Mamata Banerjee big announcement on Congress-led UPA, said this about Rahul Gandhi
  • Home
  • India
  • મમતા બેનર્જીએ કોંગ્રેસને આડે હાથ લેતા રાહુલ ગાંધીને લઇ કહી મોટી વાત

મમતા બેનર્જીએ કોંગ્રેસને આડે હાથ લેતા રાહુલ ગાંધીને લઇ કહી મોટી વાત

 | 6:09 pm IST
  • Share

  • મમતા બેનર્જીએ કોંગ્રેસ મુક્ત વિપક્ષ માટે ઝુંબેશ તેજ કરી
  • મમતા બેનર્જીએ યુપીએના અસ્તિત્વ પર સવાલો ઉઠાવ્યા
  • રાહુલ ગાંધી પર પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ નિશાન સાધ્યુ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ મુક્ત વિપક્ષ માટે ઝુંબેશ તેજ કરી છે. તાજેતરમાં સંસદના શિયાળુ સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકને અવગણ્યા બાદ મમતા બેનર્જીએ યુપીએના અસ્તિત્વ પર સવાલો ઉઠાવ્યા છે અને રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું છે. આ સાથે ભાજપને રોકવા માટે મમતાએ તમામ પ્રાદેશિક પક્ષોની એકતા પર ભાર મૂક્યો છે, એટલે કે કોંગ્રેસને મમતાના ‘પ્લાન’માં કોઈ મહત્ત્વ હોય તેવું લાગતું નથી.

રાહુલ પર સાદ્યો નિશાનો

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી મુંબઇમાં છે. અહિંયા તેઓ એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને શિવસેના નેતા તથા કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે તથા સંજય રાઉત સાથે મુલાકાત કરી ચૂક્યા છે. આજે બુધવારે મમતા બેનર્જીએ મુંબઇમાં સિવિલ સોસાયટીના સદસ્યો સાથે વાત કરતા ભાજપાને 2024ની સામાન્ય ચૂંટણીમાં હરાવવાનો પ્લાન પણ જણાવ્યો. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા તેમના વિદેશ પ્રવાસ પર પણ સવાલો ઉઠાવ્યા છે. જ્યારે તેમને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ વિપક્ષ એક્તા અને રાહુલ ગાંધીની ભૂમિકા વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું,‘જો તમે અડધો સમય વિદેશમાં રહો તો રાજનીતિ કેવી રીતે થશે. પોલિટિક્સમાં પણ તમારે સંપૂર્ણ સમય આપવો પડશે.’

UPA ના અસ્તિત્વ સામે સવાલ

આટલું જ નહીં મમતા બેનર્જીએ પોતે યુપીએના અસ્તિત્વ પર સવાલો ઉભા કર્યા છે. એનસીપી પ્રમુખ શરદ પવારને મળ્યા બાદ મમતાએ કહ્યું કે, હવે યુપીએ નથી, ફાસીવાદી શક્તિઓ સામે લડવા માટે અલગ સંગઠન બનાવવું પડશે. ખરેખરમાં મમતાને પૂછવામાં આવ્યું હતું કે, શું શરદ પવાર યુપીએનું નેતૃત્વ કરશે? આના પર તેમણે કહ્યું,‘હજુ સુધી યુપીએ નથી.’ પ્રાદેશિક પક્ષોને એક થવાની અપીલ કરતાં મમતાએ કહ્યું કે કોઈ એકલા હાથે કંઈ કરી શકશે નહીં. 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવવાની યોજનાનું વર્ણન કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે,‘જો તમામ પ્રાદેશિક પક્ષો સાથે આવે તો ભાજપને હરાવવાનું સરળ થઈ જશે.’ આ રીતે તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે આગામી દિવસોમાં તેઓ વધુ કેટલાક પ્રાદેશિક પક્ષોને ઉમેરવાની યોજના ધરાવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો