મહારાષ્ટ્રની કેન્સર પીડિત બાળકીનું ટ્રેનમાંથી પડી જતાં મોત નીપજ્યું - Sandesh
  • Home
  • Mumbai
  • મહારાષ્ટ્રની કેન્સર પીડિત બાળકીનું ટ્રેનમાંથી પડી જતાં મોત નીપજ્યું

મહારાષ્ટ્રની કેન્સર પીડિત બાળકીનું ટ્રેનમાંથી પડી જતાં મોત નીપજ્યું

 | 1:33 am IST

। મુંબઈ ।

મહારાષ્ટ્રના વાસિમ જિલ્લામાં રહેનારી ૪ વર્ષની કેન્સર પીડિત બાળકી નેહાની માતા તેને લઇને હોસ્પિટલ જવા નીકળી હતી, પણ ભીડવાળી ટ્રેનમાં ચડી ન શકતા આખરે પ્લેટફાર્મ પર પટકાઈ હતી અને એ દુર્ઘટનામાં નેહાનું મોત થયું હતું. ઘટનાના દિવસે નેહાની માતા તેને લઇ ચેંબુરની તાતા હોસ્પિટલમાં તેને ઇંજેક્શન અપાવવા લઇ જઈ રહી હતી, પણ સવારના ૮ વાગ્યે ટ્રેનમાં બહુ જ ગીરદી હોવાથી તે ટ્રેનમાં ચડી નહોતી શકી. એ પછી કેટલીક ટ્રેન છોડયા બાદ આખરે એક ટ્રેનમાં જેમતેમ એ નેહાને તેડીને ચડી હતી પણ સખત ગીરદી હોવાના કારણે જેવી ટ્રેન ચાલુ થઈ કે તે નીચે પટકાઈ હતી. નેહાના મોં અને કાનમાંથી લોહી નીકળવા માંડયું હતું. નેહાની માતાને પણ ઇજા થઇ હતી. પ્લેટફાર્મ પર હાજર આરપીએફના જવાને તેમને બંનેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમિયાન નેહાનું ૯ સપ્ટેમ્બરના મૃત્યુ થયું હતું.

નેહાને કેન્સર થયાની જાણ કઇ રીતે થઇ એ વિશે જણાવતા તેના પિતાએ કહ્યું હતું કે નેહાને પગમાં અને પેટમાં દુખાવો થતા તેને સ્થાનિક ડોક્ટર પાસે લઇ જવાઈ હતી. પણ તેની દવાથી કોઇ ફરક ન પડતા તેને કેઇએમ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંના ડોક્ટરોએ નેહાને ગાંઠ હોવાની જાણ કરી તેને તાતા હોસ્પિટલ લઇ જવા કહ્યું હતું.

તાતા હોસ્પિટલમાં નેહાની સારવાર ચાલુ થઇ હતી. તે કેન્સરનો ભોગ બની હતી અને કેન્સર તેના શરીરમા બહુ ઝડપથી ફેલાઈ રહ્યું હતું. એથી તેને કેમોથેરપી ચાલુ કરાઈ હતી. એ સિવાય ૧૨ કલાકમાં બે વાર ઇંજેકશન પણ આપવા પડતા હતા. તેનો પરિવાર રોડ પર આવી ગયો હતો. તેમની પાસે રહેવાની પણ સગવડ નહોતી એથી તાતા હોસ્પિટલની બહાર ફૂટપાથ પર રહેતો હતો. એક એનજીઓએ મદદ કરી તેમને ચેંબુરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;