માન્ચેસ્ટર સિટીએ પાંચ મેચ પહેલાં જ પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું - Sandesh
  • Home
  • Sports
  • Football
  • માન્ચેસ્ટર સિટીએ પાંચ મેચ પહેલાં જ પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું

માન્ચેસ્ટર સિટીએ પાંચ મેચ પહેલાં જ પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું

 | 1:19 am IST

લંડન, તા. ૧૬

માન્ચેસ્ટર સિટીએ કટ્ટર પ્રતિસ્પર્ધી માન્ચેસ્ટર યુનાઇટેડના પરાજયની સાથે ઇંગ્લિશ પ્રીમિયર લીગનું ટાઇટલ જીતી લીધું છે. માન્ચેસ્ટર યુનાઇટેડને વેસ્ટ બ્રોમવિચે અપસેટ સર્જતાં ૧-૦થી પરાજય આપ્યો હતો. આ હાર સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી માન્ચેસ્ટર યુનાઇટેડ ટાઇટલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી અને માન્ચેસ્ટર સિટીએ ૩૩ મેચમાં ૮૭ પોઇન્ટ સાથે ટાઇટલ જીતી લીધું હતું. પ્રીમિયર લીગમાં માન્ચેસ્ટર સિટીને હજુ પાંચ મેચ રમવાની બાકી છે પરંતુ માન્ચેસ્ટર સિટી પોતાના બાકીના પાંચેય મુકાબલા હારી જાય તો પણ ફેર નહીં પડે. માન્ચેસ્ટર યુનાઇટેડના ૩૨ મેચમાં ૭૧ પોઇન્ટ હતા અને ટાઇટલની રેસમાં ટકી રહેવા પોતાના બાકીના છએ છ મુકાબલા જીતવા જરૂરી હતા પરંતુ વેસ્ટ બ્રોમવિચે પરાજય આપતાં માન્ચેસ્ટર યુનાઇટેડના ૩૩ મેચમાં ૭૧ પોઇન્ટ છે. હવે તે બાકીના પાંચેય મુકાબલા જીતે તો પણ પ્રથમ નંબરે રહેલી માન્ચેસ્ટર સિટીને પાછળ છોડી શકે તેમ ન હોવાથી માન્ચેસ્ટર સિટીએ ટાઇટલ જીતી લીધું હતું. આ લીગમાં લિવરપૂલ ૩૪ મેચમાં ૭૦ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. માન્ચેસ્ટર સિટીએ ૩૩ મેચ પૈકી ૨૮માં વિજય મેળવ્યો હતો. ત્રણ મેચ ડ્રો કરવામાં સફળતા મળી હતી જ્યારે બે મેચમાં હાર મળી હતી. આ બંને મેચમાં લિવરપૂલે પરાજય આપ્યો હતો. માન્ચેસ્ટર સિટી પાંચ પૈકી ત્રણ મેચ જીતી જાય તો તે પ્રીમિયર  લીગની એક સિઝનમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમ બની જશે. માન્ચેસ્ટર સિટીએ આ ૩૩ મેચ દરમિયાન ૯૩ ગોલ કર્યા છે અને તેઓ બાકી રહેલી પાંચમાં સાત ગોલ કરે તો પ્રીમિયર લીગની એક સિઝનમાં ૧૦૦ ગોલ કરનાર ચોથી ટીમ બની જશે અને જો ૧૧ ગોલ નોંધાવે તો તે પ્રીમિયર લીગની એક સિઝનમાં સૌથી વધુ ગોલ કરનાર ટીમ બની જશે. માન્ચેસ્ટર સિટીએ પાંચ મુકાબલા બાકી રહેતાં ટાઇટલ જીતી લીધું હતુ અને તે પ્રીમિયર લીગમાં પાંચ મેચ બાકી રહેતાં ટાઇટલ જીતવાના માન્ચેસ્ટર યુનાઇટેડ અને એવર્ટનના રેકોર્ડની બરાબરી કરી હતી. માન્ચેસ્ટર યુનાઇટેડે ૧૯૦૭-૦૮ અને ૨૦૦૦-૦૧ તેમજ એવર્ટને ૧૯૮૪-૮૫માં પાંચ મેચ બાકી રહેતાં ટાઇટલ જીત્યું હતું.

માન્ચેસ્ટર સિટી આ સાથે ત્રીજી વખત પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બની આર્સેનલની બરાબરી કરી હતી. આર્સેનલે પણ ત્રણ વખત ટાઇટલ જીત્યું છે. પ્રીમિયર લીગમાં સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ માન્ચેસ્ટર યુનાઇટેડના નામે છે. યુનાઇટેડે ૧૩ વખત ટાઇટલ જીત્યું છે જ્યારે બીજા નંબરે ચેલ્સી છે જેણે પાંચ વખત ટાઇટલ જીત્યું છે.

તારીખની દૃષ્ટિએ માન્ચેસ્ટર સિટી સૌથી ઝડપી ટાઇટલ જીતવાના મામલે માન્ચેસ્ટર સિટી બીજા સ્થાને છે. આ પહેલાં માન્ચેસ્ટર યુનાઇટેડે ૧૪ એપ્રિલ ૨૦૦૧ના રોજ ટાઇટલ જીત્યું હતું જે તારીખની દૃષ્ટિએ સૌથી પહેલાં ટાઇટલ જીતવાનો રેકોર્ડ છે.

મોનાકોને ૭-૧થી કચડી નાખી પેરિસ સેન્ટ જર્મેઇન લીગ-૧માં ચેમ્પિયન

પેરિસ સેન્ટ જર્મેઇને મોનાકોને ૭-૧થી કચડી નાખી ફ્રેન્ચ લીગ વનનું ટાઇટલ જીતી લીધું હતું. પીએસજીના ૩૩ મેચમાં ૮૭ પોઇન્ટ છે જ્યારે બીજા સ્થાને રહેલી મોનાકોના ૩૩ મેચમાં ૭૦ પોઇન્ટ છે. આમ, પીએસજીએ મોનાકો સામે ૧૭ પોઇન્ટની લીડ મેળવી લીધી છે. બંનેને હજુ પાંચ-પાંચ મેચ રમવાની છે. મોનાકો પોતાની બાકીની પાંચેય મેચ જીતે તો પણ પેરિસ સેન્ટ જર્મેઇનને પાછળ છોડી નહીં શકે. મોનાકો સામેની મેચમાં પેરિસ સેઇન્ટ જર્મેઇન તરફથી લો સેલ્સોએ ૧૪મી અને ૨૭મી મિનિટે, કવાનીએ ૧૭મી મિનિટે એન્જલ ડી મારિયાએ ૨૦મી અને ૫૮મી મિનિટે, ડ્રેક્સલરે ૮૬મિનિટે ગોલ કર્યો હતો જ્યારે ફાલ્કોએ આત્મઘાતી ગોલ કરી પીએસજીના ગોલમાં વધારો કર્યો હતો. મોનાકો તરફથી રોની લોપેઝે એક માત્ર ૩૮મી મિનિટે ગોલ કર્યો હતો. કારમો પરાજય મેળવનાર મોનાકો ટીમે પોતાના નિરાશાજનક પ્રદર્શન બદલ ટીમના પ્રશંસકોને રિફંડ આપવાની ઓફર કરી હતી.

લા લીગા : રિયલ મેડ્રિડનો મલાગા સામે ૨-૧થી વિજય

રિયલ મેડ્રિડે સ્પેનિશ લીગ લા લીગામાં મલાગાને ૨-૧થી પરાજય આપી પોઇન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગેરહાજરીમાં ઇસ્કો અને કેસેમિરોએ ૧-૧ ગોલ કર્યો હતો. મલાગા તરફથી ડિયાગો રોલેને એક ગોલ કર્યો હતો. રિયલ મેડ્રિડ તરફથી ઇસ્કોએ મેચની ૨૯મી મિનિટે ફ્રી કિક પર ગોલ કર્યો હતો જ્યારે ૬૩મી મિનિટે ઇસ્કોએ પાસ કરેલા બોલને કેસેમિરોએ ગોલમાં તબદીલ કરી ટીમને ૨-૦ની લીડ અપાવી હતી. નિર્ધારિત ૯૦ મિનિટ સુધી રિયલ મેડ્રિડે ૨-૦ની લીડ જાળવી રાખી હતી. દરમિયાન ઇન્જુરી ટાઇમમાં ૯૦+૩ મિનિટે ડિયાગો રોલેએ ગોલ કરી લીડ ઘટાડી હતી પરંતુ તે પછી ગોલ કરવામાં સફળતા ન મળતાં રિયલે ૨-૧થી મેચ જીતી લીધી હતી. બાર્સેલોના ૩૨ મેચ બાદ ૮૨ પોઇન્ટ સાથે પ્રથમ અને એટલેટિકો મેડ્રિડ ૩૨ મેચ બાદ ૭૧ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે.