Maharashtra Government Formation update 3 Option, BJP No 1
  • Home
  • Assembly Election
  • મહારાષ્ટ્રમાં શિવસેના વગર પણ રચાઈ શકે છે ભાજપની સરકાર, આ છે ‘માસ્ટર પ્લાન’

મહારાષ્ટ્રમાં શિવસેના વગર પણ રચાઈ શકે છે ભાજપની સરકાર, આ છે ‘માસ્ટર પ્લાન’

 | 5:32 pm IST

મહારાષ્ટ્રમાં આગામી 9 તારીખે વિધાનસભાની સમયમર્યાદા પુરી થઈ રહી છે. હવે 72 કલાકથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે સરકાર રચવાની ગતિવિધિ પણ તેજ થઈ ગઈ છે. છેલ્લી ઘડીએ હવે વિવિધ રાજકીય સમિકરણો રચાવવા લાગ્યા છે. અત્યાર સુધી 50-50ના ફોર્મ્યુલાથી ઓછુ કંઈ ના ખપેની ડીંગો હાંકતી શિવસેના આખરે નરમ પડી છે અને ભાજપને મળવા માટે પોતાના નેતાઓને દોડતા કર્યા છે. જ્યારે કોંગ્રેસ પાછલા બારણે સમર્થન કરીને ભાજપને રોકવા શિવસેનાને સાથ આપવા સક્રિય બની છે. જોકે મરાઠા નેતા અને મહારાષ્ટ્રમાં આ વખતે કિંગમેકરની ભૂમિકામાં રહેલા શરદ પવાર સરકાર રચવાને લઈને પીછેહટ કરી ચુક્યા છે.

વર્તમાન પરિસ્થિતિ

ભાજપ અને શિવસેના વચ્ચે તેમજ કોંગ્રેસ અને NCP ગઠબંધન રચી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં. કુલ 288 બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પષ્ટ બહુમતિ માટે 145 બેઠકો જરૂરી છે. પણ ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો મળી હતી. જેથી ભાજપ-સેના ગઠબંધન નિર્વિરોધ સત્તારૂઢ થઈ શકે છે. પરંતુ અઢી વર્ષ ભાજપના અને અઢી વર્ષ શિવસેનાના મુખ્યમંત્રીની માગણીને કારણે બંને સાથી પક્ષો વચ્ચે ડખા ઉભા થયા હતાં. જ્યારે કોંગ્રેસને 44 અબે NCPને 54 બેઠકો મળી છે. અન્ય નાના પક્ષોને કુલ 6 બેઠકો તેમજ અપક્ષોને 23 બેઠકો મળી હતી.

શું કહે છે નિયમ

નિયમ પ્રમાણે અગાઉ વિધાનસભા જે તારીખે ભંગ થયો હોય તેનાં 5 વર્ષ પહેલાં નવી વિધાનસભા તેમજ સરકારની રચના થઈ જવી જોઈએ. મહારાષ્ટ્રમાં સરકાર અને વિધાનસભા રચવાની અંતિમ તારીખ 9 નવેમ્બર છે. માટે હવે માત્ર 3 જ દિવસ બચ્યા છે. હવે રાજ્યપાલ સૌથી મોટા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપી શકે. સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ જો સરકાર રચવા માટે પોતાને અસમર્થ દર્શાવે તો અન્ય પક્ષોના જોડાણથી સ્થિર સરકાર રચાય કે કેમ તેના પર વિચારણા કરવામાં આવે.

શું છે વિકલ્પ

વિકલ્પ નંબર એક

સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને સરકાર રચવાની તક મળે ત્યારે વિધાનસભાના ફ્લોર પર બહુમતિ પૂરવાર કરવી પડે. અત્રે યાદ રહે કે, વિશ્વાસના મત વખતે હાજર સંખ્યાબળના આધારે બહુમતિની સંખ્યા નક્કી થતી હોય છે. એ જોતાં જો NCPના ધારાસભ્યો હાજર રહેવાનું ટાળે તો ભાજપને સ્પષ્ટ બહુમતિ માટે ફક્ત 115 મતની જરૂર પડે, જે ભાજપ આસાનીથી મેળવી શકે છે અને રંગેચંગે ફડણવીસ સત્તા પર આવી શકે છે.

વિકલ્પ નંબર બે

NCP ભાજપને આડકતરું સમર્થન આપવાને બદલે સરકાર રચવામાં સક્રિય બને તો બીજો વિકલ્પ ઊભરી શકે છે. તેમાં શિવસેના અને NCP સાથે મળીને સરકારની રચના કરે અને કોંગ્રેસ સરકારમાં જોડાયા વગર બહારથી ટેકો આપે. આ સરકાર બહુમતિ તો પૂરવાર કરી શકે, પરંતુ સમય જતાં અસ્થિરતા ઉભી થવાની પુરી શક્યતા છે.

વિકલ્પ નંબર ત્રણ

જો ભાજપ, શિવસેના, એનસીપી કે કોંગ્રેસ એમ એકેય પક્ષ સાથે મળીને સરકાર રચવાનો દાવો ના કરે અથવા તો સ્થિર સરકાર આપવામાં નિષ્ફળ રહે તે સંજોગોમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિને પોતાનો અહેવાલ મોકલે અને રાજ્યમાં તરત કામચલાઉ રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. રાજ્ય વિધાનસભા હસ્તકના તમામ સંવૈધાનિક અધિકારો રાષ્ટ્રપિતને સુપ્રત થાય. ઓછામાં ઓછા છ મહિના સુધી ‘જેમ છે એમ જ યથાવત રાખવાની’ નીતિ અપનાવવામાં આવે. છ મહિના પછી પણ મડાગાંઠનો ઉકેલ ન આવે તો રાષ્ટ્રપતિ શાસનની અવધિ લંબાવીને વધુ એક કે બે વર્ષ કરવામાં આવે. ત્યાર બાદ ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી યોજાય. જોકે આ શક્યતા નહિવત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન