મહેસાણાઃ બલોલ હત્યાકેસમાં લવાયેલા શખસનો લોકઅપમાં આપઘાત - Sandesh
  • Home
  • Gujarat
  • મહેસાણાઃ બલોલ હત્યાકેસમાં લવાયેલા શખસનો લોકઅપમાં આપઘાત

મહેસાણાઃ બલોલ હત્યાકેસમાં લવાયેલા શખસનો લોકઅપમાં આપઘાત

 | 4:16 pm IST

મહેસાણા તાલુકાના બલોલ ગામમાં સોમવારના રોજ મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ૧૭ ર્વિષય કિશોરની હત્યા કરવાની ઘટનાએ ચકચાર મચાવી છે. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા છે. દરમ્યાન પુછપરછ માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં લવાયેલ બલોલના જ શંકાસ્પદ શખસે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં અનેક તર્કવિતર્કો થઈ રહ્યાં છે.

આ કેસની સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા તાલુકાના બલોલમાં આવેલ ગુરુકૃપા સોસાયટીમાં રહેતા કિર્તીભાઈ પટેલનો ૧૭ ર્વિષય દિકરો નીલકુમાર સોમવારના રોજ રાત્રીના ૯.૩૦ કલાકે ઘરેથી વેફર લેવા જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો. ત્યારબાદ, ગામમાં આવેલ ભવાની મંદિર પાસેથી લોહીથી લથપથ નીલનો મૃતદેહ મળી આવતા ચકચાર ફેલાઈ હતી. આ અંગે દાદા જયંતીભાઈ છગનભાઈ પટેલે સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ઈપીકો કલમ ૩૦૨ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરીને આરોપીઓની ભાળ મેળવવા તપાસ હાથ ધરી હતી.

દરમ્યાન, મંગળવારના રોજ નીલની હત્યાના કેસમાં પુછપરછ માટે બલોલ ગામના મહેશભાઈ મથુરભાઈ પટેલ (ઉ.વ.૫૦)ને મહેસાણા ખાતે આવેલ એલસીબી કચેરીએ લાવવામાં આવ્યા હતા. કિશોરની હત્યાના કેસમાં શકમંદ તરીકે લાવવામાં આવેલા મહેશભાઈએ કોઈ અગમ્ય કારણોસર પોલીસ લોકઅપમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. નોંધપાત્ર છે કે, આ ઘટના બાદ પોલીસે શકમંદના મૃતદેહને અમદાવાદ લઈ જઈ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.

કેતન પ્રકરણ બાદ બલોલના મહેશ પટેલનું મોત કોને દઝાડશે
હજુ માંડ છ માસ પહેલાં જ ચોરીના કેસમાં સંડોવાયેલા બલોલના કથિત આરોપી કેતન પટેલની સારવાર દરમ્યાન થયેલા મૃત્યુની ઘટનાનો વિવાદ શમ્યો નથી ત્યાં બુધવારે ફરીવાર બલોલના જ મહેશભાઈ પટેલે લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં જ આપઘાત કરી લેતાં અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે. નોંધપાત્ર છે કે, પોલીસ લોકઅપમાં જ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલુ કરનાર મહેશ પટેલને બલોલના ૧૭ ર્વિષય નીલ પટેલની કરપીણ હત્યાના કેસમાં શકમંદ તરીકે પોલીસે પુછપરછ કરવા અટકાયત કરી હતી.