મેડમ, આપ કા છોટા રાજન કે બારે મેં રિપોર્ટ એકદમ ગલત હૈ! - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મેડમ, આપ કા છોટા રાજન કે બારે મેં રિપોર્ટ એકદમ ગલત હૈ!

મેડમ, આપ કા છોટા રાજન કે બારે મેં રિપોર્ટ એકદમ ગલત હૈ!

 | 7:17 pm IST

ગોડફાધર્સ :- શીલા રાવલ

હું જ્યારે છોટા રાજન પર હુમલાની સ્ટોરી રિપોર્ટ કરવા બેંગકોક ગઈ હતી ત્યારે એક વખત મેં ભારતીય દૂતાવાસની મુલાકાત લીધી હતી. મને આ હુમલા સંબંધે થાઈ પોલીસે આપેલા કેટલાક એક્સક્લુઝિવ ફોટોગ્રાફ્સ ભારતમાં મારા પબ્લિશર્સને મોકલવાના હતા. એ માટે મારે ભારતીય દૂતાવાસનું કમ્પ્યૂટર વાપરવાનું હતું. અગાઉ પણ હું અહીં આવી ચૂકી હતી એ મારી કંપનીનું નામ આપ્યા પછી મારી ખૂબ સારી આગતા-સ્વાગતા થઈ હતી. આ વખતે મને સાવ ઠંડો પ્રતિભાવ મળ્યો. મને નવાઈ લાગી હતી. થાઈલેન્ડ ખાતેના ભારતીય એમ્બેસેડર રાયે મને જણાવ્યું કે તેઓ છોટા રાજન પરના હુમલા વિશેની કોઈપણ વિગતને રદ કરવાની કે સમર્થન આપવાની સ્થિતિમાં નથી. એ દિવસે મારા ફોટોગ્રાફ પણ દૂતાવાસના કર્મચારીઓ અપલોડ નહોતા કરી શક્યા. એમણે જણાવ્યું કે કમ્પ્યૂટર અને નેટવર્કની કોઈ ગરબડ છે.

આ ઘટનાના લાંબા સમય પછી ભારતમાં મુંબઈના એક સિનિયર પોલીસ અધિકારીએ મને કહ્યું હતું કે દિલ્હી તમારા બેંગકોકથી મોકલવામાં આવેલા બધા જ રિપોર્ટ્સ બારીકાઈથી તપાસી રહ્યું છે.

છોટા રાજન જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયો હોવા છતાં એનો જીવ બચી ગયો એ ભારતીય અધિકારીઓએ પ્રયાસ ચાલુ કર્યા હતા કે છોટા રાજનને થાઈલેન્ડથી ભારત પ્રત્યાર્પણ કરીને લાવવામાં આવે અને અહીં એની સામે હત્યા અને ટોળાં ભેગાં કરી ગુનો આચરવાના કેસ ચલાવવામાં આવે. કેસ ચાલે ત્યાં સુધી છોટા રાજન જેલમાં રહે એટલે સલામત રહે! ૫ ઓક્ટોબર, ૨૦૦૦ના રોજ મહારાષ્ટ્ર પોલીસના પાંચ સભ્યોની એક ટીમ બેંગકોક પહોંચી હતી અને થાઈ પોલીસને જણાવ્યું હતું કે વિજય કદમના નામે રહેતો માણસ જ છોટા રાજન છે. તેણે છેતરપિંડી કરીને ભારતીય પાસપોર્ટ મેળવી લીધો છે.

એ વખતે છોટા રાજન હજી હોસ્પિટલમાં જ હતો અને સારવાર લઈને સાજો થઈ રહ્યો હતો. મુંબઈ પોલીસે હોસ્પિટલ પહોંચીને છોટા રાજન સાથે વિગતવાર સવાલો પૂછીને વાત કરી હતી. છોટા રાજન ઉપર થયેલા હુમલાની વિગતો અને છોટા રાજનને ડીપોર્ટ કરવા અંગેની વાટાઘાટ પોલીસે રજૂ કરેલા ઈન્ક્વાયરી રિપોર્ટમાં જ લખેલી હતી. મુંબઈ પોલીસની આ ટીમ એક મહિનો બેંગકોકમાં રોકાઈ હતી. એ લોકોએ છોટા રાજન સાથે વાત કરીને એને મુંબઈમાં સલામતીની ખાતરી આપીને ભારત પાછા ફરવા કબૂલ કરાવી લીધો હતો.

આખરે મુંબઈ પોલીસે કહ્યું કે થાઈ પોલીસ તમને મુંબઈ મોકલવા તો તૈયાર છે, પરંતુ એમની દલીલ એવી છે કે તમે થાઈ નાગરિકો હોવાથી તમારી ઈચ્છા હોય તો જ સરકાર તમે ડીપોર્ટ કરી શકે અને અમે તમને મુંબઈ લઈ જઈ શકીએ. એટલે અહીંની કાનૂની કાર્યવાહી પૂરી કરવા માટે તમે અમને એક સંમતિપત્રક લખી આપો કે તમે મુંબઈ આવવા રાજી છો!

આ તબક્કે છોટા રાજને અચાનક પલટી મારી દીધી અને મુંબઈ પોલીસની ટીમને કહી દીધું કે મારો તમારી સાથે મુંબઈ આવવાનો કોઈ ઈરાદો નથી. આ અંગે વાત કરતાં મુંબઈ પોલીસના અધિકારીઓએ ધારણા વ્યક્ત કરી હતી કે કદાચ છોટા રાજને અમારી સાથે વાત થયા પછી ભારતમાં એના આકાઓ સાથે વાત કરી હશે અને તેમણે છોટા રાજનને ભારત આવવા ના પાડી હશે અને બીવડાવ્યો હશે કે મુંબઈ આવવું તારા માટે જીવલેણ બની શકે.

૨૧ નવેમ્બર, ૨૦૦૦ના રોજ બેંગકોક ખાતેના મારા સૂત્રએ મને ફોન કરીને માહિતી આપી કે છોટા રાજનને બે દિવસ પહેલાં હોસ્પિટલથી બહાર લઈ જવાયો છે. કદાચ કોઈના બિનઅધિકૃત રાજકીય દબાણના કારણે તેને થાઈલેન્ડની બહાર લઈ જવાની સગવડ કરી આપવામાં આવી રહી છે. મેં મારા ભારત ખાતેના બાતમીદાર પાસે આ રિપોર્ટની ખરાઈ કરી લીધા પછી અંગ્રેજી મેગેઝિનની વેબસાઈટ ઉપર આ વિશે એક નાનકડી ન્યૂઝ સ્ટોરી લખી હતી.

જે દિવસે મેં આ સ્ટોરી લખીને મૂકી હતી એ જ દિવસે મોડી સાંજે છોટા શકીલનો મારા ઉપર ફોન આવ્યો હતો. તેણે મારી ઓફિસના લેન્ડલાઈન ફોન પર કોલ કર્યો હતો. તેણે મને કહ્યું હતું કે મેડમ, આપ કા છોટા રાજન કે બારે મેં રિપોર્ટ એકદમ ગલત હૈ.

એની દલીલ હતી કે તેણે બેંગકોક ખાતેનાં એનાં સૂત્રો પાસેથી મહિતી મેળવી લીધી છે. થાઈ પોલીસમાં પણ એની પહોંચ છે. ત્યાંથી પણ માહિતી મેળવી લીધી છે. મુઝે અપને લડકોં સે પક્કી બાત મિલી હૈ કિ રાજન કો એક અસ્પતાલ સે દૂસરે સરકારી અસ્પતાલ લે જાયા ગયા હૈ. વહ થાઈલેન્ડ સે બાહર નહીં નિકલા હૈ!

મેં એને કહ્યું હતું કે મારા બાતમીદારોની વાત કદી ખોટી હોતી નથી. મારા સમાચાર પાકા છે.

એ પછીના શુક્રવારે એજન્સી ફ્રાન્સ પ્રેસ (એએફપી) નામની સમાચાર એજન્સીએ મારા સમાચાર સાચા પુરવાર કરતાં રિપોર્ટ જાહેર કર્યો કે છોટા રાજન ખૂબ જ નાટકીય રીતે બેંગકોકની સરકારી હોસ્પિટલમાંથી ભાગી છૂટયો છે. થાઈ પોલીસે પોતાના અધિકૃત અહેવાલમાં જણાવ્યું હતું કે છોટા રાજને એના રૂમની ચાદરો એકબીજા સાથે ગાંઠ લગાવીને જોડીને દોરડું બનાવી દીધી હતી અને પછી એ દોરડું બાલ્કનીની રેલિંગ સાથે બાંધીને ભાગી છૂટયો હતો.

છોટા રાજનના સ્થાનિક વકીલ સિરિચાઈ પિયાપિચેત્કુલે પોલીસના અહેવાલને વખોડી કાઢતાં નિવેદન બહાર પાડયું હતું કે પોલીસ ખોટી વાર્તા ઘડીને સંભળાવે છે. સાચી વાત એ છે કે છોટા રાજને પોલીસને પૈસા ખવડાવ્યા છે એટલે પોલીસે સામે ચાલીને હોસ્પિટલના ઈમર્જન્સી એક્ઝિટમાંથી ભાગી જવાની સગવડ કરી આપી હતી. પછીના કલાકોમાં બીજું નિવેદન બહાર પાડીને કહ્યું કે થાઈલેન્ડ પોલીસના મેજર જનરલ ક્રીકફોન્ગ ફુકપ્રાયૂન એ અધિકારી છે જેમણે પૈસા લીધા છે.

ડિસેમ્બર ૨૦૦૦માં એક ચેનલ સાથેના ઈન્ટરવ્યૂમાં છોટા રાજને આ આરોપનું ખંડન કરતાં કહ્યું હતું કે મેં થાઈલેન્ડની પોલીસને ભાગી છૂટવાની સગવડ આપવા બદલ કોઈ નાણાં આપ્યાં નથી, કોઈ લાંચ આપી નથી. તેણે કબૂલ કર્યું કે દાઉદના મારાઓ હોસ્પિટલમાં હુમલો કરીને મને મારી નાખશે એવો ભય એટલો જોરદાર હતો કે મારે થાઈલેન્ડ છોડીને ભાગ્યા વગર કોઈ ઉપાય જ રહ્યો નહોતો.

ચેનલે સિરિચાઈનું નિવેદન છોટા રાજનને બતાવ્યું તો એ બોલી ઊઠયો હતો, યહ સરાસર જૂઠ હૈ. યહ આદમી તો વકીલ ભી નહીં હૈ! યહ આદમી બિલકુલ જૂઠા હૈ. કિસી ઝમાને મેં વોહ મેરા લોયર થા, પર વોહ મુઝે છોડ ગયા તબ સે અબ તક મૈં ઉસ સે કભી નહીં મિલા! મૈંને ઉસ સે બાત નહીં કી ઓર મૈંને કિસી કો રિશ્વત નહીં દી.

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન