Mandatory return of confiscated documents not supported in the notice
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • નોટિસમાં આધાર ન લેવાયેલ જપ્ત દસ્તાવેજો પરત કરવા ફરજિયાત

નોટિસમાં આધાર ન લેવાયેલ જપ્ત દસ્તાવેજો પરત કરવા ફરજિયાત

 | 7:15 am IST
  • Share

GST કાયદા હેઠળ નોંધાયેલ દરેક વ્યક્તિ તેની વેરાકીય જવાબદારી કાયદા અનુસાર નિભાવે તે આવશ્યક છે. કરચોરી અટકાવવા જ્યાં જરૂર જણાય ત્યાં અધિકારી દ્વારા તપાસ થાય અને વેરાની યોગ્ય વસૂલાત માટે પગલાં લઈ શકાય તે માટે GST કાયદાની કલમ ૬૭માં જોગવાઈ કરવામાં આવી છે અને તેને આનુસંગિક નિયમો ૧૩૯થી ૧૪૧ ઘઢવામાં આવેલ છે. જપ્ત કરેલ દસ્તાવેજોનો નોટિસમાં આધાર ન લેવાયેલ હોય તો પરત કરવા પડે તેવી કાયદાકીય જોગવાઈ ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવા માન. ગુજરાત હાઇકોર્ટે તા. ૧-૨-૨૦૨૧ના રોજ યુનિવર્સલ ડાયકેમ પ્રા. લિ. વિ. યુનિયન ઓફ ઇન્ડિયા એસ.સી.એ. નંબર ૧૬૫૪ ઓફ ૨૦૨૧માં હુકમ કરેલ છે. કાયદાની આ જોગવાઈઓ અને માન. હાઇકોર્ટના ચુકાદાની માહિતી આજના લેખમાં આપેલ છે.

માલ કે દસ્તાવેજોની તપાસ અને જપ્તીનો અધિકાર

GSTની કલમ ૬૭ (૨) અનુસાર જ્યારે સંયુક્ત કમિશનરથી નીચેની ન હોય તેવી પાયરીના યોગ્ય અધિકારીને તેમના દ્વારા કરવામાં આવેલ તપાસના આધારે કે અન્યથા એવું માનવાને કારણ હોય કે કોઈપણ માલને જપ્ત કરવો કે એવા કોઈ પણ દસ્તાવેજો, ચોપડા કે અન્ય ચીજો કે જે કાયદા હેઠળની કોઈપણ પ્રક્રિયા માટે ઉપયોગી કે સંબંધિત થઈ શકે તેમ છે અને તેને કોઈ જગ્યામાં છુપાવવામાં આવેલ છે તો તેઓ જાતે અથવા FORM GST INS-૦૧માં કોઈપણ અધિકારીને તપાસ અને જપ્તી માટે સત્તા આપી શકે છે. કલમ ૬૭ (૪) મુજબ જ્યારે અધિકારીને કોઈ જગ્યાની તપાસ કરવા સત્તા આપવામાં આવી હોય અને તે અધિકારીને તે જગ્યામાં પ્રવેશ કરવા દેવામાં ન આવે તો તેનું બારણું સીલ કરવાની કે તેને તોડીને ખોલવાની તેને સત્તા રહેશે. તેવી જ રીતે કોઈ તીજોરી, ઇલેક્ટ્રોનિક સાધન, બોક્સ કે કોઈપણ વસ્તુ કે જેમાં માલ, ચોપડા, રજિસ્ટર કે દસ્તાવેજો સંતાડવામાં આવ્યાની શંકા હોય તેને તપાસવા દેવામાં ન આવે તો તેને તોડીને ખોલવાની અધિકારીને સત્તા રહેશે. જ્યારે કોઈ માલ, ચોપડા, દસ્તાવેજો કે કોઈ વસ્તુને જપ્ત કરવામાં આવે ત્યારે તે અંગેનો આદેશ FORM GST INS-૦૨માં કરવામાં આવશે. માલ કે કોઈ ચીજની જપ્તી કર્યા બાદ અધિકારી તે માલ તેના માલિક કે રખેવાડને તે સાચવી રાખવા આદેશ  કરી શકશે અને આવો આદેશ થયા બાદ તે વ્યક્તિ અધિકારીની પૂર્વ મંજૂરી વગર તે માલને લગતો કોઈપણ વ્યવહાર કરી શકશે નહીં. જે કોઈ માલ, દસ્તાવેજ, ચોપડા કે વસ્તુને જપ્ત કરવામાં આવે તેનું વર્ણન, જથ્થાની યાદી બનાવવાની રહેશે અને તેના પર જરૂર જણાય ત્યારે કોઈ નિશાની કરીને જેની પાસેથી તે જપ્ત કરવામાં આવેલ હોય તેની સહી મેળવવાની રહેશે.

જપ્ત કરેલ માલ કે દસ્તાવેજ રાખવા માટેની સમયમર્યાદા

કલમ ૬૭ (૨)ના બીજા પરંતુક મુજબ જપ્ત કરેલ માલ, દસ્તાવેજ, ચોપડા કે અન્ય ચીજો ત્યાં સુધી રાખવામાં આવશે કે જ્યાં સુધી તેની તપાસ કરવા માટે કે કાયદા હેઠળની કોઈ કાર્યવાહી માટે તે જરૂરી હોય. કલમ ૬૭ (૩) મુજબ જો જપ્ત કરવામાં આવેલ દસ્તાવેજો, ચોપડા કે અન્ય ચીજો પર આધાર રાખીને નોટિસ આપવામાં આવેલ ન હોય તો નોટિસ આપ્યાના ૩૦ દિવસથી વધુ નહીં તેટલા સમયમાં જપ્ત કરેલ તમામ દસ્તાવેજો, ચોપડા કે ચીજો પરત કરવાના રહેશે. કલમ ૬૭ (૭) મુજબ માલ જપ્ત કર્યાના ૬ માસમાં અને જરૂર જણાય ત્યાં બીજા ૬ માસથી વધુ નહીં તેટલા સમયમાં તેને લગતી કોઈ જ નોટિસ આપવામાં ન આવે તો જે વ્યક્તિના કબજામાંથી તે માલ જપ્ત કરવામાં આવેલ હોય તેને તે પરત કરવાનો રહેશે.

રજૂ કરવામાં આવેલ દસ્તાવેજો જપ્ત કરવાની સત્તા

જો અધિકારીને એમ માનવાને કારણ હોય કે કોઈ વ્યક્તિએ કરચોરી કરેલ છે અથવા કરચોરી કરવા પ્રયત્ન કરે છે તો તેના અંગેના કારણોની નોંધ કરીને તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલ ચોપડા, રજિસ્ટર કે દસ્તાવેજો તે જપ્ત કરી શકશે અને તેની પહોંચ આપશે અને કાયદા કે નિયમો હેઠળની ફોજદારી કાર્યવાહી માટે જરૂરી હોય તેટલા સમય સુધી તેને રાખી શકશે.

દસ્તાવેજોની નકલ કરવાની છૂટ

કલમ ૬૭ (૫) મુજબ જે વ્યક્તિના કબજામાંથી કોઈ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોય તેને અધિકારી દ્વારા નિયુક્ત કરેલ સમયે અને સ્થળે અધિકારીની હાજરીમાં તેની નકલ કરવાની કે તેની તારીજ મેળવવાનો હક રહેશે સિવાય કે અધિકારીના મત મુજબ આવી નકલ કે તારીજ આપવા દેવાથી તપાસમાં અડચણ ઊભી થઈ શકે તેમ હોય.

યુનિવર્સલ ડાયકેમ પ્રા. લિ.નો ચુકાદો

માન. ગુજરાત હાઇકોર્ટ સમક્ષના કેસની હકીકત એવી હતી કે તા. ૬-૨-૨૦ના રોજ જપ્ત થયેલ દસ્તાવેજો વારંવારની રજૂઆત છતાં ન તો પરત કરવામાં આવતા હતા કે ન તો તેની નકલ કરવા દેવામાં આવતી હતી. આથી માન. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરવામાં આવી. વેપારી તરફે રજૂઆત કરવામાં આવી કે વારંવારની રજૂઆત છતાં અને અધિકારી દ્વારા નોટિસમાં જપ્ત દસ્તાવેજોનો આધાર ન લેવામાં આવ્યો હોવા છતાં તે પરત કરવામાં આવતું નથી કે તેની નકલ લેવા દેવામાં આવતી નથી. રોજબરોજના ધંધામાં વેપારીને આ સાહિત્યની જરૂરિયાત હોવાથી તે તેને પરત મળવું જોઈએ. કોર્ટના મત મુજબ જ્યારે નોટિસમાં જપ્ત સાહિત્યનો આધાર લેવામાં ન આવેલ હોય ત્યારે તે વેપારીને પરત કરવું જોઈએ. કોર્ટના મત મુજબ જો અધિકારી વેપારીને સાહિત્ય પરત કરવા માગતા ન હોય તો તેના કારણોની વેપારીને જાણ કરવી જોઈએ. આ ઓર્ડર બજાવવામાં આવે તેના એક અઠવાડિયામાં કાયદા અનુસારનો યોગ્ય નિર્ણય કરવા કોર્ટે અધિકારીને જણાવેલ છે.

આ વીડિયો પણ જૂઓ: અમદાવાદના સ્ટેડિયમમાં રચાયો ઇતિહાસ, ભારતની 10 વિકેટે જીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન