મા પડય મારા 'આધાર' ચોસલાં કોણ ચડાવશે? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • મા પડય મારા ‘આધાર’ ચોસલાં કોણ ચડાવશે?

મા પડય મારા ‘આધાર’ ચોસલાં કોણ ચડાવશે?

 | 1:01 am IST
  • Share

ફોર્થ ડાઇમેન્શન : – વિનોદ પંડયા

વિદેશમાં લાંબા રોકાણ બાદ ગયા ફેબ્રુઆરીમાં સ્વદેશ આવ્યો. મોબાઇલ ફોન કંપનીમાં સેફ કસ્ટડીમાં મુકાયેલો નંબર ચાલુ કરાવવા એ કંપનીની ઓફિસ તરફ જતો હતો. રિલાયન્સના નવા શરૂ થયેલા જિયો નેટવર્ક વિશે થોડું સાંભળ્યું હતું પણ વધારે માહિતી નહોતી. રસ્તામાં જિયોની છત્રી નીચે બેઠેલો માણસ જોયો. પૃચ્છા કરી તો એણે મને વળતાં પૂછયું, ”તમારી પાસે આધારકાર્ડ છે?” મારી પાસે હતું. એક સાધન વડે મારી ફિંગરપ્રિન્ટને આધાર યંત્રણામાંની પ્રિન્ટ સાથે સરખાવીને એણે મને કાર્ડ ઇશ્યૂ કરી દીધું અને નવા નંબર સાથેનો ફોન પણ તુરત ચાલુ કરી આપ્યો. આધારકાર્ડે આ સરળતા કરી આપી છે.

કાર્ડ ધરાવતી વ્યક્તિની આંખની કીકી અને આંગળાની છાપફિંગરપ્રિન્ટ આધારનાં સર્વરમાં સંઘરાયેલી હોય છે પણ આ ટેક્નોલોજીને નવા યુગના ટેક્નોલોજિકલ ઠગારા અને ધૂતારાઓનું ગ્રહણ લાગશે એવું લાગી રહ્યું છે. એક તરફ સરકાર વધુ ને વધુ યોજનાઓ સાથે આધારને જોડી રહી છે. બીજી તરફ આધારનંબરની સલામતી અને પ્રાઈવસીની સમસ્યાઓ પેદા થશે તેવા આસાર છે. આજે બજારમાં એવાં ઉપકરણો મળે છે જે માણસની ફિંગરપ્રિન્ટની નકલ કરી શકે છે. આમાંનાં કેટલાંક ઉપકરણોને તો આધાર માટેની યુઆઈડીએઆઈ સંસ્થા દ્વારા માન્ય રખાયાં છે. આ એપ્રિલથી સરકાર દ્વારા આધાર પે નામની મની ટ્રાન્સફર વ્યવસ્થા પણ શરૂ થશે, હવે આધારકાર્ડના મૂળ માલિકની ફિંગરપ્રિન્ટ બીજા લોકોના હાથમાં જવાની સંભાવના પણ વધે છે. કોઈ દુષ્ટ વેપારીઓ આધારના નંબરો અને ફિંગરપ્રિન્ટ ખાનગીમાં વેચી મારે તો? અને તે ખરીદનાર મૂળ માલિકની ફિંગરપ્રિન્ટ સાથે નાણાં ચૂકવે અથવા મેળવે તો મૂળ માલિક કેવી રીતે પુરવાર કરે કે આ વ્યવહાર એણે પોતે કર્યો નથી? કારણ કે ફિંગરપ્રિન્ટ તો એની પોતાની જ વપરાઈ હોય છે.

આવી નવી સમસ્યાઓ આવવાની છે. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનાં આધારકાર્ડની વિગતો લીક થઈ પછી આવી સંભાવના વધી છે. આધારકાર્ડના ખૂબ ફાયદા છે પણ જો તેની બાયોમેટ્રિક્સ વિગતો સલામત રહે તો! અન્યથા ઓનલાઇન પેમેન્ટ અને ક્રેડિટકાર્ડમાં છેતરપિંડી થાય છે તેવી છેતરપિંડીઓનો ભોગ આધારકાર્ડ પણ બનશે. આધારના ફાયદા અનેક છે પણ હેકિંગથી તેની વિગતો મેળવી લેવાય તેનો પણ ડર છે. હમણાં સંસદમાં પી. ચિદમ્બરમ્ વગેરેએ આધારની સલામતી વિશે સરકારને સવાલો કર્યા. ચિંતા વાજબી છે. નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, ”જે ખામીઓ હશે તેને દૂર કરવામાં આવશે પણ આધાર જેવી વ્યવસ્થા બંધ કરવાનું હિતાવહ નથી. તેના ફાયદા અનેક છે.” જ્યારે પેન્ટાગોન અને વ્હાઈટ હાઉસનાં સર્વરો હેક થઈ શકતાં હોય ત્યારે ભારત સરકાર તેના પ્રતિકાર માટે કેવી પદ્ધતિ લઈ આવે છે તે જાણવા માટે થોડી રાહ જોવી પડશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વર્તમાન સરકારે આધારકાર્ડનો મહત્તમ ફાયદો ઉઠાવ્યો છે. ૨૦૧૪ના ચૂંટણીપ્રચાર વખતે મોદી વચન આપતા હતા કે સરકારી ફાયદાઓ લોકોનાં બેન્કખાતામાં આપોઆપ જમા થશે. એ કારણથી જનધન ખાતાં મોટી સંખ્યામાં ખોલાયાં. ફાયદા ગરીબોને મળી રહ્યા છે તો સરકારને પણ મળી રહ્યા છે. વાસ્તવમાં ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરડીબીટીની શરૂઆત વર્ષ ૨૦૧૩ના પ્રથમ દિવસથી કરવામાં આવી હતી. આધારને કારણે ડીબીટી યોજના વધુ સુચારૂ બની તેથી ભારત સરકારના રૂપિયા ૩૪ હજાર કરોડ બચ્યા છે. અગાઉ સરકારી યોજનાનાં ફળ એક છેવાડાના માણસ સુધી પહોંચતાં નહોતાં અને અત્યારે ખર્ચાય છે તેના કરતાં વધુ રકમ ખર્ચાતી હતી. આ સિદ્ધિ માટે વર્તમાન ભાજપ સરકારની સાથે સાથે કોંગ્રેસ સરકાર પણ યશની અધિકારી છે. વર્તમાન સરકાર આધારનો વ્યાપ વધારવા માગે છે. તેને કારણે સરકારની ઘણી મોટી રકમ બચશે. ભારતની ૧૨૧ કરોડ જેટલી જનતામાંથી ૧૦૫ કરોડ લોકો આધારકાર્ડ ધરાવે છે તે નાનીસૂની બાબત નથી. વિકસિત દેશોમાં દરેક નાગરિક પોતાની સત્તાવાર ઓળખ માટેનાં આઈકાર્ડ ધરાવતાં હતાં ત્યારે ભારતની જનતા માટે આવી વ્યવસ્થા કરવાનું કામ મુશ્કેલ નહીં તો પણ અતિ કપરું જણાતું હતું. ભૂતિયાં રેશનકાર્ડ, ભૂતિયા પાસપોર્ટના જમાનામાં આધારકાર્ડ પણ ભૂતિયાં જ હોવાનાં એવી એક લાગણી પ્રવર્તતી હતી પણ નવી ટેક્નોલોજીએ વ્યક્તિની આગવી શારીરિક ઓળખોનો ફાયદો લેવાનું શક્ય બનાવ્યું ત્યારે લાગ્યું કે આ વ્યવસ્થા જડબેસલાક બનશે પણ હવે નવી ટેક્નોલોજી દ્વારા સેંધમારી શક્ય બનશે તેથી એ આશા ધૂંધળી બને છે. એવું પણ બને કે, ટેક્નોલોજીનો જવાબ વધુ મજબૂત અને વધુ સારી ટેક્નોલોજી દ્વારા મળી રહે. સરકાર તેની વધુ યોજનાઓ આધારકાર્ડ સાથે જોડવા માગે છે, કારણ કે આધાર યોજનાથી ભ્રષ્ટાચાર ઘટયો છે. સરકારી નાણાં વચેટિયાઓ ચાવી જતા નથી અને લાયક લોકો કલ્યાણ યોજનાઓના લાભથી વંચિત રહી જતાં નથી. ઘણાં બદમાશ લોકો હતાં જેઓ એલપીજીગેસ અને કેરોસીનની બંને સબસિડીનો એકી સાથે લાભ ઉઠાવતાં હતાં. કાયદા પ્રમાણે બેમાંથી એક જ સબસિડીનો લાભ મેળવી શકાય પણ આધાર નેટવર્કને કારણે આવાં લોકો પકડાઈ ગયાં અને તેઓએ બેમાંથી એક સબસિડીનો લાભ જતો કરવો પડયો છે. આધારને કારણે લોકોને અપાતી અને મેળવાતી રાહતો પારદર્શક રીતે જોઈ શકાય છે.   ભારતમાં ૧ લાખ ૭૩ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો આધારકાર્ડની વ્યવસ્થા માટે જરૂરી એવાં પીઓએસ મશીનો ધરાવે છે અને ત્યાં આધારકાર્ડની મદદથી રાહત દામની ચીજવસ્તુઓ મેળવી શકાય છે, તેને કારણે જાહેર વિતરણની દુકાનો દ્વારા જે ઘાલમેલ થતી હતી તે અટકી છે.

કેરોસીનની સબસિડી તરીકે અપાતી છૂટમાં મોટો ઘટાડો નોંધાયો છે, પરંતુ ખેડૂતોને ખાતર માટે અપાતી રાહત આપવા સબસિડીની રકમમાં હજી ઘટાડો થયો નથી. ર્ફિટલાઇઝર ડેપોને હવે પીઓએસ મશીનથી સજ્જ કરવામાં આવી રહ્યા છે, જ્યારે આ મશીનો જોડાશે ત્યારે સરકારના બીજા હજારો કરોડ રૂપિયા બચી જશે, જે લોકહિત માટેની અન્ય યોજનાઓ માટે ઉપલબ્ધ બનશે, માટે ગમે તે થાય, આધારને એક કિલ્લા જેવી મજબૂત બનાવવી જ રહી, જેથી રાણકદેવીની માફક ગાવું ન પડે કે, ”મા પડય મારા આધાર!”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન