મહારાષ્ટ્રમાં બંધ સફળઃ મુંબઈમાં આંશિક અસર - Sandesh
  • Home
  • Mumbai
  • મહારાષ્ટ્રમાં બંધ સફળઃ મુંબઈમાં આંશિક અસર

મહારાષ્ટ્રમાં બંધ સફળઃ મુંબઈમાં આંશિક અસર

 | 1:37 am IST

। મુંબઈ ।

રોજેરોજ વધતા પેટ્રોલ- ડીઝલના ભાવના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. એથી આમ જનતાને ભોગવવી પડતી હાલાકીને ધ્યાનમા રાખી કેન્દ્રની ભાજપની આગેવાની હેઠળની સરકાર સામે વિરોધ નોંધાવવા કોંગ્રેસની આગેવાની હેઠળ ૨૧ રાજકીય પક્ષોએ આજે ભારત બંધનું આયોજન કર્યું હતું. એ ભારત બંધ મહારાષ્ટ્રમાં સફળ રહ્યો હતો. રાજ્યમાં અનેક જગ્યાએ રેલ રોકો, રસ્તા રોકો, આગજની, બસોની તોડફોડની ઘટનાઓ બની હતી. જોકે પોલીસે પણ અનેક આંદોલનકારીઓને તાબામાં લઇ તેમની સામે કાર્યવાહી કરી હતી.  લોકલ ટ્રેનને થોડો સમય આંદોલનકારીઓએ રોકી દીધી હતી.મનસેના કાર્યકરો દ્વારા ચેંબુર, સહાર અને અન્ય કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપ પણ બળજબરીથી બંધ કરાવાયા હતા. ટેક્સી અને રિક્ષા પણ ઓછી દોડી રહી હતી. દુકાનો પણ બળજબરી કરીને બંધ કરાવાઈ હતી. આંદોલનકારીઓએ બેસ્ટની ૧૪ બસોને પણ નુકસાન પહોંચાડયું હતું. એપ આધારિત ઓલા અને ઉબર ટેક્સીઓ ઓછી દોડી રહી હતી. થાણેના તીનહાથ નાકા પર એનસીપી, કોંગ્રેસ અને એમએનએસના કાર્યકરોએ નીતીન કંપની પાસે મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી રસ્તા રોકો કર્યું હતું. રાજ્યના અન્ય વિસ્તારોમાં કોંગ્રેસ અને એનસીપીએ સાથે મળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. નાસિકમાં ડો.બાબાસાહેબ આંબેડકરના પૂતળા પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જ્યારે રંગાબાદમાં ક્રાંતિ ચોકમાં આંદોલન કરાયું હતું. જળગાવ અને યવતમાળમાં પણ ઉગ્ર આંદોલન થયું હતું.

પુણેના કોથરૂડમાં પીએમપીની બસ સળગાવાઈ

પુણેમાં આંદોલન હિંસક બન્યું હતું. કોથરૂડ ડેપોમાં પાર્ક કરાયેલી પીએમપીની બસ પરોઢિયે સળગાવી દેવાઈ હતી. જોકે એ પછી મનસેના કાર્યકરોએ આ બાબતે તેનો વિડિયો ઉતારી સર્ક્યુલેટ કર્યો હતો અને કહ્યું હતું કે એ બસ તેમના કાર્યકરોએ આંદોલનના ભાગ રૂપે સળગાવી હોવાની વાત ખોટી છે. એ બસ શોર્ટર્સિકટના કારણે જ સળગી હતી, એવો તેમણે દાવો કર્યો હતો.

બેસ્ટની બસ પર પત્થરમારો

ચેંબુરના વલાશી નાકા વિસ્તારમાં આંદોલનકારીઓએ બેસ્ટની બસ પર પત્થરમારો કર્યો હતો. એ જ રીતે પ્રતિક્ષા નગર બસ ડેપોમાં પણ પાર્ક કરાયેલી બસો પર તોફાનીઓએ પત્થરમારો કર્યો હતો. આ પત્થરમારામાં બસના કાચ તુટી ગયા હતા, પણ કોઇ પ્રવાસી કે ડ્રાઇવર કંડકટરને ઇજા થઇ હોવાના અહેવાલ નથી. પોલીસે કેટલાક આંદોલનકારીઓની આ બાબતે તાબામાં લઇ કાર્યવાહી કરી હતી.

વિરોધ પક્ષના મગરના આંસુ

કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા ઇંધણના ભાવવધારા સંદર્ભે કરાયેલા આ ભારત બંધને ભાજપાએ મગરના આંસુ સાથે સરખાવીને કહ્યું હતું કે જયારે યુપીએની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે તેણે પેટ્રોલના ભાવ વધારી ઓઇલ કંપનીઓને બખ્ખા કરાવ્યા હતા અને હવે એ જ મુદ્દે વિપક્ષો લોકોનો પક્ષ તાણી તેમની લાગણીઓને ઉશ્કેરી મગરના આંસુ સારી રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ સમાવી લેવા કોંગ્રેસની માગ

કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના ભાવ અંકુશમાં રાખવા તે બંનેને GST હેઠળ સમાવીલેવાની માગ કરી હતી. તેનું કહેવું હતું કે આના કારણે લિટર દીઠ રૃા.૧૫ થી ૧૮ ઓછા થઇ શકશે.

મનસેએ દાદરમાં ‘અચ્છે દિન’ની અંતિમ યાત્રા કાઢી

પેટ્રોલ- ડીઝલના વધતા ભાવોના વિરોધમાં કોંગ્રેસની આગેવાની હેઠળ ૨૧ પક્ષોએ ભારત બંધની હાકલ કર હતી. મનસે દ્વારા આજે તેમાં સક્રિય ભૂમિકા ભજવાઈ હતી. દાદરમાં શિવસેના ભવન સામે મનસેએ આક્રમક બની ‘અચ્છે દિનની’ અંતિમ યાત્રા(ઠાઠડી)કાઢી હતી.એ વખતે પોલીસ અને મનસેના કાર્યકરો વચ્ચે ટપાટપી થઇ હતી. પોલીસે ૫૦ જેટલા મનસેના કાર્યકરોને તાબામાં લઇ તેમના પર કાર્યવાહી કરી હતી. મનસેના કાર્યકરોએ ચેંબુરના ડાયમન્ડ ગાર્ડન પાસેના પેટ્રોલપંપ પર ગધેડાને લઇ જઈ અનોખુ આંદોલન કર્યું હતું.  .

પોલીસની કાર્યવાહી

આખા દિવસ દરમિયાન મુંબઈમા ઠેકઠેકાણે થયેલા વિરોધને ખાળવા પોલીસે આંદોલનકારીઓને તાબામાં લીધા હતા. મુંબઈ પોલીસે આપેલી માહિતી મુજબ ૧૮:૨૫ વાગ્યા સુધીમાં કુલ ૮૮૨ જણને તાબામાં લઇ તેમને સમજણ આપી છોડી મુકાયા હતા. જયારે ૬ જણની ધરપકડ કરી તેમની સામે ગુના નોંધવામાં આવ્યા હતા. મંબઈના આઠ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ફરિયાદનોંધાઈ હતી.

માજી મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ અને સંજય નિરુપમ દ્વારા રેલ રોકો

પશ્ચિમ રેલવેના અંધેરી સ્ટેશન પર રાજ્યના માજી મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના હાલના પ્રદેશાધ્યક્ષ અશોક ચવ્હાણની આગેવાની હેઠળ આંદોલનકારીઓએ પાટા પર ઊતરી રેલ રોકો કર્યું હતું. અંધેરી પ્લેટફાર્મ નંબર ૩ (ચર્ચગેટ-બોરીવલી સ્લો)ના પાટા પર ઊતરી રેલ રોકો કર્યું હતું. એ વખતે તેમની સાથે માણિકરાવ ઠાકરે અને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમ પણ હતા.

;