મલાલાનાં સંઘર્ષમય જીવન દ્વારા વિશ્વમાં શિક્ષણ ઝુંબેશ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • મલાલાનાં સંઘર્ષમય જીવન દ્વારા વિશ્વમાં શિક્ષણ ઝુંબેશ

મલાલાનાં સંઘર્ષમય જીવન દ્વારા વિશ્વમાં શિક્ષણ ઝુંબેશ

 | 3:25 am IST

અધ્યાપનના તીરેથી :-  પ્રા. મહેન્દ્ર જે. પરમાર

આવતીકાલે ૧૨ જુલાઈનો દિવસ ‘મલાલા ડે’ તરીકે વિશ્વમાં ઊજવાશે તાલિબાની આતંકવાદના સતત ભયના ઓથાર હેઠળ મલાલાના સંઘર્ષમય જીવનની કહાણી વિશ્વની મહિલાઓને કેળવણી દ્વારા સશક્તિકરણ કરવાની દિશામાં મજબૂત પીઠબળ, અને પ્રેરણા પૂરી પાડે છે. એક બાળક, એક અધ્યાપક, એક કલમ અને એક પુસ્તક સમગ્ર વિશ્વને બદલી શકે છે. ૧૨ જુલાઈ ૧૯૯૭માં પાકિસ્તાનના સ્વાત ઘાટીમાં આવેલ મિંગોરા ગામમાં જન્મેલા મલાલા યુસુફઝઈ એ ઉચ્ચારેલ આ વિધાન આજે પણ વિશ્વ માટે પ્રેરણાસ્રોત બન્યું છે.

શિક્ષક પિતા જિઆઉદ્દીન અને માતા પેકેઇનના ધેર જન્મેલી મલાલાની શિક્ષણ માટેની તાલાવેલી અને પ્રતિબદ્ધતા વિશ્વ વિખ્યાત છે. યુસુફજઈ તેની પસ્તુન જાતિની અટક હતી. અફઘાનિસ્તાનમાં ખૂબ મોટી નાયિકા ‘મલાલાઈ’ પરથી તેનું નામ મલાલા પાડવામાં આવ્યું. ગરીબ પરિવારમાંથી આવતી મલાલાને બાળપણથી જ ભણી – ગણીને ડોક્ટર બનવું હતું. પણ વિધાતા એ કંઈક જુદું જ નિર્માણ કર્યું હતું. આજે તો દીકરીઓના શિક્ષણ માટે તાલિબાનો સામે લડનારી મલાલા વિશ્વની કરોડો દીકરીઓનાં શિક્ષણ માટે રોલ મોડલ છે.

સને ૨૦૦૭માં તાલિબાનોએ સ્વાત ખીણ પર કબજો જમાવી જાતજાતના પ્રતિબંધો લાદી દીધા. મુસ્લિમ છોકરીઓએ બુરખો પહેરવાનો ભણવા માટે મદરેસામાં જ જવું. ડ્રેસ પહેરવો નહીં. છોકરીઓને ભણવાનો અધિકાર નથી તેવું ફરમાન કરવામાં આવ્યું. મહિલાઓએ ઘરેથી એકલું નીકળવું નહીં, મલાલાને આ મંજૂર નહોતું. તે નાનપણથી ક્રાંતિકારી વિચારો ધરાવતી હતી. આઝાદપક્ષીની જેમ જીવન જીવી શકું. ભાઈઓની જેમ ગગનમાં ઊડી શકું. ગીત મધુરા ગાઈ શકું. ખીણમાં ઘૂમી શકું. આભમાં પતંગ ઉડાડી શકું. બુરખો પહેર્યા વગર સ્કૂલે જઈ શકું. એવા અનેક અરમાનો સાથે સોનેરી શમણાઓને સાકાર કરવા દૃઢનિશ્ચયી હતી.

મલાલાના આ વિચારોને શિક્ષક પિતા દ્વારા પ્રોત્સાહન મળતાં તાલિબાનો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો સામે તેણે મનોમન બંડ પોકારવાનો નિર્ધાર કર્યો. તાલિબાનોની આતંકવાદી પ્રવૃત્તિઓ સામે ૧૨ વર્ષની બાળા કેટલી ટક્કર ઝીલી શકે છતાં પરિવાર દ્વારા સતત પ્રેરણા અને હૂંફ મળવા લાગી. તાલિબાનોએ તમામ પ્રકારના માધ્યમો અને સંદેશા વ્યવહાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આથી ‘બીબીસી’, માં પોતાની ઓળખ છુપાવીને ‘ગુલમકઈ’ નામ ધારણ કરીને તાલિબાની કુશાસન અંગે બ્લોગ લખવાનું શરૂ કર્યું. તેનો બ્લોગ ર્ચિચત બન્યો. વિશ્વનું ધ્યાન તેના પર ખેંચાયું. ન્યૂયોર્ક ટાઈમ્સે તેના કાર્ય અંગે ટૂંકી ડોક્યુમેન્ટરી બનાવી. પરિણામે સ્વાત ખીણમાંથી તાલિબાનોને હટાવવાની પાકિસ્તાનને ફરજ પડી. સ્વાતમાં શાળાઓ પુનઃ ધબકતી થઈ. દીકરીઓનું શિક્ષણ શરૂ થયું. સને ૨૦૧૧ના રોજ મલાલા સ્કૂલ છૂટીને પોતાની ૨૦ સહાધ્યાયી અને ૩ અધ્યાપક બહેનો સાથે ખાનગી બસમાં પરત ફરી રહી હતી. પાકિસ્તાની તાલિબાનના વડા મુલ્લા ફઝલુલ્લાહના ફરમાન અનુસાર બસ પર હુમલો કરી રોકવામાં આવી.

બુરખાધારી આતંકવાદીએ બસમાં ચડી ત્રાડ નાંખતાં કહ્યું. ‘મલાલા કોણ છે?’ છોકરીઓ ચોંકી ગઈ પણ કોઈએ જવાબ આપ્યો નહીં. ફરી બૂમ પાડીને કહ્યું. આ દૃશ્ય જોતા મલાલાને થયું કે આ કાફિર નિર્દોષ બધાને મારી નાખશે. એકાએક પોતાની સીટ પર ઊભી થઈ અને કહ્યું કે, હું મલાલા છું. આતંકવાદીએ જોરથી ધમકીના સૂરમાં બોલ્યો. મુસ્લિમ છોકરીઓને ભણાવવાની મુહિમ છોડી દે. નહીં તો મારી નાંખીશ. મલાલાએ સહેજ પણ ભયભીત થયા વગર નીડરતાથી બુલંદ અવાજે ઘોષણા કરી. દરેકને ભણવાનો સ્વતંત્ર અધિકાર છે. કોઈ કોઈને રોકી નહીં શકે. આ વાત સાંભળતાં જ આતંકવાદીએ એક જ સેકન્ડમાં મલાલા પર ત્રણ ગોળીઓ ધરબી દીધી. મલાલા બેભાન અવસ્થામાં જમીન પર ઢળી પડી. તાલિબાન ગોળી મારીને ભાગી ગયો. ડ્રાઇવર ઉસ્માનભાઈએ તાબડતોબ નજીકની હોસ્પિટલ તરફ બસ હંકારી. ડોક્ટરની તાત્કાલિક સઘન સારવારના કારણે ઘાતક જીવલેણ હુમલામાં તેનો આબાદ બચાવ થયો.

અસંખ્ય લોકો હોસ્પિટલ દોડી આવ્યા. પિતા બેભાન દીકરીને જોઈ ગળગળા બની ગયા. ધીમા સ્વરે બોલ્યા, ‘મારી જાનેમન ! ઊઠો, લડો, દિલની ધડકન પર કાબૂ કર, શ્વાસ લો. તું મારી કેટલી દિલેર બેટી છે !, મને એકલો મૂકી ન જતી.! મલાલાને વધુ સારવાર માટે ઇંગ્લેન્ડ લઈ જવામાં આવી. હોસ્પિટલમાંથી સ્વસ્થ થયા બાદ બ્રિટનની પ્રતિષ્ઠિત બર્નિંગહામ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. તે અંગે ખુશી વ્યક્ત કરતાં તેણે જણાવ્યું, ”મેં જે સપનું જોયું હતું. તે આજે સાકાર થયું છે. ” બધાં બાળકોને શાળામાં પ્રવેશ મળવો જોઈએ. અમારો આ અધિકાર કોઈ છીનવી નહીં શકે. હું કોઈપણ સંજોગોમાં ભણીશ, ભણીશ, ભણીશ, સ્કૂલ શિક્ષણ પૂર્ણ કર્યા પછી તે હાલમાં વિશ્વ વિખ્યાત OXFORD યુનિવર્સિટીમાં કોલેજ શિક્ષણ મેળવી રહી છે. યોગાનુયોગ મલાલા પર ગોળી મારવાનો હુકમ કરનાર મુલ્લા ફઝલુલ્લાહ અમેરિકાના ડ્રોન હુમલામાં તાજેતરમાં માર્યો ગયો.

અલ્લાહ પાસે દુઆ માગતા તેણે કહ્યું. ‘અલ્લાહ’ મને તાકાત આપજો, મને સાહસ આપજો, હું માત્ર પાકિસ્તાનની જ નહીં પણ દુનિયાની તમામ દીકરીઓને ભણાવવા માગું છું. નીડર બનાવવા માગું છું. વિશ્વના તમામ લોકોએ મલાલાની વાતનો સ્વીકાર કર્યો. શિક્ષણ માટે ગોળી ખાનાર પાકિસ્તાની દીકરી રાતોરાત વિશ્વવિખ્યાત બની ગઈ. તરુણીઓ તેને પોતાની રોલ મોડલ અને રિયલ હીરો માને છે. અધિકાર અને અન્યાય સામે પ્રતિકારનું પ્રતીક બની છે. મલાલા જેવી દીકરીઓના કારણે વિશ્વના શિક્ષણમાં અજવાળું પથરાયું છે. એક બાળા જેણે દરેક બાળકના શિક્ષણના અધિકાર માટે સંઘર્ષ આદર્યો છે. ‘UN’ દ્વારા તેની નોંધ લઈ વિશ્વમાં ૧૨ જુલાઈના દિવસને ‘મલાલા ડે’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો.

૧૬ વર્ષે મલાલા ‘UN’ની રાજદૂત બની. આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર, હ્યુમન રાઇટ્સ એવોર્ડ સહિતના અનેક એવોર્ડથી સન્માનિત કરાઈ. સને ૨૦૧૪માં માત્ર ૧૭ વર્ષની નાની વયે વિશ્વશાંતિનું નોબલ પારિતોષિત એનાયત થયું. એ નિમિત્તે આપેલ વક્તવ્યમાં જ તેણે કહ્યું, હું પણ એ ૬ કરોડ ૬૦ લાખ બાળાઓમાંની એક છું. જે શિક્ષણથી વંચિત છે. સદનસીબે તેને બ્રિટનની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભણવા મળ્યું. એવોર્ડ મળ્યા બાદ મલાલાએ બરાક ઓબામાને મળીને કહ્યું, અમેરિકાએ હથિયારો પર ખર્ચ કરવાના બદલે શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. પ્રમુખ ઓબામાએ તેનો સ્વીકાર કરતાં કહ્યું, આ નાનકડી દીકરીએ વિશ્વની તમામ દીકરીઓને પોતાના અધિકારો માટે જાગ્રત કરી છે.

વર્ષ ૨૦૧૪માં તે ‘પર્સન ઓફ ધ યર’ બનીને ટાઇમના કવર પર ચમકી હતી. ટાઇમ મેગેઝિનની વિશ્વમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં મલાલાને TOP FIVEમાં સ્થાન મળ્યું હતું. મલાલા એક એવા દેશ – દુનિયાનું સ્વપ્ન જુએ છે, જ્યાં શિક્ષણનું પ્રભુત્વ હોય. દરેક બાળક શિક્ષણ મેળવતું હોય. આતંકવાદીઓનો ભોગ બનેલી મલાલાએ એક સુંદર વાત કરી છે. ‘બંધૂકથી તમે આતંકવાદીઓને નાબૂદ કરી શકશો, પણ શિક્ષણ થકી તમે આતંકવાદને નાબૂદ કરી શકશો. હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે, તાલિબાનના દીકરા – દીકરીઓને પણ શિક્ષણ મળે.

સને ૨૦૧૩માં પોતાના જીવન સંઘર્ષ પર તેણે પોતે ‘આઈ એમ મલાલા’ નામનું ૩૫૦ પૃષ્ઠ ધરાવતું પુસ્તક એક અમેરિકન વોર જર્નાલિસ્ટ ક્રિસ્ટીના લેમ્બની મદદથી લખ્યું. એક વૈશ્વિક હસ્તી તરીકે વિશ્વ આજે મલાલાની નોંધ લે છે. જગતને અન્યાય, શોષણ, અત્યાચાર, આતંકવાદ, ભય, ભ્રષ્ટાચાર જેવા દૂષણો સામે લડીને મૂળભૂત અધિકારો માટે સંઘર્ષનો સંદેશ આપી ‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો.’ ડો. ભીમરાવ આંબેડકરના આ સદાબહાર નારાને મલાલાએ સાચા અર્થમાં ચરિતાર્થ કરીને વિશ્વને એક નવો રાહ ચીંધ્યો છે. દેશભરમાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ની ઝુંબેશ વચ્ચે એક એવી બાળા જેના નામથી ‘મલાલા ડે’ દિવસની વિશ્વભરમાં ઉજવણી થાય છે. તે કાંઈ નાનીસૂની ઘટના નથી.