'મા તુઝે સલામ'   - Sandesh
1.6M
1M
1.7M
APPS

‘મા તુઝે સલામ’  

 | 12:10 am IST
  • Share

ગોળ વિના મોળો કંસાર,  

મા વિના સૂનો સંસાર,  

મા તે મા બીજા વગડાના વા.  

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ!  

આવતી કાલે એટલે કે 10 મે એ આપણી  ‘world mother’s Day’ છે. આ પૃથ્વી પર વસતાં પ્રત્યેક પુત્રને માતૃશક્તિની ગણના કરી તેના આત્માને ટાઢક વળે તે માટે માતૃભક્તિ વ્યક્ત કરવાની અપીલ કરી છે.

હિબ્રુ ભાષામાં એક માન્યતા છે કે ઈશ્વરે જ્યારે આ સૃષ્ટિની રચના કરી ત્યારે તેનાથી બધે પહોંચી ન વળાય તેથી માતાનું સર્જન કર્યું. આપણા શાસ્ત્રોમાં કદાચ સ્ત્રી નિંદાનાં વચનો જોવા મળશે, કિન્તુ માતાની નિંદાનું એક પણ વચન જોવા નહીં મળે. માતાના કૂખે માનવી જન્મે છે તેથી તે સમગ્ર સૃષ્ટિની રચિયતા છે.

હજુ પણ માતૃત્વ દિલની પહેચાન મેળવવી હોય તો

જેની ઉપમા આપી ન શકાય તે છે મા

જેના જીવતરમાં કદાપી પાનખર નથી તે છે મા.

જેના વચને ભગવાન રામ વનમાં ગયા તે છે મા.

વિશ્વ માનવોની માતૃભક્તિઃ

નેપોલિયન બોનાપાર્ટ

તેણે યુદ્ધમાં અંગ્રેજ સૈનિકોને કેદ કર્યા. તેમાંનો એક સૈનિક નાના તરાપામાં ભાગીને જતો હતો. નેપોલિયનના સૈનિકોએ પકડીને નેપોલિયન આગળ રજૂ કર્યો. નેપોલિયને પૂછયું શું તું આ નાના તરાપાથી આ દરિયો પાર કરી શક્વાનો હતો? આવો મૂર્ખતાભર્યો પ્રયાસ કેમ કર્યો? ત્યારે ભાગી રહેલા સૈનિકે જવાબ આપ્યો ‘મારી મા જિંદગીનો છેલ્લો શ્વાસ લઈ રહી છે, તે છેલ્લે છેલ્લે મારું મુખ જોવા તલસી રહી છે. સૈનિકની આવી દર્દભરી કહાની સાંભળી નેપોલિયન ગળગળો થઈ ગયો અને તેની માતાની યાદ આવી ગઈ. નેપોલિયને તલસતા સૈનિકને ખાસ રક્ષણ આપી છેક ઘેર પહોંચતો કર્યો.’

છત્રપતિ શિવાજી  

એકવાર હસતાં હસતાં માતાએ શિવાજીને કહ્યું આપણે સિંહ ગઢનો કિલ્લો મોગલ આધિપત્યમાં રહે તે વાત મારા દિલમાં ચૂભે છે. માની આ ઈચ્છા પૂરી કરવા એક જ રાતમાં એ કિલ્લો જીતીને માને ભેટ આપ્યો.

સિકંદર

માની ઈચ્છા હતી કે સિકંદર રોમને જીતી લે. સિકંદરે તરત રોમને જીતવાનો સંકલ્પ કર્યો. સેનાપતિને આદેશ આપ્યો. કિન્તુ વ્યૂહાત્મક રીતે રોમને જીતવું મુશ્કેલ લાગતાં ના પાડતો હતો, છતાં સિકંદરે સેનાપતિને વિશ્વાસમાં લઈને રોમ જીતી લીધું.

થોમસ આલ્વા એડિસન

સમગ્ર જગતને પ્રકાશથી ઝળહળતી કરનાર થોમસ આલ્વા એડિસનને વૈજ્ઞાનિક બનાવવામાં માતૃપ્રદાન કંઈક આવું હતું. થોમસ સ્કૂલેથી ઘેર આવીને માતાને કહ્યું મમ્મી ‘ઈડિયટ’ શબ્દ એટલે શું? દીકરાનો આ સવાલ સાંભળી પુત્રને પૂછયું તારે આવો સવાલ કેમ પૂછવો પડયો? ત્યારે થોમસે કહ્યું મમ્મી મારા શિક્ષકે આજે મને ભરકલાસમાં ‘ઈડિયટ’ કહ્યો. મા આ શબ્દો સાંભળી સમ સમી ગઈ. માતા બીજા દિવસે સ્કૂલમાં જઈ શિક્ષકને પૂછયું તમે મારા દીકરાને ‘ઈડિયટ’ કહેવાની હિંમત જ કઈ રીતે કરી? હવે મારો પુત્ર તમારા હાથે નહીં કિન્તુ મારા હાથે જ ભણશે. એ માતાએ ઘેર બેઠાં પુત્રને ભણાવીને જગતને મહાન વિજ્ઞાની થોમસ આલ્વા એડિસન આપ્યો.

