દસમીની પરીક્ષા માટે આ ટાઈમ સુધીમાં પહોંચવું ફરજિયાત, જાણો કયો - Sandesh
  • Home
  • India
  • દસમીની પરીક્ષા માટે આ ટાઈમ સુધીમાં પહોંચવું ફરજિયાત, જાણો કયો

દસમીની પરીક્ષા માટે આ ટાઈમ સુધીમાં પહોંચવું ફરજિયાત, જાણો કયો

 | 6:50 pm IST

રાજ્યમાં 1લી માર્ચથી દસમીની પરીક્ષા શરૂ થવાની છે. આ પરીક્ષાઓ 24 માર્ચ સુધી ચાલશે. પુણે, નાગપુર, ઔરંગાબાદ, મુંબઈ, કોલ્હાપુર, અમરાવતી, નાશિક, લાતૂર અને કોંકણના નવ વિભાગીય મંડળો દ્વારા આ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળના અધ્યક્ષા શકુંતલા કાળેએ પત્રકાર પરિષદ યોજીને ઉપરોક્ત માહિતી આપી હતી. બારમીની પરીક્ષાની જેમ જ દસમીની પરીક્ષા માટે પણ વિદ્યાર્થીઓએ સાડા દસ સુધી પરીક્ષા કેન્દ્રો પર પહોંચવું જરૂરી રહેશે.

ઉત્તર પત્રિકા અને પુરવણીઓની અદલાબદલી ન થાય તે માટે તેના પર બારકોડ લગાડવામાં આવશે. ઉત્તર પત્રિકા પર તો અગાઉ પણ બારકોડ હતા પણ આ વર્ષે પુરવણીઓ પર લગાડવામાં આવશે.

આ વર્ષે દસમીની પરીક્ષા આપનારાઓ કુલ 17 લાખ 51 હજાર 353 છાત્રોમાંથી 9 લાખ 73 હજાર વિદ્યાર્થીઓ છે જ્યારે 7 લાખ 78 હજાર 219 વિધાર્થિનીઓ છે. આમાંથી 16 લાખ ૩7 હજાર 783 નિયમિત વિદ્યાર્થીઓ, 67 હજાર 563 ફરીથી પરીક્ષા આપનારા અને 46 હજાર 7 અન્ય (ખાનગી શ્રેણી સુધાર યોજના અંતર્ગત અને વિશેષ વિષય પસંદ કરનારા સહિત) છે.

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે દસમીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. સંપૂર્ણ રાજ્યમાં 4 હજાર 657 પરીક્ષા કેન્દ્રો છે. દસમીની પરીક્ષા માટે રાજ્યએ 252 ફ્લાઈંગ સ્કવોડની નિમણૂક કરી છે.

ઉપરાંત પેપર સોશિયલ મીડિયા પર વાઈરલ ન થાય તે માટે મોબાઈલ જામર બેસાડવાના વિકલ્પ વિશે પણ વિચારવામાં આવી રહ્યું હોવાનું શકુંતલા કાળેએ જણાવ્યું હતું. મોબાઈલ જામર બેસાડવાથી આજુબાજુના વિસ્તારોના નેટવર્ક પર અસર પડવાની શક્યતાના કારણે તે નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

સોલાપુર જિલ્લાના બાર્શી તાલુકામાં તાંબેવાડી આશ્રમ શાળામાં પેપર વાઈરલ પ્રકરણની ચકાસણીનો અહેવાલ તુરંતમાં આવવાની અપેક્ષા છે અને તેમ નહિ થાય તો સાઈબર ગુનો દાખલ કરવાની ચેતવણી તેમણે ઉચ્ચારી હતી.