મચ્છુ ડેમના દરવાજા ખોલાતાં મોરબીમાં રેડ એલર્ટ , હેલિકોપ્ટરથી બચાવકાર્ય કરાયા - Sandesh
  • Home
  • Gujarat
  • મચ્છુ ડેમના દરવાજા ખોલાતાં મોરબીમાં રેડ એલર્ટ , હેલિકોપ્ટરથી બચાવકાર્ય કરાયા

મચ્છુ ડેમના દરવાજા ખોલાતાં મોરબીમાં રેડ એલર્ટ , હેલિકોપ્ટરથી બચાવકાર્ય કરાયા

 | 8:45 am IST

મચ્છુ અને બનાસનદીના સંગમ થતાં માળીયા મિયાણા મચ્છુ નદીમાં ઘોડાપૂર આવતાં અનેક વાંઢ વિસ્તારો બેટમાં ફેરીવાયા છે. મચ્છુ નદીના પાણી ફરી વળતાં જળ હોનારત જેવી સ્થિતિ સર્જાઈ છે. મચ્છુ- ર નદીના દરવાજા ખોલતાં કચ્છના નાના રણમાં બનાસ નદીનું પૂર બંનેના સંગમ થતાં હરિપર, જુના હજીયાસર, કાજરડા, નવા હજીયાસર, ફતેપર આ પાંચ ગામો બેટમાં ફેરવાતાં સંપર્ક વિહોણા બન્યા છે. માળીયા મિયાણના મોવરના ટીંબા વાંઢ વિસ્તારમાં ફસાયેલા ૬૦ લોકોને બચાવવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી.

કચ્છથી રાજકોટ, અમદાવાદ, અને જામનગર હાઈવે બંધ થઈ ગયો છે. વાહન વ્યવહાર ખોરાવાતાં અસંખ્ય મુસાફરો પણ રઝળી પડયા, આવી જ રીતે ટ્રેકના ઘોવાણથી કચ્છ અને અમદાવાદ વચ્ચેના ટ્રેન વ્યવહાર પણ બંધ થયો છે. માળીયા મિયાણાના હરીપર ગામે આવેલા ટીંબા વિસ્તારમાં રહેવાસીઓ ઘરો, કુબાઓ છોડીને દરગાહ ઉપર ચઢી ગયા હતા. તંત્રને સોશિયલ મિડીયા કે અન્ય રીતે જાણ કરતાં બે હેલિકોપ્ટરની મદદથી એન.ડી.આર. એફ. અને ફાયર ટીમે રેક્સ્યુ ઓપરેશન કરી ૬૦ લોખોને બચાવી લીધા હતા. અનીશ ખોજા નામના વ્યક્તિએ ફોન મારફતે તંત્રને જાણ કરતાં બે હોડીની મદદથી બાળકો અને મહિલાઓને બચાવી હતી. તંત્ર દ્વારા ફુડ પેકેટ વિતરીત કરાયા હતા. અમુક વિસ્તારોમાં હોડીની મદદથી પરિવારોને પૂરના પાણીમાંથી બચાવાયા હતા. સન ૧૯૭૯માં મચ્છુ નદી હોનારતની યાદ તાજી થઈ છે અને અનેક ગામના હજારો લોકોના જીવ તાળવે ચોંટયા છે. કોબાવાંઢ, રોલીયાવાંઢ, ખારાવાંઢ, બંગવાંઢ મોવરના ટીંબાવાંઢ નવા રેલવે સ્ટેશન વિસ્તાર, ટેલીફોન એકક્ષચેંજ વિસ્તાર, સંઘવાણીવાસ, બારોટવાસ, વાડા વિસ્તાર, વાલ્મિકીવાસ સહિતના વિસ્તારોમાં મચ્છુના પાણી ઘરમાં ઘુસી જતાં તમામ ઘરવખરીનો નાશ થયો હતો.

નેશનલ હાઈવે, જામનગર સ્ટેટ હાઈવે પણ બંધ થતાં અનેક મુસાફરો ફસાયા હતા. હાઈવે પર ટ્રાફિકજામ રેલવે ટ્રકનું ધોવાણ થતાં ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે. વીસ કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો પણ ખોરાવાઈ જતાં અંધારપટ છવાયો છે. લોકો જીવ બચાવવા ચાલુ વરસાદે ઘરની છતો પર ચડી ગયાની વિકટ સ્થિતિ થઈ છે.

માળીયા મિયાણાનું મહાકાય તળાવ તુટયું
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મચ્છુનદીના મચ્છુ-રના ૧૮ દરવાજાઓ ૧૬ ફુટ અને ૧૦ દરવાજા ૧૦ ફુટ મળી કુલ ૨૮ દરવાજાઓ ખોલતાં અને મચ્છુ-૩ નદીના ૧૮ દરવાજા ૧૬ ફુટ સુધી ખોલાતાં મચ્છુ નદી ગાંડતુર બની છે. માળીયા શહેરના અનેક વિસ્તારોમાં ધસમસતા પાણી ઘુસી ગયા છે. અનેક પરિવારોના ઘરો પાણીમાં ડુબી ગયા જેવી હાલત વચ્ચે ઘરવખરી તો તણાઈ જ ગઈ. હરીપર, કાજરડા, ફતેપર, જુના- નવા હજીયાસર પાંચ ગામો સાવ સંપર્ક વિહોણા બન્યા છે.

લોકો જંકશનના ઓવરબ્રીજ પર ચડી ગયા
માળીયા મિયાણામાં અનેક વિસ્તતારોમાં પાણી ઘુસી જતાં રેલવે સ્ટેશન વિસ્તારના ઘણાખરા પરિવારો પોતાના પશુઓ ઘેટાં, બકરાઓ લઈને વરસતાં વરસાદે રેલવે જંકશનના ઓવરબ્રીજ પર ચડી ગયા હતા. પાણીને લઈને તમામ સરકારી કચેરીઓ, શાળાઓ બંધ રહી હતી. કચ્છના નાના રણમાં આવેલા અગર વિસ્તારોમાં માટીના પાળાઓ તોડીને પાણીનો નિકાલ કરવા પ્રયાસ થયા છે. પાણીની આવી તારાજી, મચ્છુની ગોઝારી હોનારત જેવી સ્થિતિથી સૌ હચમચી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન