મુંબઈની માલવિકાએ શાળાનું શિક્ષણ મેળવ્યા વિના જ અમેરિકન યુનિ.માં મેળવ્યો પ્રવેશ - Sandesh
  • Home
  • Education
  • મુંબઈની માલવિકાએ શાળાનું શિક્ષણ મેળવ્યા વિના જ અમેરિકન યુનિ.માં મેળવ્યો પ્રવેશ

મુંબઈની માલવિકાએ શાળાનું શિક્ષણ મેળવ્યા વિના જ અમેરિકન યુનિ.માં મેળવ્યો પ્રવેશ

 | 11:05 pm IST

મુંબઈની સત્તર વર્ષની યુવતી માલવિકા રાજ જોશીએ એસએસસી કે એચએસસીની પરીક્ષા આપી નથી પરંતુ તેણે અમેરિકાની જગવિખ્યાત માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી(એમઆઈટી)માં પ્રવેશ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. માલવિકાની આ સફળતાનું શ્રેય તેની માતા સુપ્રિયાના દૃઢ નિર્ધાર અને એમઆઈટીની માર્ક્સને બદલે વિદ્યાર્થીની પ્રતિભાને આધારે તેમને આગળ ભણવાની સવલત આપવાની નીતિને જાય છે. મુંબઈની આ યુવતીની સફળતા અદ્વિતીય છે, કેમ કે તેણે પરંપરાગત શાળાશિક્ષણ લેવાને બદલે પોતાના રસના વિષયને ઘેર બેઠાં ભણી અમેરિકન યુનિર્વિસટીમાં પ્રવેશ મેળવવા લાયક જ્ઞાન મેળવ્યું હતું.

માતાનો દૃઢ નિર્ધાર
માલવિકા દાદરની પારસી યૂથ એસેમ્બ્લી સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારે તેની માતા સુપ્રિયાએ એક અજબ નિર્ણય લીધો. તેણે ભણવામાં હોશિયાર માલવિકાને સ્કૂલમાંથી ઉઠાડી લઈ ઘેર ભણાવવાનું નક્કી કર્યું. સુપ્રિયાએ જણાવ્યું હતું કે માલવિકાનો શાળામાં અભ્યાસ સારો ચાલતો હતો પણ મને લાગ્યું કે મારાં બાળકો આ રીતે અભ્યાસ કરી ખુશ નથી. પરંપરાગત જ્ઞાન કરતાં બાળક ખુશ થઈ તેનો મનગમતો વિષય ભણે તે મને વધારે યોગ્ય લાગ્યું. હું એ સમયે એક એનજીઓમાં કામ કરતી હતી અને કામગીરીના ભાગરૃપે મેં આઠમા અને નવમાં ધોરણના કેન્સરથી પીડાતા વિદ્યાર્થીઓને જોયા. મારા પર તેની ઊંડી અસર થઈ અને મને લાગ્યું કે મારી પુત્રીઓ માલવિકા અને નાની રાધા ખુશ રહે તે વધારે જરૃરી છે.

ઇજનેર પતિનો સહકાર મળ્યો
શરૃઆતમાં મારા પતિ રાજ આ જોખમી દરખાસ્ત મામલે સંમત નહોતા. માલવિકાએ હજી દસમા અને બારમા ધોરણની પરીક્ષા આપી નહોતી એટલે ડર લાગવો સ્વાભાવિક હતો પણ મેં મારી એનજીઓની કામગીરી છોડી દઈ મારી પુત્રીઓ માટે ઘરમાં જ ક્લાસરૃમ જેવું વાતાવરણ ઊભું કર્યું. મેં મારી પુત્રી માટે જાતે અભ્યાસક્રમ બનાવ્યો અને એક માતા તરીકે મને વિશ્વાસ હતો કે હું મારી પુત્રીઓને જ્ઞાન આપી શકીશ. મારા પતિએ પણ તેને ગણિતના અઘરા દાખલા ગણવામાં સહાય કરી હતી.

અખતરો સફળ નીવડયો
અચાનક મેં જોયું કે મારી પુત્રીઓ પહેલાં કરતાં વધારે ખુશ રહેવા માંડી અને તેમની શીખવાની ઝડપ પણ વધી ગઈ. તેમના માટે જ્ઞાન મેળવવું એ એક લગની બની ગઈ. માલવિકાને ગણિતનો વિષય ખૂબ ગમતો હોવાથી મેં તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મારી મહેનત રંગ લાવી.

સતત ત્રણ વર્ષ ઓલિમ્પિયાડમાં યશસ્વી
માલવિકાનો ગણિતનો ગહન અભ્યાસ જોઈ ચેન્નઈસ્થિત ચેન્નઈ મેથેમેટિકલ ઇન્સ્ટિટયૂટે(સીએમઆઈ)તેને એમએસસી કક્ષાના કોર્સમાં પ્રવેશ આપ્યો. સીએમઆઈમાં માલવિકાએ અલગોરિધમ્સમાં માસ્ટરી મેળવી. ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઓફ ઇન્ફોર્મેટિક્સ જે પ્રોગ્રામિંગ ઓલિમ્પિયાડ તરીકે જાણીતી છે તેમાં માલવિકાએ પરીક્ષા આપી સતત ત્રણ વર્ષ મેડલ જીત્યા. તેને બે વર્ષ સિલ્વર અને એક વાર બ્રોન્ઝ મેડલ મળ્યા. આ ત્રણ મેડલને આધારે માલવિકાને એમઆઈટીમાં કમ્પ્યૂટર સાયન્સ વિષયમાં બેચલર્સની ડિગ્રી મેળવવા માટે પ્રવેશ આપવામાં આવ્યો છે.

પ્રોગ્રામિંગ ઓલિમ્પિયાડ માટે માલવિકાને તાલીમ આપનાર કોચ માધવન મુકુન્દે જણાવ્યું હતું કે માલવિકા શાળામાં ભણી ન હોવાથી તેને મેટ્રાઇસિસનો ખ્યાલ નહોતો પરંતુ તેને કોઈ પણ નવો મુદ્દો શીખવામાં વાર લાગતી નહોતી અને તે વ્યવસ્થિત રીતે તેનાં ધ્યેય હાંસલ કરવાની દિશામાં આગળ વધતી હતી.

જોકે સુપ્રિયા કહે છે કે હવે માતા-પિતા તેનો એમઆઈટીમાં પ્રવેશ કેવી રીતે મેળવવો તે જાણવા મારી પાસે આવે છે. હું તેમને કહું છું કે અમારું ધ્યેય એમઆઈટીમાં પ્રવેશ મેળવવાનું નહીં પણ તેના રસનો વિષય ભણાવવાનું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન