Petrol Prices Reaches Near 90 Rupees In Maharashtra Parbhani Amid Protest
  • Home
  • India
  • ભારત બંધ વચ્ચે દેશના આ ભાગમાં પેટ્રોલ અધધ 90 રૂપિયે પહોંચ્યું

ભારત બંધ વચ્ચે દેશના આ ભાગમાં પેટ્રોલ અધધ 90 રૂપિયે પહોંચ્યું

 | 3:23 pm IST

દેશભરમાં વિરોધ પક્ષોએ ભલે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઈને ભારત બંધનું એલાન કર્યું હોય, પરંતુ મોંઘવારી પર તેની અસર જોવા મળતી નથી. બંધ વચ્ચે પણ આજે ઈંધણ તેલની કિંમતોમાં વધારો તો યથાવત જ રહ્યો છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 80 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે પણ દેશમાં એક જગ્યા એવી પણ છે કે જ્યાં પેટ્રોલના લિટરના ભાવ 90 રૂપિયા થઈ ગયાં છે.

મહારાષ્ટ્રના પરભણી જીલ્લામાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 89.97 રૂપિયા પહોંચી ગઈ છે. પેટ્રોલની કિંમતોને લઈને પરભજી જીલ્લા પેટ્રોલ ડિલર્સ એસોશિએશનના પ્રેસિડેંટ સંજય દેશમુખે કહ્યું છે કે, અહીં પેટ્રોલના ભાવ સોમવારે 90 રૂપિયાના મનોવૈજ્ઞાનિક સ્તરની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે ડીઝલ 77.92 રૂપિયા પ્રતિ લીટર છે. પરભણી સિવાય પણ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પેટ્રોલ 88 અને ડીઝલ 76 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. ઓલ ઈન્ડિયા પેટ્રોલ ડિલર્સ એસોસિએશનના પ્રવક્તા અલી દારૂવાલાએ આ જાણકારી આપી હતી.

દેશમાં રાજાની કુંવરી માફક વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો રસ્તાઓ પર છે. આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ એક પેટ્રોલ પંપ પર તોડફોડ મચાવી દીધી છે.

ભારત બંધને આ દળોનું છે સમર્થન

ભારત બંધને કોંગ્રેસ ઉપરાંત એનસીપી, સમાજવાદી પાર્ટી, આરજેડી, એસપી, બીએસપી, જેડીએસ, આરપીઆઈ (જી), લેફ્ટ પાર્ટીઓ, સ્વાભિમાન શેતકારી સંગઠન સહિત પીપલ્સ રિપબ્લિકન પાર્ટી જેવા સંગઠનોનું સમર્થન પ્રાપ્ત છે.