Mandsaur rape case: Two accused awarded double death sentence
  • Home
  • India
  • મંદસૌર રેપકાંડ : 55 દિવસમાં હેવાનોને બેવડી ફાંસીની સજા

મંદસૌર રેપકાંડ : 55 દિવસમાં હેવાનોને બેવડી ફાંસીની સજા

 | 7:15 am IST

। મંદસૌર ।

મધ્ય પ્રદેશનાં મંદસૌરમાં ૭ વર્ષની માસૂમ બાળકી પર નરાધમો દ્વારા બળાત્કાર કરવાની ઘટનામાં કોર્ટે બંને આરોપીઓને ફાંસીની સજા કરી હતી. બંને નરપિશાચોએ બાળકી સાથે નિર્ભયા કાંડ જેવી જંગલિયત આચરી હતી. વિશેષ અદાલત દ્વારા મંગળવારે ઈરફાન (૨૦) અને આસિફ (૨૪) નામના બે નરાધમોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે આ કેસને માત્ર ૫૫ દિવસમાં જ પૂર્ણ કરી દીધો હતો અને આઇપીસીની ધારા ૩૭૬એબી અને ૩૭૬ડી અંતર્ગત બેવડી ફાંસીની સજા ફટકારી છે.

ઉલ્લેખનીય છે કે, ૨૬ જૂને બંને આરોપીઓ બાળકીને સ્કૂલની બહારથી મીઠાઇની લાલચ આપી ફોસલાવીને લઇ ગયા હતા. તેમણે એકાંત જગ્યા પર લઇ જઇ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બીજા દિવસે તે ઝાડી-ઝાંખરામાં બેભાન મળી આવી હતી. ડોક્ટરોએ તેને ઇંદોરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખી હતી. સદ્નસીબે બાળકીને જીવ બચી ગયો અને તેણે બંને આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં જુબાની પણ આપી હતી. આ કેસમાં પોલીસે ૧૯૭ પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ૩૫ સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. સીટ દ્વારા ૨૦ દિવસમાં જ ૩૫૦ પાનાનું ચલણ રજૂ કરી દેવાયું હતું. ફોરેન્સિક અને ડીએનએ રિપોર્ટ પણ રજૂ કરાયા હતા.

મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં બાળકીઓ પર રેપ કેસમાં ૧૪ લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

શું હતી ઘટના?

મંદસૌરની સ્કૂલમાં ભણતી ૭ વર્ષની બાળકીનું ઈરફાન અને આસિફ નામનાં યુવકે સ્કૂલ છૂટયા પછી અપહરણ કર્યું હતું અને તેને એકાંતમાં લઈ જઈ તેની પર બંને આરોપીએ ગેંગરેપ કર્યો હતો. બીજા દિવસે બાળકી અતિ ગંભીર હાલતમાં નજીકની ઝાડીમાંથી મળી આવી હતી. તેને  ઇંદોરની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બાળકીના ગળા, માથા અને ચહેરાના ભાગે ધારદાર હથિયારથી હુમલો કરાયો હતો. બાળકી સાથે નિર્ભયા કેસ કરતાં પણ ભયાનક પશુતા આચરી હતી. શરીરની અંદર બાળકીનાં  આંતરડાં અને ગુપ્તાંગના ભાગ છૂટા પડી ગયા હતા. તેના ઉપર ઘણી સર્જરી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન