મામેરું - Sandesh

મામેરું

 | 2:07 am IST

ચંદરવો : રાઘવજી માધડ

દરિયાના કાંઠે ઊભો ગોવિંદ દૂર દૂરથી વાંભ વાંભ ઉછળે આવતા મહાકાય મોજા અને અરબ સાગરની આ અકળલીલાને મુગ્ધ થઇ જોઈ રહ્યો હતો. પણ હૈયામાં દરિયા જેવો અકળ ઉચાટ ભર્યો હતો. બાપુને કહ્યા પછી શું થાશે, કેવું પરિણામ આવશે…એ ઉપરવાળો જાણે પણ ભરોસો તલભાર ઓછો નથી.

ઊગતા પહોરની સોનેરી અંજલિ પામવા ઉછાળા મારતો જલાધિરાજ સોમનાથ મહાદેવના ચરણ પંખાળી રહ્યો હતો. તેના ઘેઘુર મોજાનો ઘૂઘવાટ અને રઘવાટ કાંઠે આવી, પ્રિયતમાની સુંવાળી સેજ જેવી ભીની-ભીની રેત પર પથરાઇને શાંત થઇ જાતો હતો. સઘળો આવેગ જાણે જમી, રમીને શમી જાતો હોય !

ગોવિંદની નજર વારંવાર દાદા સોમનાથના દ્વાર પર જઈને અટકતી હતી. તેને હવે આભને ગાભ જેવી વાત સાચવવી અઘરી પડી હોય એમ રહી કે સહી શકાતું નહોતું. વહેલી તકે રળિયામણી રિયાસત ના ધણી મેઘ વાજાને મળવું જરૂરી બન્યું હતું. મેઘ વાજા સોમનાથના દર્શને આવે છે તેની ખબર હોવાથી તે આવી પૂગ્યો હતો. અને એક ખવાસ જોડે કહેણ મોકલાવ્યું હતું,’ગોવિંદ વણકર આપને હરુંભરું મળવા માંગે છે !’ ગોવિંદ જાણતો હતો કે પોતાના જેવા સાવ નગપગના અને છેવાડાના મનેખને મળવા કોણ દે, અરે કહેણ અદ્ધવચ્ચે જ અટકી જાય…પણ ગોવિંદની માના હાથનું વણેલું રાજમાં પાણકોરું પ્રખ્યાત હતું. તેથી પાટણપતિ નામજોગ ઓળખતા હતા એટલે વાંધો આવે એવો નહોતો.

મેઘ વાજા ભોળિયાદેવને અર્ચન, નમન કરીને પાછા ફ્રી રહ્યા હતા, એ વેળાએ દરવાજે જઈને ઊભો રહ્યો. મેઘ વાજાની નજરે ચઢયો ને બોલાવ્યોઃ’ગોવિંદ, કેમ આવવું થયું…કોઈ મુશ્કેલી !?’

‘આપના રાજમાં મુશ્કેલી શેની, એય ને..લીલીલે’ર છે બાપલા !’ પછી ગોવિંદ બોલી શક્યો નહીં.

મેઘ વાજાને મળતાં પૂર્વે, ગોવિંદે પોતાની મા સાથે સંવાદ કરી લીધો હતો. માધવપુર જાવા નીકળેલો ગોવિંદ પાંચ દિ’ પહેલા પાછો ફ્રેલો જોઇને માએ પૂછયું તો કહ્યું હતું: ‘મા હું ખોરાસા ગામે મીઠીવાવ ના ઓટલે પાણી પીવા ઊભો કર્યો તો, મારું ગામ જાણી એક પાણીહારી મીઠું મેણું મારતાં બોલી’તીઃ ‘તો તો રૂપાળીબાનું મામેરું લઇ આવ્યા હશ્યો !’ પણ મા કંઇ બોલે ઇ પેલા જ ગોવિંદ આગળ બોલી ઊઠયો હતો :’મા હું તારું ધાવણ ધાવ્યો છું, તારો ખોળો ખૂંદીને ઉછર્યો છું…કે’વાપણુંનો રેવા દંવ…પણ મેં કર્યું ઇ મેઘ વાજા માનશે, સ્વીકારશે ખરા !’

માએ જન્મારો જોયો હતો, અનુભવના કેટલાય આંધણ પીધા’તા…એટલે સાગરને ઘોળી, ઘડામાં ભરીને કીધું’તું:’નો માને તો દાદા સોમનાથ સામે કમળપૂજા કરી લે’જે દીકરા !’ આવું સાંભળી ગોવિંદના અઢારેય કોઠે દીવા થયા’તા. હૈયામાં હામ ભરી તે પ્રભાસપાટણમાં મેઘ વાજાને મળવા આવી પૂગ્યો હતો.

‘બાપુ, જય સોમનાથ !’ કહીને ગોવિંદ મેઘ વાજાની અદબ દાખવીને ઊભો રહ્યો. ખબર અંતર કાઢયા પછી પૂછયું:’ગોવિંદ, કંઇ ખાસ વાત..’ પૂછે એની રાહમાં હતો તે ગોવિંદે કીધું : ‘હા, બાપુ પણ..’ અટકી ગયો એટલે મેઘ વાજાએ ધરપત આપતા સ્વરે કીધું : ‘પેટ ચોર્યા વગર હોય ઇ કહી દે !’

ગોવિંદના જીવમાં જીવ આવ્યો. તેથી ગળચા ગળ્યા કે ચીંથરા ફડયા વગર સીધુંને સટ કહી દીધું: ‘બાપુ, આપને પૂછયા વગર એક કામ કરીને આવ્યો છું !’ પછી હળવેક આગળ બોલ્યો :’મને વઢતા નઈ.’

મેઘ વાજાને નવાઇ લાગી. તે કીધું : ‘ગાંડિયા મારે નામે વળી ક્યું કામ કરીને આવ્યો !?’

મેઘ વાજાની અડખે પડખે ઊભેલા હજુરિયા સમેત સૌ મોં વકાસી ગોવિંદ સામે જોઈ રહ્યા. તેથી આભ જેવી વાતના મૂળમાં આવતા કીધું : ‘ખોરાસામાં બેનબાને ન્યાં ભાણુભાના વિવા છે…ખબર છેને !’

‘ખબર જ હોયને ગાંડાભાઈ!’ મેઘ વાજા દુઃખ સાથે જણાવ્યું:’પણ વેર થયા પછી જાવાનું બંધ છે.’

‘પણ હું જઈ આવ્યો ને !’ ગોવિંદ ઉત્સાહમાં આવી ગયો :’બેનબાએ હઠ લીધી’તી, આ વિવા ટાણે વિમળદેવ વાઘેલા આપને તેડાવે !’ નાની અમથી વાતમાં વાજા અને વાઘેલા વચ્ચે તકરાર થઇ હતી, વેર બંધાણા હતા. ગોવિંદની વાતમાં દમ હતો, મરમ હતો તેથી સૌ એક કાને થઇ ગયા.

‘એ શેના તેડાવે..વટનો કટકો છે. મારી ને એની આંખ્યું વઢે છે…પણ તે શું કર્યું !’

‘બેનબાને સાત સાત દિ’ના નકોરડા અપવાસ હતા તે છોડાવ્યા !’

‘કેવી રીતે ગોવિંદ !’ ગોવિંદે જવાબ આપ્યોઃ ‘બાપુ,ગઢમાં જઇને કીધું, હું પાટણથી આવ્યો છું, બાપુએ મને મામેરું લઈને ખાસ મોકલ્યો છે…!’ ઘડીભર અટક્યો ને પછી બોલ્યો :’જાતે વણકર છું, પણ બાપુએ એના વતી મામેરિયો ગણીને મોકલ્યો છે…’

ગોવિંદની વાતે સૌની ઉત્કંઠામાં ઉછાળ આવ્યો ને પૂછી લીધું :’તે મામેરામાં આપ્યું શું !?’

‘મારે તો શું આપવાનું હોય, મામેરામાં…’ ગોવિંદ જરીકેય ભે રાખ્યા વગર હરખાઈને બોલ્યોઃ ‘પાટણપતિએ આપવાનું હતું તે, કિંદરીયું ને ઇશ્વરીયું…બે ગામ આપ્યા !’

‘વાહ…મેતર, તેં તો મોટાઈની દેરડી માથે શગ ચડાવી દીધી !’

એક વણકરનો પોતાના પરનો ભરોસો અને રાજની આબરૂ ઉજાગર કરી તે વાતે મેઘ વાજાની છાતી ગજ ગજ ફૂલવા લાગી ને કીધું :’બે નહીં, બાવીસ ગામ આપ્યા હોત તોય રાજી થાત…તે રાજની આંટ અને લાજ રાખી છે. રાજનું ઘરેલું છો, ગોવિંદ. તે તારી અને આ ભોમકાની આબરૂને ઉજળી કરી છે!’

મેઘ વાજાએ મામેરાની કદરરૂપે ગોવિંદ વણકરને દસ સાંતીની જમીન આપી બહુમાન કર્યું હતું.

[email protected]