કાગળની પ્લેટમાંથી બનાવો સરસ મજાનું માસ્ક - Sandesh
  • Home
  • Kids Corner
  • કાગળની પ્લેટમાંથી બનાવો સરસ મજાનું માસ્ક

કાગળની પ્લેટમાંથી બનાવો સરસ મજાનું માસ્ક

 | 12:05 am IST

દોસ્તો ઉતરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે અને તેની તૈયારી પણ શરૂ કરી દીધી હશે. પતંગ અને દોરી લેવાઈ ગયા હશે. તેમજ મમ્મીએ મસ્ત મજાની ચિક્કી બનાવવાનું  પણ શરૂ કરી દીધું હશે. તમારી ઉતરાયણની તૈયારીમાં થોડી મદદ કરીએ અને તમને બનાવતા શીખવીએ ઉતરાયણમાં પહેરવાનું મસ્તમજાનું માસ્ક. તો આ માટે સૌ પ્રથમ જોઈશે, કાગળની નાની ડીશ, સ્કેચપેન, કાતર, આઈસ્ક્રીમની ચમચી,નાનું ગુલાબી કાગળ, ગુંદર અને સુશોભનની વસ્તુઓ. સૌ પ્રથમ કાગળની પ્લેટ ઉપર ચિત્રમાં બતાવ્યા પ્રમાણે સ્કેચપેનની મદદથી ડીશના ઉપરના ભાગે વાદળી રંગ કરો અને નીચેના ભાગે બદામી રંગ કરો. હવે કાતરની મદદથી આંખના ભાગે બે ગોળ કાણા પાડો તે ભાગ પર પીળા રંગની સ્કેચપેનનો ઉપયોગ કરી ચશ્મા જેવી ડિઝાઈન બનાવો. ત્યારબાદ હોઠના ભાગે હોઠની ડીઝાઈન બનાવીને લાલ રંગ પૂરો. હવે એક ગુલાબી રંગનો કાગળ લો તેને ફૂલના આકારમાં નાના કાપો. તે ફૂલને ગુંદરની મદદથી વાદળી રંગવાળા ભાગ પર ચોટાડો અને તેની મધ્યમાં સ્કેચપેનની મદદથી કાળું ટપકું કરો. ત્યારબાદ એક આઈસ્ક્રીમની ચમચી લો તેને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ચોટાડો. જો તમારે આઈસ્ક્રીમની ચમચી ના ચોટાડવી હોય તો ડીશની બંને બાજું નાના કાણા પાડી દોરી ભરાવી શકો છો. તૈયાર છે ઉતરાયણમાં પહેરવાનું તમારૂ સરસ મજાનું માસ્ક. આ ઉપરાં તમે કાગળની ડીશ પર તમારૂ મનગમતું ડ્રોઈંગ કરીને તેના પર તમારી ઈચ્છા મુજબ સુશોભન કરી માસ્ક બનાવી શકો છો.