CAA: Malaysian PM Said We Will Speak About What Is Wrong
  • Home
  • Featured
  • ભારતે પાઠ ભણાવ્યો તોયે ના સુધર્યું મલેશિયા, PM મહાતિરે બતાવ્યા તેવર

ભારતે પાઠ ભણાવ્યો તોયે ના સુધર્યું મલેશિયા, PM મહાતિરે બતાવ્યા તેવર

 | 7:12 pm IST

ભારત સરકાર દ્વારા મલેશિયાથી ખાદ્ય તેલ ના ખરીદવાનાં નિર્દેશને લઇને મલેશિયાઈ પ્રધાનમંત્રીએ પ્રતિક્રિયા આપી છે. મલેશિયાનાં 94 વર્ષનાં પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદે કહ્યું કે, તે ભારત સરકારનાં નિર્ણયને લઇને ચિંતિત છે. જો કે તેમણે એ પણ કહ્યું છે કે તેઓ ખોટી ચીજોને લઇને અવાજ ઉઠાવવાનું ચાલું રાખશે, ભલે તેની કિંમત તેમના દેશે આર્થિક રીતે કેમ ચુકવવી ના પડે. ભારત દુનિયામાં ખાદ્ય તેલનું સૌથી મોટું ખરીદદાર છે. વેપારીઓનું કહેવું છે કે મોદી સરકારે કેટલાક એવા નિયમો લાગુ કરી દીધા છે, જેનાથી મલેશિયાથી ખાદ્યતેલની ખરીદી ના થાય.

મહાતિરનાં આક્રમક વલણથી ખરાબ થયા સંબંધો

ઉલ્લેખનીય છે કે મલેશિયા ઇન્ડોનેશિયા બાદ દુનિયાનો બીજો સૌથી મોટો ખાદ્ય તેલ ઉત્પાદક તેમજ નિકાસ કરતો દેશ છે. મહાતિર આ પહેલા ભારત સરકાર દ્વારા કલમ 370 હટાવવા અને નાગરિકતા કાયદો લાગુ કરવાને લઇને તીખી ટિપ્પણી કરી ચુક્યા છે. મહાતિરનાં આક્રમક નિવેદનોનાં કારણથી જ ભારત અને સાઉદી અરબ બંનેની સાથે મલેશિયાનાં સંબંધો ખરાબ થયા છે. મલેશિયાનાં ખાદ્યતેલ રિફાઇનરી ચલાવનારા વેપારીઓને ઘણું જ નુકસાન થયું છે, પરંતુ મહાતિરે કહ્યું છે કે, તેમની સરકાર આનું સમાધાન નીકાળશે.

અમે બોલતા રહીશું – મહાતિર

તેમણે કહ્યું કે, “વાસ્તવમાં અમે ઘણા જ દુ:ખી છીએ કેમકે અમે ભારતને મોટી માત્રામાં ખાદ્ય તેલ વેચીએ છીએ, પરંતુ બીજી તરફ અમારે બોલવું જ પડશે. અમારે જોવું રહેશે કે કંઇક ખરાબ થઈ રહ્યું છે તો અમે તેની સામે બોલીએ. આપણે જો કંઇક ખોટું થવાની પરવાનગી આપીએ છીએ અને ફક્ત પૈસા વિશે વિચારીએ છીએ તો મને લાગે છે કે આપણે અને બીજા લોકો ખોટું કરતા રહેશે.”

રૉયટર્સ એજન્સીનાં રિપોર્ટ પ્રમાણે, ભારત સરકારે અનૌપચારિક રીતે વેપારીઓને મલેશિયાથી તેલ ના ખરીદવાનો આદેશ આપ્યો છે. ભારતીય વેપારી મલેશિયાની જગ્યાએ ઇન્ડોનેશિયાથી ખાદ્ય તેલ ખરીદી રહ્યા છે.

આ વિડીયો પણ જુઓ: નિર્ભયા કેસના દોષિતોની ફાંસીનો રસ્તો સાફ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન