મેડમ સમઝો ના, હમ સેફ રહે તો આપ ભી સેફ રહેંગી ન! - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મેડમ સમઝો ના, હમ સેફ રહે તો આપ ભી સેફ રહેંગી ન!

મેડમ સમઝો ના, હમ સેફ રહે તો આપ ભી સેફ રહેંગી ન!

 | 2:07 pm IST

ગોડફાધર્સ :- શીલા રાવલ

છોટા રાજને પોતાની જીવનકથા સંભળાવવાની વાત કરી તો હું ખુશ થઈ ગઈ. આનાથી મોટી સ્ટોરી શું હોઈ શકે!

એટલામાં જ એક ઉજળેવાન હેન્ડસમ દેખાતો માણસ ઓરડામાં પ્રવેશ્યો અને મને ત્યાં જોતાં જ અચકાઈને ક્ષણભર રોકાઈ ગયો. જે માણસ મને અંદર લઈ આવ્યો હતો એની સામે તેણે કરડી નજરે જોયું. એણે આંખોથી ઠપકો આપ્યો એ જોઈને પેલો માણસ મનોમન ડરી ગયો હોય એમ લાગ્યું. મારી નજીક ઊભેલા એક ગાર્ડે મને ધીમેથી કહ્યું, સંતોષ, અહીં બોસ બનવાનો પ્રયત્ન કરતો રહે છે.

પછી એણે પેલા નવા આવેલા માણસને મારો પરિચય આપ્યો કે ભારતના ખૂબ નામાંકિત પ્રકાશનના જાણીતાં પત્રકાર છે. પછી મને એ માણસનો પરિચય કરાવ્યો, આ છે, સંતોષ શેટ્ટી, નાનાના ખાસ માણસ!

શેટ્ટી મને ત્યાં જોઈને ચીડાયો હોય એમ સ્પષ્ટ દેખાતું હતું. એણે મારી સામે જોઈને બિલકુલ ઠંડા ધંધાદારી અવાજે કહ્યું, ‘એ ખૂબ જ બીમાર છે. આ એમનો ઈન્ટરવ્યૂ લેવાલાયક સમય કે સ્થળ નથી. તમે એમની સાથેની આ આખી મિટિંગનો તમારા અહેવાલમાં બિલકુલ ઉલ્લેખ જ ન કરો એ જ સારું રહેશે. ખાસ કરીને એમની તબિયત વિશે અને આ રૂમમાં જે કંઈ તમે જોયું એ વિશે અને એમણે તમને જે કંઈ કહ્યું એ કશું જ તમારે ક્યાંય કહેવાનું નહીં. તમે મને આ રૂમમાં મળ્યાં હતાં એ વાતનો પણ પ્લીઝ ક્યાંય ઉલ્લેખ ન કરશો. એમ કરશો તો મારા યજમાનોને ખૂબ પ્રોબ્લેમ થશે. એ લોકોએ (દાઉદની ગેન્ગના લોકોએ) મહિલાઓ અને બાળકોને કશું જ ન કરવાનો અમારો વણલખ્યો નિયમ તોડયો છે. અમે જડબાતોડ જવાબ આપીશું.’ સ્પષ્ટ રીતે સંતોષ રોહિતની પત્નીની વાત કરતો હતો જે આ હુમલામાં ખૂબ ગંભીર રીતે ઘવાઈ હતી.

હું છોટા રાજન સાથેની આ મુલાકાત સહિતની સ્ટોરી લેવા માટે એટલી આતુર હતી કે મેં ત્યાંથી જવા માટે એક ડગલુંય ન ભર્યું. એને બદલે સંતોષને સમજાવવા માંડયો કે મને આ રૂમમાં રહેવા દો. એ મને બીવડાવવા મથી રહ્યો હતો એ હકીકત મેં ધ્યાનમાં જ ન લીધી. આ એક એવી તક હતી જે હું જતી કરવા તૈયાર નહોતી. આટલે સુધી આવવાનું સાહસ કર્યા પછી અને જોખમ ખેડયા પછી કશું જ લીધા વગર પાછા જવાનું તો ખૂબ હતાશાજનક બની રહે! મેં પત્રકારિત્વની તાલીમ મુજબ એની સાથે સતત વાતો કરીને એને મનાવવાનો પ્રયાસ કરવા માંડયો. આખરે એણે મને આ હોસ્પિટલની અને છોટા રાજનના રૂમની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ કરવાની છૂટ આપી. સાથે જ અહીં થયેલી કોઈવાતનો ઉલ્લેખ ન કરવાની તાકીદ કરી દીધી.

હું ત્યાંથી જવા માટે ફરી ત્યારે અણગમાની અને ખોટું થઈ રહ્યું હોવાની લાગણી જરાય છુપાવી નહીં. સંતોષને મારા ચહેરા પર આ લાગણી કદાચ દેખાઈ ગઈ હશે. તેણે કહ્યું, ‘મેડમ!’

હું તરત પાછી ફરી, મને એમ કે એણે વિચાર બદલ્યો લાગે છે, પરંતુ એણે કહ્યું, ‘મેડમ, આપ સમઝો ના, મેડમ લિખના નહીં જો યહાં દેખા ઓર સુના. મેડમ દેખો ના અચ્છા નહીં હોગા. હમ સેફ તો આપ ભી સેફ રહેંગી.’

એની આ ધમકીથી વાતાવરણ અચાનક ખૂબ તંગ થઈ ગયું. મેં જોયું કે છોટા રાજનના વફાદાર એવા પેલા ચાર ચોકિયાત કોરિડોર છોડી ગયા હતા. હવે સંતોષે અવાજ થોડો નરમ કરીને કહ્યું, ‘અગર સમય અચ્છા રહા તો હમ ઈન્ટરવ્યૂ કિસી ઔર સમય કર લેંગે. વો ઠીક રહેગા. અગર નાના આપ સે નહીં બોલે તો મૈં આપ કો હમારી સાઈડ કી સ્ટોરી બતા દૂંગા.’

મેં માથું હલાવીને હા પાડી. મારી પાસે બીજી કોઈ ચોઇસ જ ક્યાં હતી! એ મને સીડી સુધી મૂકવા આવ્યો.  મારી પાસે સ્ટોરી તો આવી ગઈ હતી અને બધું તૈયાર હતું, પણ મને થતું હતું કે કાશ! હું છોટા રાજન સાથેની મારી અલપઝલપ થયેલી વાતનો પણ ઉલ્લેખ કરી શકું તો સ્ટોરીમાં પ્રાણ પુરાઈ જાય! મેં છોટા રાજનના ચાર ચોકિયાતો પાસેથી જે વાતો સાંભળી હતી એમાંથી મને એક વાત સમજાતી હતી કે છોટા રાજન અને દાઉદ ભારત અને પાકિસ્તાનની પ્રોક્સી વોરમાં સામસામે શિંગડાં ભરાવી રહ્યા હતા. પણ જે વાત પર મારું સૌથી વધારે ધ્યાન ખેંચાયું તે એ હતી કે આ ગેન્ગસ્ટર્સને ખાતરી હતી કે એ સમયના ગૃહપ્રધાન છગન ભુજબળ છોટા રાજન સામેનો પ્રત્યાર્પણનો કેસ અસરકારક રીતે નહીં જ મૂકી શકે. જ્યારે કે છગન ભુજબળ ચાર માણસોની ટીમ મોકલી રહ્યા હતા. એ લોકો બેંગકોકથી છોટા રાજનનું પ્રત્યાર્પણ કરાવવા માટે રજૂઆત કરવાના હતા.

જો એમાં કશીક સફળતા મળે તો આ ચોકિયાતોની વાત મુજબ પાવરફુલ અધિકારીઓની મદદથી છોટા રાજનને હેલિકોપ્ટર વાટે અહીંથી સલામત સ્થળે લઈ જવાના હતા. આ લોકોનો દાવો હતો કે મુંબઈ પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં એમના દુશ્મનો ઓછા અને દોસ્તો વધારે હતા. આ લોકો દૃઢતાથી માનતા હતા કે છોટા રાજન ભારતને કોઈ નુકસાન નહોતો કરતો, બલકે દાઉદ અને તેના ક્રિમિનલ નેટવર્કનો નાશ કરવામાં અધિકારીઓની મદદ કરી રહ્યો હતો. એમનું માનવું હતું કે એ લોકો દાઉદ અને તેના પાકિસ્તાની આકાઓ સામેની લડાઈમાં ભારત સરકારને મદદ કરી શકે એમ છે.

મને અનુભવે સમજાયું કે ભારતીય અધિકારીઓ દાઉદને પરાસ્ત કરવામાં મદદ મેળવવા માટે છોટા રાજન સામે એવી કડકાઈ નહીં કરે એવી માન્યતા અને વાતો સાવ પાયા વગરની નહોતી.

મને સંતોષે આ હુમલાને નજરે જોનાર સાક્ષી કમલાનો ફોટો પાડવાની છૂટ આપી તેથી હું ખૂબ રાજી થઈ. એનું બયાન હતું કે એ રસોડામાં હતી ત્યારે ગોળીબારના અવાજ સાંભળ્યા. એના પરિણામે લોકોની ગૂંચવણભરી બોલાબોલી અને દોડાદોડના અવાજ સાંભળ્યા. એ દોડીને બહાર આવી તો લિવિંગ રૂમમાં રોહિત અને તેની પત્નીને લોહીના ખાબોચિયાંમાં પડેલાં જોયાં. ગભરાટની મારી એ પોતે બેભાન થઈને પડી ગઈ.

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન