ma card will be treated 15,000 shrugs from the patient
  • Home
  • Ahmedabad
  • ઑપરેશન ઓ ‘મા’: મા કાર્ડમાં સારવાર થશે તેવું કહી દર્દી પાસેથી 15,૦૦૦ ખંખેર્યા

ઑપરેશન ઓ ‘મા’: મા કાર્ડમાં સારવાર થશે તેવું કહી દર્દી પાસેથી 15,૦૦૦ ખંખેર્યા

 | 10:24 am IST

કોઈપણ દર્દી હોસ્પિટલનુ પગથિયું ચડે એટલે તેને ખંખેરી લેવો એવું મનસ્વી વલણ હોસ્પિટલના સર્જનોનું થઈ ગયુ છે. પંચમહાલના અણિયાદની જે.બી. હોસ્પિટલમાં પગના ફ્રેક્ચર માટેની સારવાર લેવા ગયેલા દર્દીને થયેલો કડવો અનુભવ સંદેશના ઓપરેશન ‘મા’ અંતર્ગત વોટ્સએપ પર વાંચકે મોકલાવ્યો હતો.

આ હોસ્પિટલમાં મા કાર્ડ હેઠળ ફ્રેક્ચરની સારવાર કરવાનું સ્વીકાર્યુ હતું પરંતુ વધારાના રૂ.૧૫,૦૦૦ દર્દીના સગા પાસે ભરાવડાવ્યા હતા. આ ઉપરાંત ડોક્ટર્સે દર્દીને એવી ગેરવાજબી સલાહ આપી હતી કે, બહારથી કોઈ સાહેબ આવીને પૂછે તો કહેવાનું કે અમારી પાસેથી એકપણ રૂપિયો ચાર્જ લેવામાં આવ્યો નથી. આમ આ પ્રકારે દર્દી પાસેથી હોસ્પિટલમાં ખુલ્લી લૂંટ ચાલતી હોવાના આક્ષેપો થયા છે.

શહેરા તાલુકાના અણિયાદ ખાતે આવેલી જે.બી.હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ચલાવાતી ખુલ્લી લૂંટ અંગે સંદેશ સમક્ષ રામશીભાઈ પાંડોરે પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, મારા પરિવારના એક મહિલાને પગમાં ફ્રેક્ચર થયું હતું. જેની સારવાર માટે અમે જે.બી.હોસ્પિટલમાં ગયા હતા.

જોકે અમારી પાસે મા કાર્ડ હતું અને હોસ્પિટલમાં પણ મા કાર્ડ હેઠળ સારવાર કરવાની હા પાડી હતી. પરંતુ ડોક્ટર્સ દ્વારા અમને એમ જણાવાયું હતું કે, તમારા મા કાર્ડમાથી માત્ર રૂ.૩૦,૦૦૦ની જ સારવાર થશે અને આ ઓપરેશનનો ખર્ચ રૂ.૪૫,૦૦૦ થશે માટે તમારે રૂ.૧૫,૦૦૦ કેશ ભરવા પડશે. જોકે અમે વધારાના રૂ.૧૫,૦૦૦ ભરપાઈ કર્યા હતા.

દરમિયાન હોસ્પિટલમાં કોઈ બહારના સાહેબો દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા દર્દીને ડોક્ટર્સે એવી સૂચના આપી હતી કે, તમને કોઈ સાહેબ આવીને પૂછે કે હોસ્પિટલમાં તમે પૈસા ભર્યા છે તો તમારે ના પાડવાની અને એવું કહેવાનું કે અમારી તમામ સારવાર નિઃશુલ્ક થઈ રહી છે. જોકે ડોક્ટર્સની આવી સૂચનાને લઈ અમને કેટલીક શંકાઓ ઊભી થઈ છે.