make-marriage-success-successful tray this trick and see result
  • Home
  • Featured
  • આ વસ્તુઓ અપનાવી લગ્નજીવનને ભરી દો તાજગીથી

આ વસ્તુઓ અપનાવી લગ્નજીવનને ભરી દો તાજગીથી

 | 7:00 am IST

લગ્ન જીવનમાં પતિ અને પત્નીએ કેટલાંક પ્રકારની ફરજો નિભાવવાની હોય છે. જો આ ફરજો સારી રીતે પૂરી ના થાય તો બંને પક્ષને અસંતોષ રહે છે જે આગળ જતાં ગંભીર પ્રકારના પરિણામો લાવી શકે છે. બંનેની જરૂરિયાતો ભિન્ન પ્રકારની હોય છે. જેને પૂરી કરવી બંનેની જવાબદારી છે.

પુરુષની જરૂરિયાત

૧. સેક્સ (મૈથુન)

૨. ખુશનુમા સંગત

૩. આકર્ષક સાથી

૪. ઘરલું- સહયોગ

૫. પ્રશંસા.

સ્ત્રીની જરૂરિયાત

૧. પ્રેમ

૨. વાતચીત

૩. પ્રમાણિક્તા- નિખાલસતા

૪. નાણાકીય ટેકો

૫. કુટુંબ-નિષ્ઠા

જો આ દસ પ્રકારની જરૂરિયાતો સંતોષાય તો લગ્નજીવન સંતુષ્ટ અને સલામત રહે છે. આ જરૂરિયાતો પૂરી કરવા ઇચ્છા ધરાવતા યુગલોએ કેટલીક સમજ અને પદ્ધતિ જાણવી જરૂરી છે. લગ્નજીવનને સફળ બનાવવા આટલું જાણો.

સેક્સ

જ્યારે કોઇ સ્ત્રી લગ્ન કરે છે ત્યારે તેમાં એક વણ લખ્યો નિયમ હોય છે કે તે તેના પતિની જાતીય ઇચ્છાઓને સારી રીતે સંતોષશે. પતિને જ્યારે તેની જરૂર હશે ત્યારે તે તેની સાથે હશે. પત્ની જ્યારે પોતાની આ ફરજમાં ઢીલી પડે છે ત્યારે પુરુષ લગ્નેતર સંબંધ તરફ ખેંચાય છે. બહુ ઓછા પુરુષો એવા હોય છે કે જેઓ પત્નીની આ રીતને ચલાવી લે છે. જે પત્નીઓ પોતાના પતિને પોતાના આકર્ષણમાં જકડી રાખે છે તેઓના પતિ જ્વલ્લેજ બીજી સ્ત્રીઓ તરફ ખેંચાય છે. પત્નીને ક્યારેય પતિની જાતીય- ઇચ્છા તરફ બેદરકાર ના બનવું જોઇએ.

પ્રેમ

સ્ત્રીઓ પતિના પ્રેમની ઇચ્છુક હોય છે. સ્ત્રીઓ માટે પતિનો પ્રેમ ખૂબ મહત્ત્વ ધરાવે છે. આ પ્રકારનો પ્રેમ સ્ત્રીને સુરક્ષિતતા, રક્ષણ, નિશ્ચિંતપણું તેમજ સહમતી આપે છે. પુરુષ પોતાની પત્નીને ભેટીને, હાથ પકડીને, મીઠા શબ્દો બોલીને, ફૂલો આપીને, તેને ગમતી ભેટ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે છે. જો પુરુષ આમાંનું કશું ના કરે તો સ્ત્રી અસુરક્ષતાનો અનુભવ કરે છે.

વાતચીત

સ્ત્રીઓ વાતચીતની શોખીન હોય છે. સ્ત્રીઓને જો કોઇ વાત કરનાર ના મળે તો તેઓ બીજા લોકો સાથે વાત કરવા પ્રેરાય છે. તેઓનું આવું બોલકણાપણું બીજા પુરુષોને તેના તરફ ખેંચે છે જેથી ઘણી ગેરસમજો થઈ શકે છે. સંવનનકાળ દરમિયાન પતિ જે રીતે તેની સાથે વાત કરતો હતો તે જ રીતે લગ્ન પછી પણ તેણે વાત કરવાનું ચાલુ રાખવું જોઈએ. દરેક પુરુષે અઠવાડિયાના પંદરેક કલાક પોતાની પત્ની સાથે પસાર કરવા માટે ફળવવા જરૂરી છે. ટી.વી. જોતી વખતે કે છાપું વાંચતી વખતે થતી વાતચીતનો આમાં સમાવેશ નથી થતો. વાતચીત દમદાર તેમજ અર્થપૂર્ણ હોવી જોઈએ.

વિનોદી વૃત્તિ

પુરુષોને હસમુખા તેમજ વિનોદી સ્વભાવની સ્ત્રીઓ ગમે છે જે તેઓને હંમેશાં ખુશ રાખી શકે. સંવનનકાળ દરમિયાન સ્ત્રી જે રીતે પોતાના ભાવિ પતિને દરેક કામમાં સાથ આપતી હોય છે તે જ રીતે લગ્ન પછી પણ તેણે પતિને સાથ આપવો જોઈએ. જે રીતે લગ્ન પહેલાં તેઓ દરેક સ્થળે સાથે જતા હતા તે જ રીતે લગ્ન પછી પણ બંનેએ કરવું જોઈએ.

પ્રમાણિક્તા-નિખાલસતા

આ બંને ગુણો પત્નીને સુરક્ષાનો અનુભવ કરાવે છે. પત્નીને સુરક્ષા- સલામતીનો અનુભવ કરાવવા પતિએ પોતાના વિચારો, ભાવો, ઈચ્છાઓ, અભિપ્રાયો ખુલ્લાં મનથી દર્શાવવા જોઈએે. આ પ્રકારની વાતચીત જો ના થાય તો પતિ-પત્ની વચ્ચે અંતર પડતું જાય છે. જો આમ ના થાય તો પત્ની કોઈક બીજા બોલકણાં પુરુષ તરફ આકર્ષાઈ શકે છે. પત્નીને જો પતિના મન વિશે સતત જાણકારી નહીં મળતી રહે તો તે પોતાના પતિમાં શ્રદ્ધા ગુમાવી બેસે છે. તેથી પત્ની સાથે સતત સંપર્કમાં રહો.

આકર્ષક વ્યક્તિત્વ

પુરુષોને હંમેશાં આકર્ષક દેખાતી સ્ત્રીઓ ગમતી હોય છે. સંવનનકાળ દરમિયાન તમે જેટલા આકર્ષક દેખાતા હતા તે દેખાવને લગ્ન બાદ પણ જાળવી રાખો. તમારા વજનને વધવા ના દેશો. વસ્ત્રો વગેરેની પસંદગી એવી કરો કે તમારું વ્યક્તિત્વ આકર્ષક રહે. શારીરિક સ્વચ્છતા, મેકઅપ, હેરસ્ટાઈલ વગેરે બાબતમાં કાળજી રાખો. આકર્ષક દેખાતી પત્ની પોતાના પતિને કાયમ માટે પોતાના પ્રેમપાશમાં બાંધી શકે છે.

નાણાકીય બળ

પુરુષે પોતાની પત્નીની ઈચ્છાઓને સંતોષી શકે તેટલું કમાવંુ જરૂરી છે. આ એક વાસ્તવિકતા છે. બહુ ઓછી સ્ત્રીઓ એવી હોય છે જે પોતાની મર્યાદિત આવકમાં પણ ખુશ અને સંતુષ્ટ રહે. પતિની આવક સંતોષ આપે તેવી ના હોય તો પત્ની બીજાં તવંગર પુરુષ તરફ આકર્ષાઈ શકે છે.

ઘરેલુ સહયોગ

આધુનિક સમયમાં પણ ઘરની મોટાભાગની જવાબદારીઓ સ્ત્રી જ સંભાળતી હોય છે. રસોઈ, કપડાં, ધોવા વાસણની સફઈ, ઘરની સફઈ ખરીદી, બાળ ઉછેર વગેરે કામો સ્ત્રી પોતાની જવાબદારી સમજીને સંભાળતી હોય છે. નોકરી કરતી સ્ત્રી નોકરોની મદદ લઈને આ કામ કરતી હોય છે. પુરુષ પણ ઈચ્છે છે કે તેની પત્ની ઘરની જવાબદારી લે. તેથી ઘરને સારી રીતે સંભાળતી પત્ની દરેક પુરુષને ગમે છે. તેમાં તેને પોતાના કુટુંબની સુરક્ષા લાગે છે.

કુટુંબ નિષ્ઠા

જે પુરુષ પોતાના કુટુંબને મહત્ત્વ આપે છે તે પુરુષ પોતાની પત્નીને સલામતી અને સુરક્ષા આપી શકે છે. બાળકના ઉછેર અને વિકાસમાં યોગદાન આપતો પુરુષ પોતાની પત્નીનું હૃદય જીતી શકે છે.

પ્રશંસા

પુરુષોને માન- સન્માન, કદર વગેરે ગમે છે. જે સ્ત્રી પોતાના પતિનું માન, ગૌરવ જાળવે છે તેમજ પતિની પ્રશંસા કરે છે તે સ્ત્રી પોતાના પતિના મનને જીતવામાં સફ્ળ રહે છે. પતિનો દેખાવ, વસ્ત્ર્રોનો રંગ, નોકરીમાં બઢતી, બુદ્ધિબળ વગેરેની પ્રશંસા પુરુષના આત્મવિશ્વાસને પોષે છે. રોજ તમારા પતિ પ્રસન્ન થાય તેવી કોઈ પ્રશંસા કરો.

લગ્નને સફ્ળ અને સલામત બનાવવા ઉપર દર્શાવેલી બાબતો પર્યાપ્ત છે. પતિ- પત્ની બંને જો આ વાતને સમજે અને તેનો અમલ કરે તો તેઓ કાયમ માટે એકબીજાંના થઈને રહે તેમાં કોઈ સંદેહ નથી.

દાંપત્ય । વર્ષા રાજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન