મહારાષ્ટ્ર બંધની ગુજરાતમાં ઇફેક્ટ, ધોરાજી હાઈવે પર એસટી બસને આગ - Sandesh
NIFTY 11,244.70 -101.50  |  SENSEX 37,165.16 +-356.46  |  USD 68.7000 +0.27
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મહારાષ્ટ્ર બંધની ગુજરાતમાં ઇફેક્ટ, ધોરાજી હાઈવે પર એસટી બસને આગ

મહારાષ્ટ્ર બંધની ગુજરાતમાં ઇફેક્ટ, ધોરાજી હાઈવે પર એસટી બસને આગ

 | 10:35 pm IST

ધોરાજી ઉપલેટા હાઈવે પર ભૂખી ચોકડી નજીક રાત્રે સાડા આઠ વાગ્યા આસપાસ કેટલાક અજાણ્યા શખસોએ રાજકોટ ઉપલેટા રૂટની એસટી બસને આગ ચાંપતા શહેરભરમાં ચકચાર સાથે ભયની લાગણી પ્રસરી ગઈ હતી. આ બનાવને પગલે પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ સાથે અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ અંગે પોલીસમાંથી મળતી વિગતો પ્રમાણે આજે રાત્રે સવા આઠ વાગ્યાથી સાડા આઠ વાગ્યા દરમિયાન ધોરાજીથી ઉપલેટા જતી ઉપલેટા ડેપોની લોકલ બસ ધોરાજી ડેપોએથી નીકળી ઉપલેટા તરફ જઈ રહી હતી. આ બસ ધોરાજી ઉપલેટા હાઈવે પર ભુખી ચોકડીએ પહોંચી ત્યારે કોઈ અજાણ્યા શખસોએ બસ થોભાવી હતી અને બસના ચાલક, કંડકટર તથા મુસાફરોને નીચે ઉતરી જવા જણાવતા તમામ નીચે ઉતરી ગયા હતા. બાદમાં અજાણ્યા શખસોએ બસ પર પથ્થરમારો કરી બસમાં જવલનશીલ પદાર્થ છાંટી બસ સળગાવી નાખી હતી અને અજાણ્યા શખસો ભાગી ગયા હતા.

બનાવ અંગે જાણ થતા ધોરાજીના ડે.કલેકટર, ધોરાજી મામલતદાર, સીપીઆઈ કે.આર.રાવત, પીઆઈ વી.એમ. ભોરણીયા સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ધોરાજી પાલિકા ફાયર બ્રિગેડને જાણ થતા બે ફાયર ફાઈટરો સાથે ટુકડી દોડી ગઈ હતી અને એસટી બસની આગ ઓલવવાની કોશિષ કરી હતી પણ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણ સળગી ગઈ હતી. એસટી બસને આગ લાગવાની ઘટના બાદ આ લખાય છે ત્યાં સુધી એસટીના કોઈ અધિકારીઓ ફરકયા નથી. બસના ચાલક અતુલભાઈ લુણાગરીયા તથા મહિલા કંડકટર ભાનુબેન ચાવડા ફરજ પર હોવાનું જાણવા મળે છે. જો કે બંનેને સંપર્ક કરવા કોશિષ કરાઈ હતી પણ તેમનો સંપર્ક થઈ શકયો નથી.

મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાવમાં લાગેલી મરાઠા, દલિત વચ્ચેની આગના તિખારા રાજકોટ તરફ પણ અંબાવા લાગ્યા છે. આજે બપોરે દલિતોએ એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ રાત્રે દલિત વિસ્તારમાં મુખ્યમાર્ગ પર ટાયરોને આગ લગાવાઈ હતી. પોલીસનો હથિયારધારી કાફલો દોડી ગયો હતો, જો કે દેખાવકારોએ પોલીસની હાજરીમાં દેખાવો ચાલુ રાખવા વધુ પોલીસ કુમક બોલાવાઈ હતી.

ભક્તિનગર પોલીસમથક વિસ્તાર હેઠળ આવતાં કોઠારીયારોડ દેવપરા ચોકથી આગળ આંબેડકરનગરની સામેના ભાગે મુખ્યમાર્ગ પર ટાયરો સળગ્યા હતા. પોલીસને જાણ થતાં મોબાઈલ દોડી ગઈ હતી પરંતુ ટોળા પાસે ખાસ કાંઈ ગજ વાગ્યો ન હતો. વધુ મોબાઈલો દોડી ગઈ હતી અને વાતાવરણ શાંત પાડવા માટેનો પ્રયાસ કરાયો હતો. ઘટનાના પગલે શહેરભરમાં દલિત વિસ્તારો તેમજ માર્ગો પર પેટ્રોલીંગ સધન બનાવી બંદોબસ્ત મુકાયો હતો.

ધોરાજી પ્રાંત અધિકારીને તપાસ સોંપાઈ
ધોરાજી નજીક ભૂખી ગામ પાસે તોફાની ટોળાએ બસને આગ ચાંપી દઈ નાસી છુટવા પ્રકરણે રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડેએ પ્રાંત અધિકારીને તપાસ માટે દોડાવની રિપોર્ટ માંગ્યો હતો. ધોરાજી પ્રાંત અધિકારી તપાસ માટે ઘટનાસ્થળે ગયા હતા અને સ્થળ રિપોર્ટ મોકલી આપ્યો હતો. દરમિયાન જિલ્લા પોલીસવડાને પણ ધોરાજી અને આસપાસના વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારવા માટે આદેશ કર્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, ઉક્ત બનાવને બાદ કરતા રાતે કોઈ અન્ય અનિચ્છનીય બનાવો જિલ્લામાં નોંઘાયા નથી.