માનવીનાં હાડપિંજરોની વણઝાર - Sandesh
  • Home
  • World
  • માનવીનાં હાડપિંજરોની વણઝાર

માનવીનાં હાડપિંજરોની વણઝાર

 | 3:38 am IST

અમેરિકાની સરહદ સાથે જોડાયેલું પૂર્વોેત્તર મેક્સિકોનું કોઆહુઇલા રાજ્ય રોજબરોજ થતી ભેદી પ્રવૃત્તિથી અળખામણું થઈ ગયું છે. મેક્સિકોનાં લોકો પણ ત્યાં સામાન્ય રીતે જતાં ડર અને ગભરાટ અનુભવે છે. લોકોનું ભેદી રીતે અપહરણ અને પછી માનવનાં હાડપિંજરોની વણઝારને કારણે લોકો કોઆહુઇલાનું નામ પડતાં થરથર કાંપી ઊઠે છે. કોઆહુઇલા હજારો લોકોનાં ભેદી અપહરણનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. અહીં ડ્રગ્સમાફિયાઓનાં સંગઠિત ગ્રૂપ દ્વારા ગુનાઓની હારમાળા સર્જાય છે અને તેનાં ખપ્પરમાં નિર્દોષો હોમાય છે. દર વર્ષે આ રાજ્યમાં જ એકલાં ૪૨ ટકા અપહરણની ઘટનાઓ બને છે. ડ્રગ્સની દાણચોરી સાથે સંકળાયેલી ગેંગો લોકોને ખોફમાં રાખવા માટે બેખોફ બનીને અજાણ્યાં અને નિર્દોષ લોકોનાં અપહરણ કરે છે અને પછી ઠંડે કલેજે તેમની હત્યા કરીને જમીનમાં દફનાવી દે છે.

પુત્રને શોધવા મારિયા ભટકી રહી છે

પોતાના લાપતા પુત્રને શોધવા મારિયા તેના ફોટા સાથેનું પોસ્ટર લઈને આમથી તેમ ભટકી રહી છે. તેણે ઘણાં વર્ષો સુધી હ્યુગોના ફોટાવાળાં પોસ્ટરો ઠેરઠેર લગાવ્યાં અને ફરિયાદો કરી પણ તમામ ફરિયાદો બહેરા કાને અથડાઈને પાછી ફરે છે. ક્યાંક કોઈ પગેરુંં મળે એટલે મારિયા તરત ત્યાં દોડી જાય છે. મારિયાની ફરિયાદ છે કે તેના પુત્રનાં કેટલાંક પોસ્ટર તો સત્તાવાળાઓએ જ ફાડી નાખ્યાં છે.

ફંડેક નામનું એક ગ્રૂપ બનાવી તંત્રને અરજી કરી

મારિયા પુત્રનાં અપહરણની ફરિયાદ કરવા પોલીસસ્ટેશને ગઈ તો પોલીસે તેને આશ્વાસન આપીને કહ્યું કે, ચિંતા ન કરો જલદી પાછો આવી જશે. મારિયાને પોલીસસ્ટેશનમાં તેના જેવી અભાગી માતા અને પિતાના અનેક કિસ્સા જાણવા મળ્યા જેઓ તેમનાં સંતાનોની ભાળ મેળવવા માટે પોલીસસ્ટેશનનાં ચક્કર કાપી રહ્યાં હતાં, જેમનાં સંતાનો ગુમ થયા તેવા પરિવારો ધીમેધીમે એક થયા. સૌએ સાથે મળીને ફંડેક નામનું એક ગ્રૂપ બનાવ્યું છે અને તેઓ નિર્દોષોનાં અપહરણ રોકવા સત્તાવાળાઓને આજીજી કરી રહ્યાં છે.

અપહરણ અને હત્યાનો સિલસિલો શરૂ થયો ત્યારથી ૩૭,૪૩૫ લોકો લાપતા

જ્યારથી ભેદી રીતે અપહરણ અને હત્યાનો સિલસિલો શરૂ થયો છે ત્યારથી રાજ્યમાં ૩૭,૪૩૫ લોકો લાપતા થયાં છે. ગુમ થયેલાઓની યાદીમાં મારિયા એલેના સાલઝારનો પુત્ર હ્યુગો પણ સામેલ છે. મારિયા તે ગુમ થયો તે દિવસને યાદ કરતાં કહે છે કે તેનો એ ગોઝારા દિવસે ટેલિફોન આવ્યો કે મા હું બસ હમણાં જ આવું છું, ત્યારથી આજદિન સુધી મારિયા ૯ વર્ષથી તેના પુત્ર હ્યુગોની પાછા આવવાની રાહ જોઈને દિવસો કાપી રહી છે, હ્યુગોનો હજી સુધી કોઈ પત્તો નથી.

અપહરણ કરાયેલાં લોકોને વેરાન જગ્યાએ છોડી મૂકે છે

અફવાઓ એવી છે કે કોઆહુઇલામાં ગુનાખોરોની ગેંગ અપહરણ કરાયેલાં લોકોને વેરાન જગ્યાએ છોડી મૂકે છે અને પછી તેમની ભાળ જ મળતી નથી. મારિયાના પતિએ આવાં સ્થળોએ પણ ચક્કર લગાવ્યાં પણ હ્યુગોની ભાળ ન મળી. પડોશીઓ તેમને સાંત્વન આપે છે કે તે સ્થિતિનો સામનો કરવા માટે લાચાર હશે તેથી જ તેને કશું થયું હશે. સત્તાવાળાઓએ હાથ અધ્ધર કરી દીધા છે.

સર્ચ વિભાગની હાલત હાડપિંજર જેવી

લાપતા થયેલાં લોકોની ભાળ મેળવવા રચવામાં આવેલા ખાસ વિભાગની હાલત હાડપિંજર જેવી બહુ ખરાબ છે. એકલા કોઆહુઇલામાં જ આ વિભાગ પાસે ૨૯ એજન્ટ અને ૫૮ પોલીસકર્મીઓ છે પણ લાપતા થયેલાઓની ફરિયાદ હજારોની સંખ્યામાં છે. સરકાર હવે આ મામલામાં ગંભીર રહી નથી.

મેક્સિકો ડ્રગ્સની દાણચોરીનું એપીસેન્ટર, દર એક કલાકે એક વ્યક્તિ લાપતા

મેક્સિકો ડ્રગ્સની દાણચોરીનું એપીસેન્ટર છે. અહીં દરરોજ દર એક કલાકે એક વ્યક્તિ ગુમ થઈ જાય છે. લાપતા લોકોના કિસ્સામાં મેક્સિકોએ ઇરાક અને કોલંબિયાને પણ હંફાવ્યા છે. ડ્રગ્સના દાણચોરોની ગેંગ અઢળક પૈસો પણ કોઈપણ મિનિટે ભાગવા તૈયાર રહેવાનું એ મેક્સિકોના ડ્રગ્સ માફિયાઓની જિંદગી છે.

ડ્રગ્સ માફિયાઓ અહીં પેદા થાય છે અને અહીં જ તેમની ઘોર ખોદાય છે

યુવકોને ગેરમાર્ગે દોરવા અહીં સંગીત અને સિનેમાની સાથોસાથ કબ્રસ્તાનો પણ છે. મેક્સિકોનાં સીનાઓલા રાજ્યનું ખારડિનેસ ડેલ હુમાયા કબ્રસ્તાન આને માટે પ્રખ્યાત છે. મેક્સિકોના અનેક ડ્રગ્સ માફિયાઓ આ વિસ્તારમાંથી જ પેદા થયા છે અને તેમની ઘોર પણ અહીં ખોદાણી છે.

૩૭,૦૦૦ થી વધુ અપહરણ કેસમાં ફક્ત બાર  લોકોને જ સજા

સ્પેશિયલ સર્ચ ઓફિસના અધિકારી આબેલ ગાલ્વન કહે છે કે લોકોને શોધવા આવતા વર્ષે વધુ ૧૦૦ કર્મચારીઓની ભરતી કરાશે, પણ શું આમ કરવાથી સ્થિતિ સુધરશે તેની કોઈ ગેરંટી નથી, જ્યાં સુધી ગુનેગારોને કડકમાં કડક સજા કરાશે નહીં ત્યાં સુધી સ્થિતિ સુધરવાની નથી. ૩૭,૦૦૦થી વધુ અપહરણ કેસમાં ફક્ત ૧૨ લોકોને જ સજા કરાઈ છે. કેટલાક કેસમાં તો પોલીસની જ ગુનેગારો સાથે મિલીભગત છે. ગ્રેસ કહે છે કે ૨૦૦૮માં તેના બે ભાઈ ફરિયાદ કરવા ગયા તો તેમને પકડી લેવાયા અને પછી તેઓ પણ ભેદી રીતે ગુમ થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન