Man Sold His One Property To Two Different People and Did Fraud
  • Home
  • Gujarat
  • ગજબનો ભેજાબાજ, એક જ મિલકત અલગ અલગ વ્યક્તિને વેચી કરી લાખોની છેતરપિંડી

ગજબનો ભેજાબાજ, એક જ મિલકત અલગ અલગ વ્યક્તિને વેચી કરી લાખોની છેતરપિંડી

 | 10:21 pm IST

ભેજાબાજો દ્વારા છેતરપીંડી કરવા માટે નીતનવી તરકીબો અપનાવવામાં આવતી હોય છે, ત્યારે પંચમહાલ જીલ્લાનાં હાલોલ ખાતે આવા જ એક ભેજાબાજ દ્વારા પોતાની જમીન અલગ અલગ વ્યક્તિને બતાવી તેમની પાસેથી કરોડો ખંખેરી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પંચમહાલ જીલ્લાનાં ઔદ્યોગિક હબ ગણાતા હાલોલમાં વિશાળ ક્ષેત્રમાં જી.આઈ.ડી.સી. આવેલી છે અને આ જી.આઈ.ડી.સી.માં રાજ્ય અને રાજ્ય બહારનાં ઉદ્યોગકારો દ્વારા પોતાના ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે છે. તેવી જ રીતે મૂળ મહેસાણા જીલ્લાનાં કડી ગામના રહેવાસી અને મેસર્સ ગણેશ ટ્રેડીંગ કંપનીનાં માલિક કાનજી વાસી રબારીએ સને ૨૦૧૧ માં હાલોલ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ સર્વે નંબર ૨૧૦૩/એ અને ૨૧૦૩/બી ની જમીન ખરીદી અને તે જમીન પર ઔદ્યોગિક એકમ સ્થપાય તેવા શેડનું બાંધકામ સને ૨૦૧૨માં કર્યું હતું અને બાદમાં આ કાનજી રબારી દ્વારા આ મિલકતનો દસ્તાવેજ બનાવી કોઈ વ્યક્તિને ઉંચી રકમ વસુલી વેચી દેવામાં આવી હતી.

બાદમાં આ ભેજાબાજ દ્વારા આજ મિલકતને વેચવા માટે વડોદરા રહેવાસી દિલીપ અગ્રવાલને બતાવવામાં આવી અને મિલકતનો રૂ.૨ કરોડ ૭૭ લાખમાં સોદો નક્કી કરી રૂ.૧ કરોડ ૮૫ લાખ રૂપિયા તે સોદાની અવેજમાં લઈને તે મિલકતનો અન્ય એક વેચાણ દસ્તાવેજ બનાવી આપ્યો હતો. બાદમાં દિલીપ અગ્રવાલ દ્વારા તપાસ કરવામાં આવતા તેમને માલુમ પડ્યું હતું કે જે મિલકતનાં તેમણે રૂ.૧ કરોડ ૮૫ લાખ ચૂકવ્યા છે તે મિલકત અન્યને પહેલાથી જ વેચી દેવામાં આવી છે, ત્યારે તેઓ સાથે છેતરપીંડી આચરવામાં આવી હોવાનું માલુમ પડતા દિલીપ અગ્રવાલ દ્વારા હાલોલ ટાઉન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોધાવી હતી. પોલીસે દિલીપ અગ્રવાલની ફરિયાદના આધારે આરોપી કાનજી રબારીની ગણતરીનાં કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ભેજાબાજ દ્વારા તેની એક જ મિલકતને અલગ અલગ વ્યક્તિઓને બતાવી નાણા ખંખેરી લેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. કાનજી રબારી દ્વારા વડોદરાનાં ભક્તશરણ પટેલ પાસેથી ૧૪ લાખ, આશિષ શાહ પાસેથી ૧૫ લાખ, ભાવેશ જૈન પાસેથી ૧૦ લાખ અને અરવિંદ ચૌધરી પાસેથી ૨૫ લાખ રૂપિયા આજ મિલકતનાં નામે પડાવી લીધા હોવાની વિગતો બહાર આવી છે. ત્યારે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલા આ ભેજાબાજ દ્વારા હજુ કેટલાને પોતાની આ મોડેસ ઓપરેન્ડીનો શિકાર બનાવવામાં આવ્યા છે તે દિશામાં વધુ સઘન તપાસ કરવા માટે તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન