હિમાંશુ રોયને દેશના ચૂનંદા અધિકારીઓમાંના એક, જેમને મળી હતી Z+ સિક્યોરીટી - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • હિમાંશુ રોયને દેશના ચૂનંદા અધિકારીઓમાંના એક, જેમને મળી હતી Z+ સિક્યોરીટી

હિમાંશુ રોયને દેશના ચૂનંદા અધિકારીઓમાંના એક, જેમને મળી હતી Z+ સિક્યોરીટી

 | 6:32 pm IST

મુંબઇ પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ IPS અધિકારી હિમાંશુ રોયે આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. શુક્રવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી તેમના સરકારી નિવાસસ્થાને બપોરે અંદાજે 1.40 વાગ્યે મોઢામાં રિવોલ્વરનું નાળચું રાખીને ટ્રીગર દબાવી દીધું હતુ.

ઘાયલ હિમાંશુ રોયને તેમના પરિવારજનો તાત્કાલિક બોમ્બે હોસ્પીટલ લઇ ગયા હતા પરંતુ રસ્તામાં જ તેઓનું નિધન થઇ ગયું હતુ. હોસ્પીટલમાં પહોંચતા ડોકટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. ડોકટરોના કહેવા અનુસાર મોંઢામાં રિવોલ્વર રાખીને આત્મહત્યા કરતાં તેઓને બચાવવા મુશ્કેલ હતા.

2016થી હતા રજા પર

કેન્સરની બિમારી લાગુ પડતા રોયે વર્ષ 2016થી નિયમીતપણે ઓફિસ જવાનું બંધ કરી દીધું હતું. કેમોથેરાપીની સારવાર લેતા હોવા છતાં રોય ડીપ્રેશનથી પણ પીડાઇ રહ્યા હતા.

જો કે તેઓ ફિટનેસ પ્રત્યે હમેંશા સજાગ રહેતા હતા. એટલું જ નહીં તેઓનું ડાયેટ પણ ફિક્સ રહેતું હતુ અને તેઓ નિયમીતપણે જીમમાં જતા હતા. શરાબ અને સિગરેટથી હંમેશા દૂર રહેનાર હિમાંશુ રોયને બ્લડ કેન્સર થયાનું જાણીને તેમના મિત્રવર્તૃળને પણ આંચકો લાગ્યો હતો.

આ કેસોમાં રહી મહત્વની ભૂમિકા

મહારાષ્ટ્રના એડીજી ઓફ પોલીસ અને એટીએસના પૂર્વ વડા હિમાંશુ રોયની ગણના નિડર અને કડક ઓફિસર તરીકે કરવામાં આવતી હતી. તેમણે અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરના ડ્રાઇવર આરિફ બેલ પર થયેલું ફાયરીંગ, પત્રકાર જે ડેનું હત્યા પ્રકરણ, લૈલા ખાન મર્ડર કેસ જેવા અનેક બહુ ગાજેલા કેસને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મુંબઇમાં ઘણા અતિ સંવેદનશીલ અને મહત્વના કેસનો ઉકેલ લાવવાનો શ્રેય રોયને ભાગે જાય છે.

આ ઉપરાંત હિમાંશુ રોયે આઇપીએલ સ્પોટ ફિક્સીંગ કેસમાં બિંદુ દારાસિંહની ધરપકડ કરી હતી. તેમણે વિજય પલાન્દેને સંડોવતા ડબલ મર્ડર કેસ, કાયદા સ્નાતક પલ્લવી પુર્ખયસ્તા કેસ ઉકેલવામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ એટીએસના વડા હતા ત્યારે રોયે અમેરિકન સ્કુલને ઉડાવી દેવાનુ ષડયંત્ર રચવા માટે સોફટવેર એન્જીનીયર અનિસ અન્સારીની ધરપકડ કરી હતી.

મળી હતી Z+ સુરક્ષા

હિમાંશુ રોયનું નામ દેશના એ ચુનંદા અધિકારીઓમાં સામેલ હતું જેઓને Z+ સિક્યોરીટી મળી હતી. હિમાંશુને આ સુરક્ષા મુંબઇ સીરિયલ બ્લાસ્ટ કેસ અને ઇન્ડિયન મુઝાહિદીનના ચીફ યાસીન ભટકલ અને દાઉદ ઇબ્રાહિમની સંપતિઓને જપ્ત કર્યા બાદ મળી હતી. આતંકવાદ સાથે સંકળાયેલા આ કેસોની તપાસ દરમ્યાન તેઓ સામે જીવનું જોખમ ઉભું થયું હતુ જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આવી હતી કારકિર્દી

અંડરવર્લ્ડમાં ખૌફનો પર્યાય બનેલા 1988 બેચના આઇપીએસ અધિકારી રોયે મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. IPS બન્યા બાદ તેઓના કેરીયરની શરૂઆત નાસીકથી થઇ હતી. જ્યાં તેઓ સૌથી યુવાનવયના SP બન્યા હતા. બાદમાં હિમાંશુ રોયે મુંબઇ જોઇન્ટ પોલીસ કમિશનર, એડીજી મહારાષ્ટ્ર અને ATS ચીફ જેવા મહત્વના હોદ્દા પર ફરજ બજાવી હતી.