માતૃભક્તિનો છેદ 

એક બાજુ સમગ્ર વિશ્વ માનવોએ મા માટે આટઆટલો મહિમા ગાયો છે, ત્યારે બીજી બાજુ જોઈએ તો જે મા દીકરાને બચપનમાં બોલતાં શીખવે છે. તેનો પુત્ર માતાને ઘડપણમાં ચૂપ રહેવાનું શીખવે છે એક માના ઉદરમાં પાંચ પાંચ દીકરા ભારે નહોતા પડયા. તે મા પાંચ દીકરાના પાંચ પાંચ બંગલામાં સમાતી નથી. મા ભારે પડે છે. આંધળી માતા દીકરાને જોઈ શકે કિન્તુ દેખતો પુત્ર માને જોઈ ના શકે? આ કેવું? સંસારની બે કરુણતા ‘મા વિનાનું ઘર અને ઘર વિનાની મા’ જે દિવસે તમારા કાજે માની આંખમાંથી આંસુ સરી પડશે તે દિવસે તમારું બધું કાર્ય કરાવ્યું માના આંસુમાં વહી જશે!

આ વિશ્વમાં જે કંઈ પવિત્ર સ્થાનકો છે. તેમાં શિરમોર સ્થાનક છે માનું હૈયુ. માટે તો ઈશ્વરે એ કૂખેથી પેદા થતાં ફરજંદનું DNA માતાના DNAમાંથી બનાવ્યું છે. આ પૃથ્વી પરની તમામ વિશ્વ વિભૂતિઓનું ઉદ્ગમ સ્થાન છે માતાની કૂખ. માતાની મમતાની કદાપિ ઓટ આવતી નથી. માતૃત્વ કદાપિ ઘરડું થતું નથી. માટે તો ‘માતૃત્વની કદાપિ એકસ્પાયરી ડેઈટ’ હોતી નથી.

માતૃત્વને હૈયાના હૂંફની ભૂખ

ઘરડાં માબાપને વૃદ્ધત્વમાં કકળીને ભૂખ લાગી છે ‘હૈયાની હૂંફ’ની. માટે તો વિખ્યાત અભિનેતા આમિર ખાનની માતા જિન્નત પતિના અવસાન પછી ઉદાસ રહેતી હતી. દીકરો આમિર ખાન માતાની વેદના પામી ગયો. તરત તેણે તમામ કામ કોરાણે મૂકી માતાને પરિવાર સાથે લઈને પંચગીની સ્થિત બંગલામાં માતાને ‘હૂંફાળું સાંનિધ્ય’ આપવા લઈ ગયા.s

ફિલ્મ શહેનશાહ અમિતાભ બચ્ચન માતા તેજી વિશે કહે છે બચપનમાં માતાએ મને આપેલા પુણ્યના સંસ્કારોથી જ હું દાન કરું છું.

આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરચક રોકાણો વચ્ચે પણ સમયાંતરે માતાના ખોળામાં શીશ નમાવવા દોડી જાય છે. ત્યારે એમની માતા કેટલાં ખુશ થતાં હશે!

એક બાજુ સમગ્ર વિશ્વમાં મા માટે આટ આટલો મહિમા ગાયો હોય અને બીજી બાજુ એ જ માતાના મુખેથી નીકળેલા આટ આટલા નિસાસા સંભળતા હોય. પ્રવર્તમાન સમાજનું આ કેવું વિચિત્ર અને વરવું ચિત્ર ગણાય! કદાચ માના આ દર્દભર્યા નિસાસા વિશ્વ સંસ્થા યુનોના હાકેમોના કાને અથડાયા હશે ત્યારે ‘વર્લ્ડ મધર્સ ડે’ની ઊજવણી કરવાની અપીલ કરવી પડી હશે!

ચિનગારી :- ડો. રામુભાઈ એસ.પટેલ   – [email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો