આ વર્ષની મકરસંક્રાંતિ છે અત્યંત ખાસ, સૂર્ય પૂજા કરશે દરેક મનોકામના પૂર્ણ - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7425 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આ વર્ષની મકરસંક્રાંતિ છે અત્યંત ખાસ, સૂર્ય પૂજા કરશે દરેક મનોકામના પૂર્ણ

આ વર્ષની મકરસંક્રાંતિ છે અત્યંત ખાસ, સૂર્ય પૂજા કરશે દરેક મનોકામના પૂર્ણ

 | 11:20 am IST

સુર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય એ દિવસને મકરસંક્રાંતિ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કમુરતાનો કાળ પણ પૂર્ણ થાય છે. આ પર્વ ગ્રામ્ય લોકોમાં ખીયર તરીકે પણ ઓળખાય છે. ગામડાઓમાં આ પર્વે ગાયને ઘાસ તથા ઘઉંના ફાડાનો ખીચડો ખવડાવવામાં આવે છે. આ સાથે જ ગરીબોને અનાજ, ગોળ, મમરા, દાળિયા, તલના લાડુ, ચીકી, શેરડી ઉપરાંત રોકડ રકમનું દાન કરવામાં આવે છે.

ગુજરાતભરમાં મકરસંક્રાંતિ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે, ત્યારે દરેક શહેરની મુખ્ય બજાર પતંગ, ફિરકી, માંજા સહીતની વસ્તુઓથી ભરચક જોવા મળે છે. પતંગના દોરની વિવિધ વેરાયટી સાથે જુદી જુદી જાતની રંગબેરંગી ચિત્રોવાળી પતંગોનું વેચાણનો ધમધમાટ છે. આ સાથે જ બજારમાં ગોળ, મમરા, શીંગ, દાળિયા, તલની ચીકી તથા લાડુડીની છેલ્લી ઘડીની ખરીદી શરૂ થઈ ગઈ છે. લોકો પોતાની અગાસીઓ પર સવારથી પહોંચી જવા માટે આજથી જ તૈયારીઓ પણ કરવા લાગ્યા હશે. મકરસંક્રાતિ પતંગરસીયાઓ માટે તો ખાસ હશે જ પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ પણ આ વર્ષની સંક્રાંતિ ખાસ હશે.

આ વર્ષે મકરસક્રાન્તિ પર્વ રવિવારે હોવાથી તેનું મહત્વ પણ વધી જાય છે. આવતી કાલે સૂર્યદેવનો જ વાર હોવાથી આ દિવસ ખાસ બની જાય છે. આ દિવસે કરેલું દાન અને પૂજા પાઠ અનેકગણુ ફળ આપનાર હશે. મકરસંક્રાંતિના પુણ્યકાળમાં પવિત્ર નદીમાં સ્નાન કરી પિતૃ શાંતિ માટે દાન કરવાથી લાભ થશે. તીર્થસ્થળ પર ન જઈ શકે તેણે આવતી કાલે સ્નાન કરવાના પાણીમાં તલ ઉમેરીને તેનો ઉપયોગ કરવો.

મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદય પહેલા પથારીનો ત્યાગ કરી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી સૂર્ય દેવને જળ ચઢાવવું. આ જળમાં કંકુ, ચોખા, તલ અને લાલ રંગનું ફુલ અચૂક પધરાવવું. સૂર્યને અર્ધ્ય ચઢાવતી વખતે “ऊं घृणि सूर्याय नम:” મંત્રનો જાપ કરવો. મકરસંક્રાંતિ પર સૂર્ય પૂજા કરનાર સુખ-શાંતિ પામે છે. તો આપ પણ બનાવો આવતી કાલના દિવસને મંગળમય.