મહારાષ્ટ્રના વિધાનસભ્યોના વિદેશપ્રવાસ સામે વિરોધ - Sandesh
  • Home
  • Mumbai
  • મહારાષ્ટ્રના વિધાનસભ્યોના વિદેશપ્રવાસ સામે વિરોધ

મહારાષ્ટ્રના વિધાનસભ્યોના વિદેશપ્રવાસ સામે વિરોધ

 | 1:31 am IST

। મુંબઈ ।

મહારાષ્ટ્રના નવ વિધાનસભ્યોનું એક પ્રતિનિધિ મંડળ (ડેલિગેશન) ત્રણ દેશો બ્રિટન (યુકે), નેધરલેન્ડસ અને ફ્રાંસની ટુર પર ગયું છે. આ ડેલિગેશનમાં મરાઠા અનામત આંદોલન સંદર્ભમાં આ વરસના આરંભમાં રાજીનામુ આપનાર એક ધારાસભ્ય પણ સામેલ છે. છેલ્લા દોઢ વરસમાં વિધાનસભ્યોની આ ત્રીજી વિદેશ યાત્રા છે. આ પ્રવાસો પાછળ રાજ્યના વિધાનમંડળે રૂ. ૭૫ લાખથી વધુનો ખર્ચ કર્યો હોવાનો અંદાજ મુકાય છે. ઉક્ત ૯ વિધાનસભ્યોના ડેલિગેશનની આગેવાની કોંગ્રેસના એમએલએ અને પબ્લિક એકાઉન્ટસ કમિટી (પીએસી)ના વડા ગોપાલદાસ અગરવાલે લીધી છે. ૪ સપ્ટેંબરે શરૂ થયેલી એમની ટુર ૧૨ સપ્ટેંબર સુધી ચાલશે.

મરાઠા આંદોલનના સમર્થનમાં જુલાઈમાં રાજીનામુ આપનાર રંગાબાદના કોંગ્રેસના વિધાનસભ્ય અબ્દુલ સત્તાર પણ ટુરમાં સામેલ છે. એમની સંગાથે કોંગ્રેસના ભાઉસાહેબ કાંબળે અને નીતેશ રાણે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના રાજેશ ટોપે, ભાજપના રાજેન્દ્ર પટણી અને શિવસેનાના સત્યજિત પાટીલ, શંભુરાજે દેસાઈ અને અજય ચૌધરી પણ છે. એમની સાથે વિધાનમંડળના બે ઓફિસરો પણ ગઈ છે. અગરવાલ અને સત્તાર જોડે તો એમની પત્નીઓ પણ છે. વિધાનસભાના સ્પીકરે સત્તારના રાજીનામા વિશે હજુ સુધી નિર્ણય લીધો નથી. ૧૦માંથી ૮ વિધાનસભ્યો મહારાષ્ટ્રની ધારાસભાની પીએસીના સભ્યો છે.

બુધવારે ડેલિગેશને લંડનમાં યુકેની આમ સભા અને ઉમરાવ સભાની મુલાકાત લઈ બંને ગૃહોના પ્રિસાઈડિંગ ઓફિસરો સાથે મિટિંગ યોજી હતી. ગુરુવારે ડેલિગેશન યુકેની સંસદની પીએસીના સભ્યોને પણ મળ્યું હતું. આગામી ચાર દિવસ દરમ્યાન ડેલિગેશન ફ્રાંસ અને નેધરલેન્ડસની પાર્લામેન્ટની પણ મુલાકાતે જશે.

છેલ્લાં ચાર વર્ષમાં અમે અબજો રૂપિયા બચાવ્યા છે : પીએસીના પ્રમુખ  

‘છેલ્લા ૫૮ વરસના પોતાના ઇતિહાસમાં મહારાષ્ટ્રની પીએસી પહેલી વાર કોઈ બીજા દેશમાં ગઈ છે,’ એમ જણાવતા પીએસીના વડા અગરવાલે એવો દાવો કર્યો હતો કે છેલ્લા ચાર વર્ષમાં પીએસીએ હજારો કરોડ રૂપિયા બચાવ્યા છે. બે દેશોના સંસદીય પ્રતિનિધિમંડળ અને સિસ્ટમ્સ વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન અમને સિસ્ટમને અપગ્રેડ કરવામાં અને વિકાસમાં મદદરૂપ થાય છે.   રાજ્યના નાણાં ખાતાના એક અધિકારીના જણાવવા મુજબ વિદેશયાત્રાનું સંકલન કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિયેશન (સીપીએ) દ્વારા થાય છે. રાજ્ય સરકાર બજેટમાં આ પાર્લામેન્ટરી બોડીને ભંડોળ ફાળવે છે. ‘વિદેશ પ્રવાસનો વ્યક્તિદીઠ ખર્ચ રૂ. ૩.૭૫ લાખ થાય છે, જેમાંથી એક તૃતીયાંશ ખર્ચ વિધાનસભ્યો ભોગવે છે. એનો અર્થ એવો થયો કે સીપીએ ૩ દેશોની ટુર પર આશરે રૂ. ૨૫ લાખનો ખર્ચ કરશે. અગાઉના બે વિદેશ પ્રવાસ પર એણે આટલી જ રકમ ખર્ચી હતી,’ એવી માહિતી અધિકારીએ આપી હતી. વિધાનમંડળના અધિકારીઓનો સંપૂર્ણ ખર્ચ પણ સીપીએ ઉઠાવે છે. જ્યારે વિધાનસભ્યો પોતાની પત્નીઓના પ્રવાસનો ખર્ચ ભોગવે છે.

વિધાનસભ્યો અભ્યાસ માટે નહિ, આનંદ-પ્રમોદ માટે વિદેશ પ્રવાસે જાય છે  

કરદાતાઓના પૈસે વિધાનસભ્યોના આવા વિદેશ પ્રવાસો યોજવા સામે પ્રશ્નો કરાઈ રહ્યા છે. ‘લોક પ્રતિનિધિઓ રાજ્યના ભલા માટે નહિ પણ પોતાના આનંદ-પ્રમોદ માટે આવી ટુર્સ પાછળ કરદાતાઓના પૈસા વાપરે છે. તેઓ એમ માને છે કે અમે કોઈને જવાબ દેવા બંધાયેલા નથી,’ એમ જણાવતા અગ્નિ નામની જાણીતી એનજીઓના કો-ઓર્ડિનેટર જેમ્સ જોહને એવી ટીપ્પણ કરી હતી કે પ્રશ્ન એ છે કે વિધાનસભ્યોમાં એટલી સમજ કે ક્ષમતા છે ખરી કે તેઓ રાજ્યના વિકાસ કે નીતિ ઘડતરમાં કોઈ ફાળો આપી શકે?

;