માતર તાલુકા કોંગ્રેસમાં ડખો: પ્રમુખ-ઉપપ્રમુખના પદને લઇ થયુ કંઇક આવું - Sandesh
  • Home
  • Gujarat
  • માતર તાલુકા કોંગ્રેસમાં ડખો: પ્રમુખ-ઉપપ્રમુખના પદને લઇ થયુ કંઇક આવું

માતર તાલુકા કોંગ્રેસમાં ડખો: પ્રમુખ-ઉપપ્રમુખના પદને લઇ થયુ કંઇક આવું

 | 7:43 pm IST

કોંગ્રેસ શાસિત માતર તાલુકા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખપદનો અઢી વર્ષનો કાર્યકાળ પુરો થયો છે અને આવતીકાલે તા.૧૩મીએ નવા પ્રમુખ – ઉપપ્રમુખપદ માટે ઔપચારિક ચુંટણી પ્રક્રિયા અને વરણી થવાની છે. ત્યારે તે ચુંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાના આજના દિવસે જ કોંગ્રેસનો આંતરિક ગજગ્રાહ છાપરે ચડીને પોકાર્યો છે. જેના લીધે માતર તાલુકા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખપદ માટે એક એક ઉમેદવારીપત્ર ભરાવું જોઈએ. તેના બદલે પક્ષના વ્હીપ કે આદેશ વિરુદ્ધ બંને પદ માટે બે બે સભ્યોએ દાવો કરી ઉમેદવારીપત્ર ભરતા માતર તાલુકા કોંગ્રેસનો આંતરિક ડખો જગજાહેર થયો છે. અને આવતીકાલે કોંગ્રેસ શાસિત માતર તાલુકા પંચાયતના નવા પ્રમુખ – ઉપપ્રમુખ પદ માટેની ચુંટણી બિનહરીફ થવાને બદલે તીવ્ર રસાકસીભરી બની રહે તેવા રાજકીય સમીકરણો મંડાઈ રહ્યા છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ અઢી વર્ષ પહેલા માતર તાલુકા પંચાયતની ચુંટણી યોજાઈ હતી. જેમાં માતર તાલુકા પંચાયતની કુલ વીસ બેઠકો પૈકી ૧૩ પર કોંગ્રેસના સભ્યો ચુંટાઈ આવ્યા હતા. છ બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. અને એક પર અપક્ષ ઉમેદવાર ચુંટાયા હતા. જે તે વખતે માતર તાલુકા પંચાયતના પ્રમુખપદની બેઠક સામાન્ય સ્ત્રી અનામત હોઈ કોંગ્રેસમાંથી બે મહિલા ઉમેદવારોએ પ્રમુખપદ માટે પક્ષમાં દાવો કર્યો હતો. જેથી તે સમયે પહેલા અઢી વર્ષ દરમિયાન માતર બેઠક પરથી ચુંટાયેલા સજ્જનબેન કાળીદાસ પરમારને પ્રમુખ બનાવાયા હતા. જ્યારે કોંગ્રેસના જ અન્ય મહિલા સભ્ય વિમળાબેન રણછોડભાઈ પરમારને બીજા અઢી વર્ષ પછી પ્રમુખપદ આપવામાં આવશે તેવુ લેખિત વચન કોંગ્રેસના સ્થાનિક મોવડીઓએ આપ્યું હતું.

હવે જ્યારે માતર તાલુકા પંચાયતના વર્તમાન પ્રમુખ સજ્જનબેન પરમારનો અઢી વર્ષનો કાર્યકાળ પુરો થયો છે અને આગામી અઢી વર્ષ માટ વિમળાબેન રણછોડભાઈ પરમાર પ્રમુખપદનો દાવો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષના જ સ્થાનિક અગ્રણીઓએ તેમના નામનો છેદ ઉડાડી દીધો છે, અને આ પ્રમુખપદ પુરુષ ઉમેદવાર માટે અનામત હોવાનું મનઘડત કારણ આપી વીમળાબેન પરમારને પ્રમુખપદ માટે બાકાત કરી દેતા માતર તાલુકા કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જેના લીધે આવતીકાલે માતર તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ – ઉપપ્રમુખપદ માટે ચુંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી જ પ્રમુખ – ઉપપ્રમુખપદ બંને પદ માટે બે બે ઉમેદવારીપત્રો ભરાતા પક્ષમાં જ ડખો ઉભો થયો છે. પ્રમુખપદ માટે પક્ષના આદેશ અનુસાર ઘનશ્યામભાઈ નરસિંહભાઈ મકવાણા સામે જ કોંગ્રેસના અસંતુષ્ઠ સભ્ય વીમળાબેન રણછોડભાઈ પરમારે ઉમેદવારીપત્ર ભરતાં માતર તાલુકા કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે પણ કોંગ્રેસના જ સૂર્યકાન્તભાઈ પટેલ સામે બુધાભાઈ ધીરુભાઈ ગોહિલે ઉમેદવારીપત્ર ભરતા કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ડખો ઉભો થયો છે.