માલદીવ : ભારતે નિર્ણયાત્મક હસ્તક્ષેપ કરવાનો સમય - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • માલદીવ : ભારતે નિર્ણયાત્મક હસ્તક્ષેપ કરવાનો સમય

માલદીવ : ભારતે નિર્ણયાત્મક હસ્તક્ષેપ કરવાનો સમય

 | 6:00 am IST

રાજકીય લેખાંજોખાં :- વિનોદ પટેલ

અરબી સમુદ્રમાં ભારતીય જળવિસ્તારની નજીક આવેલા માલદીવ ટાપુ પર રાજકીય કટોક્ટી સર્જાઇ છે. માલદીવના પ્રમુખ અબદુલ્લા યમીને સંસદસભ્યોને જેલમાં પૂરી દીધા છે અને સર્વોચ્ચ અદાલતના સાસંદોને છોડી મૂકવાના આદેશને અવગણી આ સાંસદોને છોડવાની ધરાર ના પાડી છે. ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયે અબદુલ્લાને સાંસદોને છોડી મૂકી તેમના અધિકારો બહાલ કરવાની અપીલ કરી છે. ચિંતાની બાબત એ છે કે અબદુલ્લા તેમને મળી રહેલા ચીનના ટેકા પર મુસ્તાક છે.

ભારતની કમનસીબી છે કે તેને વારતહેવારે પાડોશીઓની સમસ્યાઓ સુલઝાવવા માટે તેમની બાબતોમાં દખલ દેવી પડે છે. સામાન્ય રીતે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે બિનહસ્તક્ષેપની ભૂમિકા લે છે, પરંતુ પાડોશી દેશોની બાબતે તેમાં અપવાદ કરવો પડે છે. ભારતે ૧૯૭૧માં બંગ્લાદેશના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવવી પડી હતી તો ૧૯૮૦ના દાયકામાં શ્રીલંકા સિવિલ વોરમાં સપડાયું હતું ત્યારે પણ ભારતે હસ્તક્ષેપ કરી રાબેતો સ્થાપવા માટે પ્રયાસો કર્યા હતા. તાજેતરમાં નેપાળમાં જ્યારે નવું બંધારણ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે પણ ભારતે રચનાત્મક ભૂમિકા ભજવી હતી.

જો કે ખાટલે મોટી ખોડ એ છે કે ભારતની આ રચનાત્મક ભૂમિકાને સરાહવાને બદલે અમુક તત્વો તેની ટીકા કરે છે. વિદેશી હસ્તક્ષેપ કાયમી હોય તો તે ચિંતાનું કારણ બને છે, પરંતુ ભારતે ઉપર જણાવેલાં ઉદાહરણોમાં રચનાત્મક ભૂમિકા ભજવ્યા બાદ જે ન્યાયી અને વાજબી હોય તે જ કાર્ય કર્યું છે. બને છે એવું કે પાડોશી દેશોમાં વિવિધ રાજકીય મંડળો તેમના આંતરિક વિવાદો સુલઝાવવા માટે ભારતની સહાય માગે છે અને જો ભારતે તેમના વિરોધીઓને ફાવે તેવી ભૂમિકા લેવાની ફરજ પડે તો તેઓ ભારતની આકરી ટીકા કરતાં અચકાતાં નથી. આમ ભારત માટે હંમેશાં બાવાના બેય બગડે તેવો ઘાટ હોય છે, પરંતુ ભારતે પાડોશીઓના મામલે હસ્તક્ષેપ કરવાની બાબતે હંમેશાં ડહાપણભર્યો નિર્ણય લઇને સમસ્યાઓ સુલઝાવવામાં સફળતા મેળવી છે.

પરંતુ હવે ચીનની ભૂમિકા આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાઇ હોવાથી ભારતને માલદીવ મામલે અવગણના કરવાનું પાલવે તેમ નથી. એક સમયે યુરોપિયન દેશો બીજા દેશોનો કોલોની તરીકે ઉપયોગ કરી તેમની સમૃદ્ધિને વધારતાં હતા તે ભૂમિકા હવે ચીન ભજવવા માંડયું છે. ભારતના પાડોશી દેશો નેપાળ, માલદીવ, પાકિસ્તાન અને શ્રી લંકામાં ચીનનો વારતહેવારે હસ્તક્ષેપ હવે કોઇ નવી બાબત રહી નથી.

એશિયામાં મોટાભાગના દેશો ભારતથી એક અંતર રાખવાનું પસંદ કરે છે અને તેમાં ચીનનો હસ્તક્ષેપ તેમને ઘણીવાર ઉપયોગી નીવડે છે. પરંતુ એક હદ સુધી જ ચીનની ભૂમિકા તેમને માટે લાભકારક હોય છે. ભૂગોળ અને ભારત પર તેમણે રાખવો પડતો મદાર તેમને બિજિંગની વધારે પડતાં નજીક જતાં અટકાવે છે અને તેઓ પછી ભારતને હસ્તક્ષેપ કરવાની ફરજ પાડે છે.

માલદીવમાં પણ આ જ બની રહ્યું છે. માલદીવના પ્રમુખ અબદુલ્લા યમીન હાલ ભારત અને ચીનની ધીરજનો ક્યાસ કાઢી રહ્યા છે. તાજેતરમાં દેશમાં અને વિદેશમાં એવી ટીકાઓ થવા માંડી છે કે ભારતે યમીન સાથેના સંબંધોમાં વધારે પડતાં નિષ્ક્રિય રહીને ચીનને માલદીવમાં છૂટો દોર આપ્યો છે. જો કે નવી દિલ્હીની વિમાસણ સમજાય તેવી છે. હાલ ભારતને દાદ ન આપતાં યમીન સાથે સારા સંબંધો જાળવી રાખવા માટે નવી દિલ્હીએ ગયા મહિને યમીનના વિદેશ પ્રધાનને બોલાવી સંબંધો સુધારવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ હવે યમીન સાથે સારા સંબંધોની કોઇ ગેરન્ટી રહી નથી છતાં ભારતે તેમના વિરોધપક્ષો સાથે રહીને લોકશાહીની પુનઃસ્થાપના કરવા માટે પ્રયાસો કરવા પડશે.

છેલ્લા થોડા દિવસોમાં માલદીવનો મામલો ઓર ગૂંચવાયો છે. હવે યમીન ચીન પર મદાર રાખી તેમની સત્તા ટકાવવાની ફિરાકમાં છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સમુદાય અને યુનાઇટેડ નેશન્સ પણ ભારતને યમીનની આપખુદશાહી ઉલટાવી ત્યાં લોકશાહી સ્થાપવા માટે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી રહ્યા છે. આ સ્થિતિમાં ભારત પાસે કંઇ ન કરવાનો વિકલ્પ હવે રહ્યો નથી. ભારતે હવે આક્રમક રાજદ્વારી વલણ લઇને અને જરૂર પડે બળપ્રયોગ કરીને પણ માલદીવમાં લોકશાહી સ્થાપવાનો સમય પાકી ગયો છે. આ મામલે ભારતને હવે કોઇપણ પ્રકારનો વિલંબ કરવાનું પાલવે તેમ નથી.