માસિયાઈ ભાઈ-બહેન વચ્ચે પ્રેમ થઈ ગયો, મર્યાદા નથી ઓળંગી પણ હવે? - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • માસિયાઈ ભાઈ-બહેન વચ્ચે પ્રેમ થઈ ગયો, મર્યાદા નથી ઓળંગી પણ હવે?

માસિયાઈ ભાઈ-બહેન વચ્ચે પ્રેમ થઈ ગયો, મર્યાદા નથી ઓળંગી પણ હવે?

 | 3:53 am IST

યૌવનની સમસ્યાઃ સોક્રેટિસ

 

સોક્રેટિસજી,

હું સંદેશની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં આવતી તમારી યૌવનની સમસ્યા કોલમનો નિયમિત વાચક છું. તમારી કોલમ વાંચીને જીવનમાં ઘણી મદદ મળે છે. આજે હું તમને જે સમસ્યા જણાવી રહ્યો છું તે મારા એક ફ્રેન્ડની છે. જેણે મારી પાસે મદદ માંગી છે. તે એક છોકરીને પ્રેમ કરે છે જે રિલેશનમાં તેની સગી માસીની છોકરી થાય છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. છેલ્લાં પાંચ વર્ષથી પ્રેમ કરતા હોવા છતાં મર્યાદા ઓળંગી નથી. પણ સમસ્યા એ છે કે છોકરી ભાગીને મેરેજ કરવા કહે છે. કેમ કે ઘરના લોકો કોઈપણ સંજોગોમાં તેમના મેરેજ થવા નહીં દે કારણ કે સંબંધમાં માસિયાઈ ભાઈ-બહેન થાય છે. એ બંનેને તો લગ્ન કરીને સાથે જ રહેવું છે. એટલે આમાં શું કરી શકાય? માટા ફ્રેન્ડનું એમ કહેવું છે કે જો ભાગીને મેરેજ કરે તો છોકરીના ઘરવાળા તેના ઘરવાળાને મારે તો ? અને બંને પરિવારો વચ્ચે ખૂબ જ અણબનાવ બને. શું આપણો કાયદો માસિયાઈ ભાઈ-બહેનના મેરેજ થવા દે ? તેમજ પરિવારના કોઈ સભ્યને કોઈ નુકસાન ન થાય એનો કોઈ ઉપાય ખરો?

ભાઈ,

તારો ઈ-મેઈલ વાંચ્યો. સમસ્યા પણ જાણી. તંે છેલ્લે લખ્યું છે કે તમારા મેઈલની તમારા મિત્રને ખૂબ જરૂર છે. તો ખાસ જણાવવાનું છે કે આ કોલમ માટે આવતી કોઈ સમસ્યાનો મેઈલથી જવાબ અપાતો નથી. આ કોલમમાં જ અપાશે. તેમજ આ કોલમ કાનૂની સલાહ માટેની નથી. હવે જોઈએ તમે મોકલેલી સમસ્યા. તમે તમારા મિત્રની સમસ્યા જણાવી છે કે તેને અને તેની માસીની પુત્રી વચ્ચે પ્રેમ થઈ ગયો છે. પ્રેમ એ કક્ષાએ પહોંચ્યો છે કે બંનેએ લગ્ન કરવા છે અને બંને માસિયાઈ ભાઈ-બહેન થતા હોવાથી પરિવાર તો મંજૂરી નહીં આપે તેમ માનવું છે એટલે યુવતી ભાગીને લગ્ન કરવા કહે છે પણ યુવાનને પરિવારો વચ્ચે સંબંધો બગડવાનો ડર છે. આમ જોવા જઈએ તો આ હરોળમાં યુવાનની આશંકા ખોટી નથી જ. આવા કિસ્સાઓમાં એવું થતું હોય છે. તો શું કરવું? એ સવાલ છે. પરંતુ ઘણી જ્ઞાાતિઓમાં મામા-ફોઈ, માસિયાઈ ભાઈ-બહેન વચ્ચે લગ્ન થતા હોય છે. ગોત્ર એક હોય તો ન થઈ શકે એવું મનાય છે. આમ તો કાનૂની રીતે લગ્ન કરવામાં કોઈ વાંધો હોતો નથી. અહીં સૌથી મોટો સવાલ પ્રેમનો છે. સગાં ભાઈ-બહેન નથી એટલે વાંધો ન હોવો જોઈએ. હવે કઈ રીતે લગ્ન કરવા એ પણ પ્રશ્ન છે. સૌ પ્રથમ તો યુવક અને યુવતીએ પોતપોતાના પરિવારજનોને તેમના વચ્ચેના પ્રેમની વાત કહીને લગ્નનો ઈરાદો જણાવી દેવો જોઈએ. તેઓના રિએક્શન પર બધો આધાર રહે. આવા સંબંધોમાં ભાઈ-બહેન કહેવાય એવો સંબંધ હોય એટલે તેનો તરત જ વાંધો ઉઠાવાતો હોય છે, પરંતુ બધી જ જ્ઞાાતિઓમાં એવું નથી. એટલે તમારા મિત્રની જ્ઞાાતિમાં કેવા રીત-રિવાજ છે તે મહત્ત્વની બાબત બની રહેશે. આ બંનેના લગ્ન માટે પરિવારજનો તૈયાર જ ન થાય તો ભાગીને શા માટે? કોર્ટમાં જઈને પણ લગ્ન નોંધાવી શકાય એમાં કોઈ ના ન પાડી શકે. રહ્યો સવાલ મારામારીનો તો તે માટે પોલીસ રક્ષણ પણ મેળવી શકાય. એટલે પરિવારજનો તૈયાર થાય તે માટે તે બંનેએ તેમ જ અન્ય સમજુ વડીલો મારફતે તેઓને સમજાવવા પડે. તેઓને કહી શકાય કે ભાગીને લગ્ન કરશે તો શું કરી શકશો? બહુ બહુ તો સંબંધ તોડી નાખશો એથી તો તમે તમારા સંતાનો ખોશો. એટલું જ નહીં આ બંને યુવક-યુવતી લગ્નની હદ સુધી પહોંચ્યા છે તો તે બંનેએ શારીરિક સંબંધ પણ બાંધ્યો હશે તો? એ હવે રોકી શકાશે? નહીં જ..! વળી કાનૂની રીતે રોકી શકાય એમ નથી તો પછી અવરોધ ઊભા કરવાથી શું ફાયદો ? એમ સમજાવી શકાય. આ બધા સવાલો ત્યારે ઊભા થઈ શકે કે જ્યારે પરિવારજનો લગ્ન કરવા દેવા તૈયાર ન હોય. બાકી તો કોઈ પ્રશ્ન જ નથી. આ પરિસ્થિતિમાં છેવટ સુધી લડી લેવાની તૈયારી તો રાખવી જ પડે. અહીં યુવતી તો ભાગીને લગ્ન કરવા સુધી તૈયાર છે. એ તેની બોલ્ડનેસ દર્શાવે છે. પ્રેમ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. જ્યારે યુવાનનું મન પરિવારો વચ્ચે વૈમનસ્ય સર્જાવાની આશંકાથી ભયભીત છે. તેમનું અનુમાન સાચું હોય તો પણ તેમણે લગ્ન કરવામાં પાછી પાની ન કરવી જોઈએ. યુવતી જ્યારે તેને સંપૂર્ણપણે સર્મિપત થવા તૈયાર છે ત્યારે એણેય પોતાનો પ્રેમ સાબિત કરવો જરૂરી બની રહે છે. તેઓએે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ સર્જાવાની શક્યતા વિચારીને તેનો સામનો કરવા તૈયારી કરવી જોઈએ. પ્લાનિંગ કરવું જોઈએ. પરિવારજનો માને નહીં અને આક્રમક બને તો? યુવતીને કેદ કરી રાખે તો? યુવાન પર હુમલો થાય તો? આ બધી બાબતો વિચારીને તે અંગે પોલીસનું રક્ષણ મેળવી જ લેવું પડે. એટલું જ નહીં જરૂર પડે તો બંને અન્યત્ર જઈને સિવિલ મેરેજ કરીને પછી જાણ કરે અને એટલા દૂર જતા રહે કે પરિવારજનો તેઓને હેરાન ન કરી શકે. આ વિસ્તૃત ચર્ચા પછી તો હવે તેઓને પોતાનો માર્ગ કઈ રીતે કંડારવો તેનું માર્ગદર્શન મળી જ રહેશે.

[email protected]