મશીનો આપણી જેમ અનુભવે શીખીને વિચારે ખરાં? - Sandesh
  • Home
  • Kids Corner
  • મશીનો આપણી જેમ અનુભવે શીખીને વિચારે ખરાં?

મશીનો આપણી જેમ અનુભવે શીખીને વિચારે ખરાં?

 | 12:09 am IST

જ્ઞાન-વિજ્ઞાન :- માખન ધોળકિયા

આપણામાં અને બીજા બધા જ સજીવો એટલે કે પશુ-પંખી, જીવ-જંતુ, વનસ્પતિમાં કુદરતે એવી ક્ષમતા આપી છે કે આપણને એક વખત જે અનુભવ થાય એને યાદ રાખીએ છીએ. અનુભવ સારો હોય તો બીજી વખત એવો જ અનુભવ લેવા માટે એવું જ કામ કરવું જોઈએ એવું તારણ કાઢીએ છીએ. ખરાબ હોય તો ફરી એ કામથી દૂર રહીએ છીએ. તારણ કાઢવાની આ ક્ષમતા, આ કેપેસિટી એટલે જ બુદ્ધિ.

કૂતરો પૂંછડી પટપટાવીને વાઉં વાઉં… અવાજ કરે તો આપણને એની ઉપર હેત ઊભરાય અને આપણે તેને રોટલી આપીએ. આ અનુભવમાંથી કૂતરો એક તારણ કાઢે છે, પૂંછડી પટપટાવીને વાઉં વાઉં… કરીએ તો રોટલી મળે. એટલે એને જ્યારે ભૂખ લાગે ત્યારે એ પૂંછડી પટપટાવીને વાઉં વાઉં… કરશે. એ કૂતરાની બુદ્ધિ છે. નાનું બાળક ભૂખ લાગે તો રડે છે. કશુંક દુઃખે તો રડે છે. એટલે માતા અને વડીલો તારણ કાઢે છે કે બાળકને કશીક તકલીફ હોય તો એ રડે છે. એ બુદ્ધિનો વિકાસ છે. સામે પક્ષે સાવ બોલી ન શકતું બાળક પણ ધીમે ધીમે અનુભવોમાંથી તારણ કાઢે છે કે હું રડું તો વડીલો દોડી આવે છે. એટલે એ કંઈપણ કારણસર વડીલોને બોલાવવા માગતું હોય તો રડવા લાગે છે. એ રીતે એની બુદ્ધિનો વિકાસ થાય છે. આ તારણના આધારે બોલતાં શીખી ગયા પછી પણ કોઈ વસ્તુ જોઈતી હોય અને વડીલો આપવાની ના પાડે તો એ રડવા લાગે છે.

વિજ્ઞાનીઓએ અનુભવથી તારણ કાઢવાની આ શક્તિ પુરવાર કરવા એક પ્રયોગ કર્યો હતો. એક કૂતરાને સીટી વગાડયા પછી જ જમવાનું આપવામાં આવ્યું. ધીમે ધીમે કૂતરાએ તારણ કાઢયું કે સીટી વાગે તો જમવાનું મળે એટલે ખાવાનું ખાવા માટે પહોંચી જવું. પછી ખાવા માટે કૂતરાએ પૂંછડી પટપટાવવાનું બંધ કર્યું. સીટી વાગવાની રાહ જોવા લાગ્યો. પછી સીટી વગાડીને કૂતરો ખાવા દોડી આવતો હોય ત્યારે વચ્ચે એક બારણું બંધ કરી પાંચ સેકન્ડ પછી ખોલવાનું શરૂ કરવામાં આવ્યું. થોડા જ દિવસમાં કૂતરો ખાવા માટે દોડે ત્યારે દરવાજા પાસે આવીને રોકાઈ જતો. દરવાજો બંધ થઈ ખુલે એ પછી જ દાવા માટે આગળ આવતો હતો.

તારણ કાઢવાનું આ કામ લોજિક વડે થાય છે. અને લોજિક એટલે કે તરક માટે ચોક્કસ સમીકરપ્ણો મગજમાં નોંધાતા જાય છે. જો સીટી વાગે તો ખાવા જવાનું. દરવાજા પાસે પહોંચી રોકાઈ જવાનું, રાહ જોવાની, દરવાજો બંધ થઈને ખુલે એ પછી જ ત્યાંથી આગળ ચાલવાનું અને ખોરાક સુધી જવાનું.

આપણા કમ્પ્યૂટર આવા લોજિકના સમીકરણો વડે જ કામ કરે છે. કયું બટન દબાયું? એ વખતે કયો પ્રોગ્રામ ખુલ્લો હતો? કયું પેજ ખુલ્લું હતું? કઈ ભાષાનું સોફ્ટવેર ચાલુ હતું. કયા અક્ષર સિલેક્ટ કરેલા હતા? વગેરે ડઝનબંધ સવાલો પર અટકીને કમ્પ્યૂટરનું પ્રોસેસર ચેક કરે છે. એમાં લખ્યું હોય છે કે જો આમ હોય તો આમ કરવાનું અને જો તેમ હોય તો તેમ કરવાનું અને જો પેલું હોય તો પેલું કરવાનું. આ રીતે દરેક ફેક્ટ તપાસીને એના આધારે ઓપ્શન પસંદ કરી કમ્પ્યૂટર પ્રોસેસર આગળ વધે છે. કમ્પ્યૂટરને લોજિકના સમીકરણો સોફ્ટવેર નિષ્ણાતો લખી આપે છે. એના આધારે જ કમ્પ્યૂટર કામ કરે છે. હવે નિષ્ણાતો એવું લોજિક લખી રહ્યાં છે કે કમ્પ્યૂટર પણ આગળના અનુભવની નોંધના આધારે નવા સમીકરણો જાતે બનાવીને એ પ્રમાણે કામ કરે. બસ! એ જ છે આર્િટફિસિયલ ઈન્ટેલિજન્સ!

[email protected]