mandal honor killing brother plotted on learning of Sister pregnancy
  • Home
  • Featured
  • ઉર્મિલા ગર્ભવતી હોવાના કારણે ઇન્દ્રજીતે ઘડ્યો હતો દલિત બનેવીની હત્યાનો પ્લાન

ઉર્મિલા ગર્ભવતી હોવાના કારણે ઇન્દ્રજીતે ઘડ્યો હતો દલિત બનેવીની હત્યાનો પ્લાન

 | 2:53 pm IST

માંડલના વરમોરમાં અભયમ્ 181ની ટીમ અને પોલીસની હાજરીમાં જ હરીશ યજવંતભાઈ સોલંકી (ઉ.વ.ર૩) નામના દલિત યુવાનની સોમવારે રાત્રે કરપીણ હત્યા કરી હતી. પ્રેમલગ્ન કર્યા બાદ પોલીસ સાથે પોતાની પત્નીને લેવા ગયેલા દલિત યુવાનને યુવતીના પિતા, ભાઈ સહિત આઠ ઈસમોએ ધારિયા, તલવાર, છરી તેમજ લાકડીથી જીવલેણ હુમલો કરીને યુવાનને જાહેરમાં રહેંસી નાખ્યો હતો. પરંતુ પ્રાપ્ત માહિતી સાથે તમને જણાવી દઇએ કે, ખુદ હરેશનાં સાળાએ જ તેને ફોન કરીને ઉર્મિલાને તેડી જવાનું કહ્યું હતું.

આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, ઉર્મિલા ગર્ભવતી હોવાની જાણકારી તેના ભાઇ ઇન્દ્રજીત સિંહ ઝાલાને મળતા જ તેણે હરેશ સોલંકીનો કાંટો કાઢવાનો નિર્ણય લીધો હતો.આ માટે ગર્ભવતી ઉર્મિલાને તેના પિયરિયાઓ જ પોતાના ઘરે તેડી લાવ્યા હતાં. અને ત્યાર બાદ હરેશ અને ઉર્મિલા વચ્ચેનો સંપર્ક કપાઇ ગયો હતો. જેકે જ્યારે હરેશ ઉર્મિલાને મેળવવા માટે અભયમની ટીમ સાથે ઉર્મિલાનાં ઘરે પહોંચ્યો ત્યારે ઉર્મિલાનાં પરિવારજનો હરેશ પર તૂટી પડ્યા હતાં. અને તેની ગામમાં જ હત્યા કરી નાંખી હતી.

આ મામલે એવી પણ માહિતી સામે આવી રહી છે કે, ઉર્મિલા તેના પિયર આવી ત્યારે ઇન્દ્રજીતે જ તેને હરેશ સાથે વાતચીત કરતા રોકી હતી. છેલ્લા બે મહિનાથી ઇન્દ્રજીત ઉર્મિલાને હરેશ સાથે વાતચીત કરવા દેતો નહતો.

માંડલ તાલુકાના વરમોર ગામે થયેલી દલિત યુવાનની હત્યા કેસના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે સુરેન્દ્રનગર સહિત ચાર જિલ્લામાં દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં પોલીસે આઠ પૈકી ત્રણ આરોપી હરીશચંદ્ર પરબતસિંહ ઝાલા, ઈન્દ્રજિતસિંહ ઝાલા અને હસમુખસિંહ ઝાલા નામના શખ્સોની ધરપકડ કરી લીધી છે. દલિત યુવાનની હત્યા કરીને ફરાર થયેલા આરોપીઓ તેઓના સંબંધીને ત્યા છુપાયા હોવાની શંકા રાખીને પોલીસે સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં તપાસ શરૂ કરી છે.

હરેશની હત્યા મુદ્દે લોકસભામાં કોંગ્રેસના સાંસદે નોટિસ આપી

આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવક હરેશ સોલંકીની માંડલના વરમોરમાં થયેલી હત્યાનો પડઘો બુધવારે લોકસભામાં પડયો હતો. કેરળથી કોંગ્રેસના સાંસદ કે. સુરેશે ગુજરાતમાં માનવ અધિકારના હનન મુદ્દે સરકારની જવાબદેહિતા મુદ્દે સભા મોકૂફ કરવાના પ્રસ્તાવની નોટિસ આપી છે. જેના પર લોકસભા અધ્યક્ષ નિર્ણય કરશે.  મંગળવારે હરેશની હત્યા થઈ ત્યારે ગુજરાત વિધાનસભા રાબેતા મુજબ ચાલુ હતી. ગઈકાલે ભાજપ કે કોંગ્રેસ બેઉમાંથી એક પણ ધારાસભ્યે સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ સુદ્ધાં કર્યો નહોતો. બુધવારે દિલ્હીમાં લોકસભામાં આ મુદ્દો ઊઠયા પછી પણ કોંગ્રેસના ધારાસભ્યો ચૂપ રહ્યા છે. મંગળવારે આ ઘટના બાદ અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નિયમ-૧૧૬ હેઠળ વિધાનસભાનું ધ્યાન દોરવા અધ્યક્ષને નોટિસ આપવાનું જાહેર કર્યું હતું. બુધવારે આ નોટિસ અધ્યક્ષ કાર્યાલયને પહોંચાડી દેવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન