મહાત્મા ગાંધીના ઉપવાસ : શસ્ત્ર અને શાસ્ત્ર - Sandesh
  • Home
  • Columnist
  • મહાત્મા ગાંધીના ઉપવાસ : શસ્ત્ર અને શાસ્ત્ર

મહાત્મા ગાંધીના ઉપવાસ : શસ્ત્ર અને શાસ્ત્ર

 | 12:38 am IST

ઘટના અને ઘટન : મણિલાલ એમ. પટેલ

ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસનું અનોખું મૂલ્ય છે. એમાંયે આ વર્ષે તો અધિક ને શ્રાવણ એમ બે મહિના ઉપવાસના આવ્યા. ઇસ્લામ ધર્મના રોજા ને જૈનોમાં પર્યુષણ એ પણ ઉપવાસ જ છે. જોકે બીજા ધર્મો કરતાં હિંદુ ધર્મમાં ઉપવાસ એ સાધના કરતાં જાણે વૈભવ જેવા બની ગયા છે. બિનઉપવાસમાં બનતી વાનગીઓ હવે ઉપવાસમાં ખાઈ શકાય તેવી બની રહી છે. ઉપવાસના દિવસે અલ્પાહારને બદલે અતિઆહાર થઈ જાય છે. આમ ધાર્મિક દૃષ્ટિએ કરાતા ઉપવાસ હવે માત્ર એક કર્મકાંડ બની ગયા છે, તો બીજા કોઈ માણસ કોઈ પોતાની વ્યક્તિગત કે જાહેર માગણીને લઈને ઉપવાસ કરે તે સત્યાગ્રહ સ્વરૂપના છે. આવા ઉપવાસ વ્યક્તિગત ને સામૂહિક તથા આમરણાંત અને પ્રતીક એમ બે પ્રકારના હોય છે. આંદોલનો કે લડતમાં પૂરતી સમજ કે પરિપક્વતા વિના કરાતા ઉપવાસનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે, તેમ તેમ ઉપવાસનું મૂલ્ય, મહત્ત્વ ને માહાત્મ્ય ઘટતું જાય છે. આંદોલનોના ભાગરૂપે થતા પ્રતીક ઉપવાસ તો ઘણી વાર ફારસ જેવા લાગે છે. ઉપવાસનાં સ્થળે ઠંડા પીણાની બોટલો અને ઉપવાસ પહેલાં છોલે ભટુરે ખાવાની ઘટનાઓ ઉપવાસ જેવાં અમોઘ શાસ્ત્ર ને શસ્ત્રને બુઠ્ઠું બનાવી દે છે. ઉપવાસ બાબતમાં દેશમાં બે વ્યક્તિઓને યાદ કરવા પડે. એક મહાત્મા ગાંધી ને બીજા મોરારજી દેસાઈ. ગાંધીજીનું ઉપવાસ શાસ્ત્ર સાવ અનોખું ને અદ્ભુત છે. મોરારજી દેસાઈ જાહેર હેતુસર લોકશાહી માટે ઉપવાસનો ઉપયોગ કરતા. તેઓ બંધ રૂમમાં એકલા ઉપવાસ કરે તોય તેમના વિરોધીઓ તેમના ઉપવાસ અંગે લેશમાત્ર શંકા કરી શકતા નહીં. એમના ઉપવાસ તેમને ધ્યેય સુધી લઈ જતા. તેમના ઉપવાસ ચોક્કસ પરિણામમાં પરિણમતા હતા.

ગાંધીજીના ઉપવાસ કોઈ આંદોલનના ભાગરૂપ કરતા ઈશ્વરના આદેશ અનુસાર આત્મશુદ્ધિ માટેના હતા. જેમણે અસ્પૃશ્યતાનિવારણ અને કોમી એકતા માટે જિંદગીમાં અનેક વાર ઉપવાસ કર્યા છે. ૧૯૨૦માં નવજીવનમાં ગાંધીજી લખે છે કે, ”શુદ્ધ ઉપવાસથી શરીર, મન અને આત્માની શુદ્ધિ થાય છે. ઉપવાસથી દેહને કષ્ટ થાય છે એટલે દરજ્જે આત્મા મુક્ત થાય છે.” ૧૯૨૪માં ગાંધીજીએ નવજીવનમાં લખ્યું છે કે, ”ઉપવાસ તો સ્નેહી સામે આદરી શકાય અને તે પણ કોઈ હકો મેળવવાને નહીં પણ તેને સુધારવા માટે.” યંગ ઈન્ડિયા અને નવજીવનમાં ગાંધીજીએ નોંધ્યું છે કે, ”મારો ધર્મ મને શીખવે છે કે, ન ટાળી શકાય એવું દુઃખ આવી પડે અને અસહ્ય મૂંઝવણ થાય ત્યારે ઉપવાસ કરવો ને પ્રાર્થના કરવી.”

ગાંધીજીએ કેટલીક વાર ઉપવાસ કેટલા દિવસ કરવા તે પણ અગાઉથી જાહેર કર્યું છે. ૧૯૨૪માં દિલ્હીમાં કોમી એકતા માટેના ઉપવાસમાં તેમણે ૨૧ દિવસના ઉપવાસની જાહેરાત કરી છે અને ઉપવાસમાં પાણી ને મીઠું લેવાની છૂટ રાખી છે, તેવું પણ નોંધ્યું છે અને કહ્યું છે કે આ ઉપવાસ પ્રાયશ્ચિતતરૂપે પણ છે અને પ્રાર્થનારૂપે પણ છે. ઉપવાસ પડતા મૂકવા અંગે આવેલા પત્ર અનુરોધ-અપીલના સંદર્ભમાં ગાંધીજી કહે છે કે, ઉપવાસ પડતો મૂકું એનો અર્થ અંતરની સાચામાં સાચી માન્યતાઓ છોડી દેવી એવો થાય. આ વાત તેમણે કોમી એકતાના ઉપવાસના સંદર્ભમાં કરી હતી. એક મિત્રે ઉપવાસ છૂટયા બાદ ગાંધીજીને લખ્યું કે હવે કૃપા કરીને આવી પ્રતિજ્ઞા કદી ન લશો, કેમ કે થોડીઘણી દુષ્ટતા તો દુનિયામાં રહેવાની જ. પત્રના પ્રત્યુત્તરમાં ગાંધીજી લખે છે કે, હું કદી એવું માનતો નથી કે દુનિયાની દુષ્ટતા ટાળવાનું મારું સામર્થ્ય છે. ઉપવાસ મનને શુદ્ધ કરવા કરેલો, એટલું પ્રાયશ્ચિતત કરવું એ મારું ધર્મકૃત્ય હતું. ફળ ઈશ્વરાધીન છે. તેમણે બાહ્યદર્શન માટે આંખની જરૂર છે તેટલી આંતરદર્શન માટે ઉપવાસની જરૂર હોવાનું કહ્યું છે. ઉપવાસનં શાસ્ત્ર સમજાવતાં ગાંધીજી લખે છે કે, ઉપવાસ જો અહિંસાની ભાવનાથી તરબોળ હોય અને ધ્યેયને વિશે લેશમાત્ર પણ સ્વાર્થની ભાવના ન હોય તો એ અહિંસક પદ્ધતિના મેરુ સમાન છે. આમ ગાંધીજીએ અહિંસક અને નિઃસ્વાર્થ ભાવે ઉપવાસની હિમાયત કરી છે.

૧૯૩૨માં પોતાના ઉપવાસ ટાણે સહાનુભૂતિ માટે થતાં ઉપવાસના સંદર્ભમાં ગાંધીજીએ કહ્યું છે કે, કોઈ સહાનુભૂતિમાં ઉપવાસ ન કરે. મેં ઈશ્વરના આદેશથી ઉપવાસ આદર્યા છે, એટલે આ લોકોને એવો ચોક્કસ આદેશ ન મળ્યો હોય તો તેમને ઉપવાસ કરવાનું કશું કારણ નથી. આત્મશુદ્ધિ અથવા કાર્યની એકતા દર્શાવવા અર્થે એક દિવસનો ઉપવાસ કરાય તે ઠીક છે પણ એટલું જ બસ હોવું જોઈએ. ઉપવાસ જેમ કર્તવ્ય છે તેમ અધિકાર પણ છે અને એ અધિકાર એને જ પ્રાપ્ત થાય છે જેણે યમ-નિયમનવાળાં જીવનથી એ માટેની લાયકાત કેળવી હોય. ઉપવાસ દરમિયાન પણ ઉપવાસનો અધર્મ મને પ્રત્યક્ષ થાય તો વગર શરમે તત્ક્ષણ છોડી દઉં. આ જગતમાં મને શરમ છે, અસત્ય વિચારવા, બોલવા કે સાચવવાની.

ઉપવાસનો પ્રત્યેક દિવસ તેમાં ઈશ્વરનો હાથ હોવાનો અચૂક પુરાવો મને પૂરો પાડે છે. કરોડો માણસ જેમણે મને જોયો પણ ન હોય અથવા સાંભળ્યો પણ ન હોય. એમના પર મારાં કૃત્યની કે વચનની અસર પડે ત્યારે મારે માનવું જોઈએ કે ઈશ્વર મારી મારફતે કામ કરાવી રહ્યો છે.

ગાંધીજી માનતા કે ઉપવાસની પાછળ દબાણ નહીં પ્રેમ હોવો જોઈએ. ઉપવાસ વગરની પ્રાર્થના હોઈ જ ન શકે તેમ પ્રાર્થના વગરનો સાચો ઉપવાસ ન હોઈ શકે. ગાંધીજી કહેતા અને માનતા કે હું ઉપવાસ ઈશ્વરેચ્છાને આધીન કરું છું. પછી એને મંજૂર રાખનાર કોઈ માનવસાથી હોય કે ન હોય. જ્યારે ઈશ્વરપ્રેરણાથી એ અધિકાર પ્રાપ્ત થાય છે ત્યારે એનું બળ પ્રચંડ હોય છે.

ગાંધીજીએ માત્ર અન્નત્યાગને ઉપવાસ નથી ગણાવ્યો. તેમણે કહ્યું છે કે, અન્નત્યાગ એ ઉપવાસનું અનિવાર્ય અંગ છે પણ સૌથી મોટું અંગ નથી. સૌથી મોટું અંગ તો પ્રાર્થના – ઈશ્વર સાથેનું સાંનિધ્ય છે જે અન્ન કરતાંય વધુ ગરજ સારે છે. ગાંધીજીએ પોતાના ઉપવાસને રમૂજ ખાતર કે કીર્તિ મેળવવાની લાલસાથી દેહદમન કરવા માટેના ગણાવ્યા નથી. ઉપવાસ દૈવીશક્તિ કરાવે છે અને કષ્ટ સહન કરવાનું બળ પણ દૈવીશક્તિ આપે છે.

૧૯૪૦માં હરિજનબંધુમાં ગાંધીજીએ લખ્યું છે કે, ઉપવાસમાં સ્વાર્થ, રોષ, અવિશ્વાસ અને અધીરાઈનો પ્રવેશ ન થવો જોઈએ. ઉપવાસમાં અખૂટ ધૈર્ય, દૃઢતા, એકાગ્રતા અને શાંતિ હોવાં જોઈએ. આમરણાંત ઉપવાસ અંગે ગાંધીજીએ ૧૯૪૨માં હરિજનબંધુમાં લખ્યું છે કે, આમરણાંત ઉપવાસ એ સત્યાગ્રહના કાર્યક્રમનું એક અત્યંત મહત્ત્વનું અંગ છે. અમુક સંજોગોમાં તે સત્યાગ્રહનું સૌથી મહાન અને રામબાણ શસ્ત્ર છે પણ યોગ્ય તાલીમ પામ્યા વિના આવી જાતનો ઉપવાસ આદરવાને માટે દરેક જણ પાત્ર નથી.

ગાંધીજી કહેતા કે, હું શોષણ, અન્યાય અને જૂઠ નાશ પામે એમ ઇચ્છું છું. જો એમનો નાશ કરવામાં આવે તો ઉપવાસની જરૂર જ ન રહે. ઉપવાસ કેવળ દેખાવને ખાતર અથવા ત્રાસ ઉપજાવવાને ખાતર કરવામાં આવે તો કેવળ પાપકર્મ જ ગણાય, એટલે પોતાની જ ઉપર અસર કરવા સારુ પ્રાયશ્ચિતતરૂપે થયેલો પ્રાર્થનાયુક્ત ઉપવાસ જ ઉપવાસ ગણાય. ઉપવાસ એ આત્માની શુદ્ધિ માટેનો શ્રેષ્ઠ રસ્તો છે.

ગાંધીજીએ અનેક પ્રકારનાં આરોગ્ય માટે પણ ઉપવાસની હિમાયત કરી છે અને અલ્પાહારને નિત્ય ઉપવાસ સમો ગણાવ્યો છે.

ટૂંકમાં ગાંધીજીના ઉપવાસ-શાસ્ત્રના પાયામાં ઈશ્વરનો આદેશ, આત્મશુદ્ધિ ને પ્રાયશ્ચિતત હતાં.

(નોંધ : ગાંધીજીના ઉપવાસના વિચારો સમયાંતરે તેમણે લખેલા પત્રો, હરિજનબંધુ ને નવજીવનમાં લખેલા લેખો જે નવજીવનના વિવિધ અક્ષરદેહના ભાગમાં પ્રસિદ્ધ થાય છે તેમાંથી લીધેલા છે).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન