Man sneaks into Bhopal airport, damages chopper in Madhya Pradesh
  • Home
  • Featured
  • ભોપાલ: એરપોર્ટમાં ઘૂસી માથાફરેલાએ ધમાચક્કડી કરી, વિમાન સામે પથ્થર લઇ આવ્યો, અને પછી હેલિકોપ્ટરના…

ભોપાલ: એરપોર્ટમાં ઘૂસી માથાફરેલાએ ધમાચક્કડી કરી, વિમાન સામે પથ્થર લઇ આવ્યો, અને પછી હેલિકોપ્ટરના…

 | 7:37 am IST

મધ્ય પ્રદેશના ભોપાલમાં આવેલા રાજાભોજ એરપોર્ટ પર સુરક્ષાની ચૂકના લીધે એક મોટી ઘટના સામે આવી છે. જી હા રવિવારે એક યુવક દિવાલ કૂદીને રન વે સુધી ઘૂસી જતા ખળભળાટ મચી ગયો હતો. માનસિક રીતે અસ્વસ્થ જણાતા આ યુવકે એરપોર્ટ પર અનેક મુસાફરોની સુરક્ષાના રીતસર ધજ્જિયાં ઉડાવી દીધા હતા. આ યુવકે હાથમાં પથ્થરો લઈને ઉદયપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ સામે છેક રન વે પર આ‌વી ગયો હતો. સદનસીબે, તે વિમાનને કશું નુકસાન નહોતો પહોંચાડી શક્યો, પરંતુ ત્યાર પછી તેણે પથ્થરો ફેંકીને ત્યાં પાર્ક એક હેલિકોપ્ટરના કાચ ફોડી નાંખ્યા હતા અને હેલિકોપ્ટરના આગળના ભાગને નુકસાન પહોંચાડ્યુ હતું. એરપોર્ટ સુરક્ષાકર્મીઓએ તેની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી.

યુવક સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી 3721 આગળ જઈને સૂઈ ગયો હતો

પ્રાથમિક અહેવાલ પ્રમાણે, રવિવારે સાંજે ભોપાલના રાજાભોજ એરપોર્ટ પર આશરે છ વાગ્યે એક યુવક દીવાલ કૂદીને એરપોર્ટના સંવેદનશીલ વિસ્તારમાં ઘૂસી ગયો હતો. ત્યાર પછી તે ઉદયપુર માટે ટેક ઑફ થવાની તૈયારી કરી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી 3721 આગળ જઈને સૂઈ ગયો. વિમાન ગ્રાઉન્ડ પર હતું ત્યારે જ પાઈલોટને આ યુવક દેખાઈ ગયો હતો. તેના હાથમાં પાણીની બોટલ અને પથ્થર પણ હતા. અતિ સંવેદનશીલ અને સુરક્ષિત ગણાતા રન વે પર આ યુવકને જોઈને પાઈલોટ પણ અચંબામાં મૂકાઈ ગયો. વિમાન સામે પથ્થરો લઈને ઊભેલા યુવકને જોતા જ પાઈલોટે સૂઝબૂઝ સાથે ઈમર્જન્સી બ્રેક મારીને એન્જિન બંધ કરી દીધું હતું. આ કારણસર યુવક પંખામાં ફસાતા બચી ગયો અને મોટી દુર્ઘટના ટળી. અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાન ટેક ઑફ કરવાના બદલે ટેક્સી વે તરફ વાળી દીધું હતું અને તમામ પેસેન્જર્સને વિમાનમાંથી ઉતારી દીધા અને ફરીથી બોર્ડિંગ કાર્ડસ રજૂ કરીને રાત્રે પોણા આઠ વાગ્યે ફરીથી વિમાને ઉડાન ભરી.

આ અંગે પાઈલોટે એર ટ્રાફિક કંટ્રોલરને સૂચના આપ્યા પછી એરપોર્ટ પરનું સુરક્ષાતંત્ર સક્રિય થયું. આ માહિતી મળ્યા પછી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાનોએ તેની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી. માનસિક રીતે વિક્ષિપ્ત આ 21 વર્ષના યુવકનું નામ યોગેશ ત્રિપાઠી છે. તેણે હેલિકોપ્ટરના વ્હિલ બેઝને પણ નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલ છે.

કંઇ રીતે સુરક્ષામાં આવી ગઇ ચૂક

સીઆઈએસએફના સૂત્રોના જણાવ્યાનુસાર, યોગેશ ત્રિપાઠી નામનો આ 21 વર્ષનો યુવક બીસીએ થર્ડ યરનો વિદ્યાર્થી છે. તેણે સીઆઈએસએફ જવાનો જેવું જેકેટ પહેર્યું હોવાથી ગેટ પર ઉભેલા સુરક્ષાકર્મીઓએ તેને અંદર જવા દીધો હતો. સ્ટેટ હેંગર બહાર મધ્યપ્રદેશ પોલીસની પણ ચેકપોસ્ટ છે, પરંતુ ત્યાં પણ તેના જેકેટના કારણે જવાનો છેતરાઈ ગયા હતા. ત્યાર પછી તેણે સીઆઈએસએફ ચેકપોસ્ટ પર ગાર્ડને કાર્ડ બતાવીને ઘૂસણખોરી કરી હતી.

આ વીડિયો પણ જુઓ : દિલ્હીના શાહીનબાગ ખાતે પ્રદર્શન સામે પ્રદર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન