા હતા. જેને આજે દોઢ મહિના જેટલો સમય થયો છે. જે હોસ્પિટલમાં ડોક્ટરો નથી તેવી હોસ્પિટલમાં પણ મા કાર્ડના સેન્ટર આપી દેવામાં આવ્યા છે. જેના કારણે અંતે દર્દીઓને જ હેરાન થવાનો વખત આવે છે. જે બાબતે મા કાર્ડનુ સેન્ટર લેતા પહેલા હોસ્પિટલ સંચાલકોએ પણ ધ્યાન આપવું જોઇએ.

બહારથી સર્જન બોલાવાનું કહી તગડો ચાર્જ વસુલાય છે

મા કાર્ડ સાથે જોડાયેલી મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં વિઝિટિંગ ડોક્ટર આવતા હોય છે. આ હોસ્પિટલોમાં મા કાર્ડ હેઠળ જ્યારે દર્દી સારવાર લેવા માટે પહોચો છે ત્યારે તેઓ મા કાર્ડમાં ઓપરેશન ન કરવુ પડે તેના માટે નવી કીમીયા જે અપનાવે છે તેમાં બહારથી સર્જન ડોક્ટર્સ બોલાવવાનો મુખ્ય હોય છે. હોસ્પિટલવાળા દર્દીના સગાને એવી ગેરવ્યાજબી સલાહ આપતા હોય છે કે, આ ઓપરેશન મોટુ હોય છે જેના માટે અમારે બહારથી સર્જન ડોક્ટર્સની આખી ટીમ બોલાવવી પડે છે. માટે તેનો ચાર્જ ઘણો વધારે થતો હોય છે એમ કહીને રૂપિયા ખંખેરી લેતા હોય છે. આ ઉપરાંત એવો કોણીએ ગોળ પણ ચોંટાડવાનો પ્રયત્ન કરાતો હોય છે કે, આ તો બહારથી સર્જનની ટીમ આવતી હોય છે પણ અમે બને તેટલો ઓછો ચાર્જ થાય તેનો પ્રયત્ન કરીશુ. આમ કહીને મા કાર્ડમાં સારવાર કરવાનુ ટાળી લાખો રૂપિયા ખંખેરી લેવાતા હોવાની સંદેશ ઓપરેશન ‘મા’ અભિયાનમાં ફરિયાદો આવી રહી છે.

ગેરરીતિની સહેજ પણ શંકા હોય તો પોલીસફરિયાદ કરો

ક્રિષ્ણા શેલ્બીમાં સારવાર લેતા યુવાનનું મૃત્યુ થયું તે પછી તેમના સગાએ જે રીતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા અરજી કરી તેવી જ રીતે કોઇ પણ વાંચકને પોતાના સ્વજનની સારવાર દરમિયાન ગેરરીતિની સહેજ પણ શંકા હોય તો પોલીસમાં ફરિયાદ માટે અરજી કરવા સંદેશ નમ્ર અપીલ કરે છે. કારણ કે આમ કરવાથી રાજ્યની હોસ્પિટલો પર મા યોજના અંતર્ગત સારવાર આપતી વખતે કોઇ પણ ગેરરીતિ ન કરવા દબાણ ઊભું થશે.

ઓપરેશન ‘મા’ સાથે ૧૫ લાખથી વધુ વાંચકો જોડાયા

સંદેશ દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન ‘મા’ અંતર્ગત પ્રકાશિત થતાં અહેવાલ પર સરકાર દ્વારા પણ ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સમાજ દ્વારા પણ બેઠકો બોલાવી સંદેશની મુહીમને બીરદાવવામાં આવી રહી છે. તેટલું જ નહીં મુહીમ સાથે જોડાનારની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન