મંગલધ્વનિ ! - Sandesh

મંગલધ્વનિ !

 | 12:01 am IST

નવલિકા । હરિભાઉ મહાજન

”પછી આપણા પરેશનું કેટલે પહોંચ્યું?” ચીમનભાઈએ આવીને ખુરશી પર બેસતાં સીધી પરેશની જ વાત શરૂ કરી.

ગિરધરભાઈએ નિરાશાના ભાવ સાથે માથું હલાવ્યું, ”હજી કંઈ ઠેકાણું પડયું નથી.” નિરાશ સ્વરે એમણે ખુલાસો કર્યો.

ચીમનભાઈ લગ્નસંબંધનાં ચોક્ઠાં ગોઠવવાનું કામ કરે છે. ધંધાદારી રીતે નહીં, પણ સ્વેચ્છાએ સ્વીકારેલા સામાજિક કાર્ય તરીકે. નિવૃત્ત શિક્ષક છે. હરતાફરતા રહેવાય એવી તંદુરસ્તી છે ને સમાજમાં એમને સારો આવકાર પણ મળતો રહે છે. એમનું આમ જ એક સૂચન બંને પક્ષ દ્વારા સ્વીકરાયું ને ત્યારથી એમને આ સેવાકાર્ય કરવામાં વધારે રસ પડવા માંડયો, જાણે નિવૃત્તિના સમયનો સદુપયોગ!

ને એ કાર્ય શરૂ કરતાં જ એમના માધ્યમથી ત્રણેક જોડાં ગોઠવાઈ ગયેલાં. પછી તો છોકરા-છોકરીઓના ગરજાઉ વાલીવારસો એમને-અમારા દીકરા માટે, અમારી દીકરી માટે કોઈ યોગ્ય પાત્ર હોય તો જોતાં રહેજો- એવી વિનંતીઓ કરતા થઈ ગયેલા ને એમ પ્રોત્સાહન મળતાં ચીમનભાઈ એ પ્રવૃત્તિમાં વધારે રસ લઈને નિષ્ઠાપૂર્વક સક્રિય થતા ગયા.

ચીમનભાઈએ એક પ્રકારની સમાજસેવાના રૂપમાં એ પ્રવૃત્તિ સ્વીકારી લીધી ને જતે દા’ડે તો જાણે એમાં સ્પેશિયાલિસ્ટ જ બની ગયા! પણ એમાં એમની ગતિવિધિ વધતાં આગંતુકોની વધતી જતી અવરજવર અને એને લગતી ઠાઠવેઠના કારણે ઘરમાં જુદો સૂર નીકળવા લાગ્યો!

”તમે આ ધંધો ક્યાં લઈ બેઠા? કૂટશે માથાં એમની મેળે, જેમને ગરજ હશે તે. આપણે નાહકની પંચાત ને વેઠ કરવાની શું જરૂર? કોઈની વાતમાં અમથું માથું મારવું, ને અવળું પડે એટલે અપજશ જ ને? કોઈ છોકરા-છોકરીનો મનમેળ ના થયો ને છૂટા પડવાનું થયું તો કહેશે ચીમનભાઈએ દેખાડયું’તું. સમજો જરા.” શરૂઆતમાં ચીમનભાઈનાં ધર્મપત્નીને એમના આ સમાજકાર્ય પ્રત્યે આવો વાંધો હતો. આમ તો આમાં એમનીયે ઊઠબેઠ વધતી જતી હતી, એનો જ ખરો વાંધો હશે ને?!

”અલ્યા ભઈ, આપણું તો આંગળી ચીંધવાનું કામ. બાકીનું તો છોકરા-છોકરીવાળાએ જોવાનું. ફાવે, ના ફાવે, એમાં આપણે શું કરીએ? એમાં આપણી કંઈ જવાબદારી નહીં.” ચીમનભાઈએ સ્પષ્ટતા કરતાં પોતાનું વલણ જણાવ્યું. ”બધા કિસ્સામાં એવું કંઈ બને નહીં. આપણે તો કોઈનું ભલું થતું હોય તો ખાલી ચંપલ ઘસવાનું જ કામ કરવાનું છે ને?”

ભાવનાબહેનને ચીમનભાઈના ખુલાસાથી કંઈ સંતોષ થયો નહીં, પણ ‘એ’ નહીં માને, એની ખાતરી થતાં એમણે માથાકૂટ કરવાનું પડતું મૂક્યું. ને પછી તો ચીમનભાઈની સેવાની હોંશમાં ચા-પાણીનાં કપ-રકાબી, ખખડાવવાના કામમાં ઈચ્છા-અનિચ્છાએ એમને પણ જોતરાવું પડયું. અલબત્ત, મોઢું તો હસતું રાખવું જ પડે ને?! ને એમ ભાવનાબહેનની અપજશની બીક છતાં ચીમનભાઈની પ્રવૃત્તિ કશી અડચણ વગર ચાલુ રહી.

પરણવાલાયક થયેલાં છોકરા-છોકરીના મા-બાપ પોતે તો યોગ્ય પાત્રની શોધખોળ કરે જ. ને વધારામાં કોઈ અવેતન મેરેજ બ્યૂરોની જેમ ઉપયોગી થાય એવું હોય તો એની મદદ પણ લે ગિરધરભાઈએ પણ એ રીતે જ ચીમનભાઈના કાને વાત નાખી રાખી હતી. એ સંદર્ભમાં જ ચીમનભાઈએ આજે આવ્યા હતા.

”તમને ગમે તો એક સૂચન કરું?” ગિરધરભાઈ સામે જોઈને ચીમનભાઈએ હસતાં હસતાં પ્રશ્ન કર્યો.

ગિરધરભાઈના મનમાં આશા અને એટલી જ ઉત્સુકતા પણ જાગી. પરેશના સગપણ માટે ચારેક વર્ષથી મથામણ ચાલતી હતી, પણ કંઈ ઠેકાણું પડતું નહોતું. ગિરધરભાઈની નિરાશા ઘેરી થતી જતી હતી. એકનો એક દીકરો રખડી પડશે કે શું, એવી ચિંતા પણ થવા લાગી હતી. એવી સ્થિતિમાં ચીમનભાઈના આગમનથી એમના મનમાં આશા અને ઉત્સાહનો સંચાર થાય, એ સ્વાભાવિક હતું. કારણ એ જાણતા હાત કે ચીમનભાઈને આવા કામમાં સારી ફાવટ હતી અને ઘણી સફળતા પણ મળેલી હતી. એ આધારે જ ગિરધરભાઈનો ચહેરો પ્રફુલ્લિત થઈ ગયો હતો ચીમનભાઈના હાવભાવ પરથી એમને લાગ્યું કે એ કંઈ નક્કર વાત લઈને આવ્યા છે. જાણે ચીમનભાઈનો પ્રશ્ન જ શુકનવંતો હોય!

”બોલોને.” ગિરધરભાઈ હરખના ઊભરાતા અવાજે બોલ્યા.

”જુઓ, ગિરધરભાઈ, આ તમારું પણ જાણીતું સ્થળ છે ને બધું બરાબર બંધ બેસતું છે. ફક્ત ઊંચાઈનો તફાવત છે, ને જ્ઞાાતિગોળનો. એ ધ્યાનમાં ન લેવાય તો ઝટ ગોઠવાઈ જાય એમ છે.” ચીમનભાઈએ જાણે પ્રસ્તાવનાથી શરૂઆત કરી.

ગિરધરભાઈના ઉત્સાહમાં થોડી ઓટ આવી.

”અરે ભાઈ, એ જ તો ખરી અડચણ છે. આપણો પરેશ ઠીંગણો છે. ફક્ત ચાર અગિયારનો. હવે તો છોકરીઓ પણ ખાસ્સી ઊંચી હોય છે, એટલે જ મેળ બેસતો નથી. જ્ઞાાતિગોળનું તો જાણે સમજ્યા. આમ તો શરૂઆતમાં અમારો ગોળમાં જ કરવાનો આગ્રહ હતો, પણ એ રીતે મેળ ન બેસતો હોય તો બાંધછોડ કરવી પડે.” પરિસ્થિતિવશ પોતાના આગ્રહો છોડવા પડે ત્યારે માણસ ઢીલો પડી જાય છે. હવે ગિરધરભાઈનું પણ એવું જ થવા લાગ્યું હતું!

”પણ તમે ઊંચી છોકરી સ્વીકારી લો તો? છોકરો જ ઊંચો હોવો જોઈએ, એવો આગ્રહ શા માટે?” ચીમનભાઈ મંદ હાસ્ય સાથે સોગઠી આગળ ખસેડવા લાગ્યા! ”બાકી બધી બાબતોનો મેળ બેસતો હોય તો એકલી ઊંચાઈને શું રોવાની? છોકરીવાળાોને પણ મારે એ જ કહેવાનું છે કે એવી નાની બાબતમાં હઠ છોડો તો છોકરીનું ઠેકાણું પડી જાય. એય વિચાર કરતા થઈ ગયા છે. હવે તમારી તૈયારી હોય તો વાત આગળ વધે.”

ગિરધરભાઈ વિચારમાં પડયા. વાત તો બરાબર લાગે છે. ના કહીશું તો તક સરી જશે ને પછી બીજો કોઈ વિકલ્પ મળે કે નયે મળે. હવે તો દીકરો રાજી થતો હોય તો પતાવી જ નાખીએ. ગિરધરભાઈના મનમાં, સગાઈને લગતી અત્યાર સુધીની નિષ્ફળતાને ધ્યાનમાં લેતાં પોતાનું અત્યાર સુધીનું આગ્રહી વલણ બદલવાની પ્રક્રિયા આમ શરૂ થઈ ગઈ હતી!

”કોની દીકરી છે? ઊંચાઈમાં કેટલો ફેર છે?” આગળ વધવાની માનસિક તૈયારી સાથે ગિરધરભાઈએ પ્રશ્ન કર્યો.

”છોટાભાઈની, તમે એમને ઓળખો જ છો. ઘર બધી રીતે સારું ને તમારા મોભાનું જ છે. છોકરી કદાચ પરેશ કરતાં દોઢેક ઈંચ વધારે ઊંચી હશે.”

”પણ એ લોકો જ તૈયાર ન થાય ને.”

”તમારી ઈચ્છા હોય તો આપણે પ્રયત્ન કરી જોઈએ. છોકરી રૂપાળી ન ગણાય, પણ સાવ નાખી દેવા જેવી નથી. હોશિયાર છે. સ્વભાવે પણ સારી છે. એ લોકો પણ ચાર-પાંચ વર્ષથી શોધખોળ કરે છે, પણ હજી કંઈ મેળ બેઠો નથી. એટલે મને લાગે છે કે…”

”…. વાત કરી જુઓ. હું પણ પરેશને અને એની મમ્મીના કાને વાત નાખી જોઉં. જોકે હવે તો એમનેય વાંધો નહીં હોય, એમ ધારું છું.”

”પહેલાં તમારી પાકી તૈયારી છે, એની ખાતરી થાય તો હું છોટાભાઈનો સંપર્ક કરું.”

”સાંજે તમને જણાવું. સાંજે તમે ઘરે હશો ને?”

”હા, હા, આવો ને. શુભસ્ય શીઘ્રમ્. નહીં આવો તો તમારી ના છે, એમ સમજું ને?”

”ના, ના. હું આવીશ ચોક્કસ. તમે આટલી બધી તકલીફ લો ને હું તમને અસમંજસમાં રાખું, એ યોગ્ય ન ગણાય. એટલે જે હશે તે હું આવીને રૂબરૂમાં જ જણાવીશ. કદાચ મને આવતાં થોડું વહેલું-મોડું થાય, પણ તમે ઘરે જ રહેજો.”

ચીમનભાઈ ગયા ને બહાર ગયેલાં અંજુબહેન ને નોકરી પરથી પરેશ આવી જતાં ઘરમાં ચીમનભાઈએ આવેલી દરખાસ્તને લગતી ચર્ચા શરૂ થઈ. મંજુબહેને અત્યાર સુધીની મથામણના અનુભવે પોતાના વાંધા જતાં કર્યાં. પરેશે પણ ર્માિમક રીતે હસતાં હસતાં માથું હલાવીને મૂક સંમતિ આપી દીધી. એણે ચર્ચામાં કંઈ ભાગ લીધો નહોતો. તમને ઠીક લાગે એમ કરો, એવું વલણ દાખવેલું.

”ચીમનભાઈ, અમારે ત્યાંથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. હવે આગળનું તમારા હાથમાં.” પેલું ચીમનભાઈએ ઉચ્ચારેલું ‘શુભસ્ય શીઘ્રમ્’ સૂત્ર એમના મગજમાં સજ્જડ બેસી ગયું હતું ને હવે ગિરધરભાઈ જાણે એ સૂત્રથી જ સંચાલિત થવા લાગ્યા હતા!

”બહુ સરસ, બેસો. મને ભરોંસો છે કે, કામ થઈ જશે. કાલે સવારે જ છોટાભાઈની મુલાકાત લઉં છું. એમનેય ગરજ છે. છોકરીવાળા છે ને શોધી શોધીને થાકેલા છે, એટલે કદાચ તમારા કરતાંય વધારે ગરજ હશે. એટલે હું માનું છું કે બધું બરાબર ગોઠવાઈ જશે.”

ચીમનભાઈના કથનમાંનો વિશ્વાસનો રણકાર સાંભળીને ગિરધરભાઈ પાછા વળ્યા ત્યારે એમને કાનમાં જાણે ઘરના આંગણે વહુના ઝાંઝરનો ઝણકાર સંભળાવા માંડયો હતો!

ચીમનભાઈ સવારે નવેક વાગે છોટાભાઈને ત્યાં પહોંચ્યા.

”આવો, આવો ચીમનભાઈ. બહુ દિવસે પધરામણી થઈ તમારી.” છોટાભાઈએ હસતા મુખે ઉમળકાભર્યો આવકાર આપ્યો. એમને શુભ ચોઘડિયાનો અણસાર આવી ગયો હશે!

ઉષ્માભર્યા આવકાર અને ચા-નાસ્તાના આતિથ્ય સાથે ચીમનભાઈના આગમનના હેતુ પર તરત જ વાતચીત ચાલુ થઈ ગઈ.

”ચીમનભાઈ, આમ તો બધુંય બરાબર છે, પણ આ ઊંચાઈનો તફાવત? જરા ઓડ લાગે છે, યાર. બીજું કોઈ મેળ બેસે એવું ઠેકાણું હોય તો…”

”… હવે એવું શોધતાં શોધતાં તો આટલાં વર્ષ કાઢયાં. બીજાં કેટલાં કાઢવાં છે ? મેં તમને કહ્યું તો હતું.”

આ બે સજ્જનોની ચર્ચા અંદરના રૂમમાં પલંગ પર પડયાં પડયાં સાંભળતાં હતાં એ ચારુમાસી, પોતાની માંદગી ભૂલીને બેઠકખંડમાં જાણે ધસી જ આવ્યાં!

”એકલી ઊંચાઈ પર થોડી જિંદગી જીવાય છે?” એ બે જણની સાથે જ ખાલી ખુરશી પર ગોઠવાઈને એ તરત ચર્ચામાં સહભાગી થતાં બોલ્યાં, ”કેટલાંય જોડાં સરખી ઊંચાઈનાં, કે છોકરી સહેજ વધારે ઊંચી હોય એવાં જોવા મળે છે. છોકરી ઊંચી હોય તો શું છોકરાનો વટ હેઠો પડી જવાનો છે? તું છોકરીના હાથેથી હવે ક્યાં બેડું ઉતારવાનું રહ્યું છે, તે અડચણ પડે? હવે તો ઘેરેઘેર નળ છે.” ચારુમાસીની મનોરંજક શૈલીથી ચીમનભાઈ અને છોટાભાઈ બંને ખડખડાટ હસી પડયા.

ઊંચાઈ અંગેનો છોટાભાઈનો ખચકાટ એ ખડખડાટમાં જાણે દૂર ધકેલાઈ ગયો ને ચારુમાસીનું સમર્થન મળતાં ચીમનભાઈનો એમના મિશનની સફળતા અંગેનો વિશ્વાસ વધારે દૃઢ થયો. જાણે ચારુમાસીએ સહી-સિક્કા જ કરી દીધા!

”તમારી વાત મને ગમી.” ચીમનભાઈ ચારુબેન તરફ જોઈને સસ્મિત બોલ્યા, ”એમ હશે તો છોકરો, છોકરીઓની જેમ વધારે ઊંચી એડીના બુટ પહેરશે, ને છોકરી સપાટ પાતળા સોલના ચંપલ પહેરશે, એટલે બરાબર થઈ રહેશે ને?”

ચારુમાસી તાળી પાડતાં મોટેથી હસી પડયાં. છોટાભાઈના નકારમાંથી હકાર તરફ જવાનો જાણે રસ્તો મળ્યો!

છોટાલાલને ડર હતો કે, ચારુ એના પહેલાંના વલણ પ્રમાણે ના પાડશે, પણ આ તો ધારણાથી વિરુદ્ધ એણે જ સંબંધ સ્વીકારવાના આગ્રહવાળી ભાષા વાપરવા માંડી, એ જોઈને છોટાભાઈને અર્ધી નિરાંત તો થઈ જ ગઈ, પણ દીકરીનું કેવું વલણ છે, એય જાણવું જોઈએ ને?

છોટાભાઈની નજરનો ભાવ સમજીને ચારુબહેને શોભનાને બૂમ પાડીને બોલાવી.

”શું છે મમ્મી?” અંદર આવતાં શોભનાએ પૂછયું.

”તારી સગાઈની વાત લઈને ચીમનકાકા આવ્યા છે. પેલા ગિરધરકાકાના પરેશને તો તું ઓળખે જ છે ને? તારી સ્કૂલમાં જ હતો ને?”

શોભનાએ હકારમાં માથું હલાવ્યું.

”બસ, તો એની સાથે સંબંધ જોડવાની વાત છે, તું રાજી હોય તો.” ચારુબહેને મનમાં અવઢવ સાથે વાત શરૂ કરી. ”છોકરો હાઈટમાં તારા કરતાં જરા નીચો છે, પણ બીજું બધું સારું છે. ભણતર સારું છે. નોકરી પણ સારા પગારની ને સારા હોદ્દાની છે ને એ ખાનદાન પણ સારું છે.”

”મને વાંધો નથી. તમને યોગ્ય લાગતું હોય તો હા પાડી દો.” ચહેરા પર શરમના બદલે રમૂજભર્યા હાવભાવ સાથે એટલું બોલીને એ અંદર જતી રહી.

શોભનાની સંમતિ મળતાં છોટાભાઈના મુખ પર એ જ વખતે આંગણે માંડવો દેખાવા લાગ્યો હોય એવો હરખ ઊપસી આવ્યો!

ચારેક દિવસ પછી છોટાભાઈને ત્યાં લગ્નની તારીખ, મુહૂર્ત અને વહેવારની લેવડદેવડ માટેની બંને પક્ષની મિટિંગ મળી. ચીમનભાઈ, ગોરમહારાજ બંને કુટુંબના સંબંધીઓ અને પરેશ-શોભના પણ હાજર હતાં.

ગોર મહારાજે મુહૂર્ત અને તારીખ જોઈ આપ્યાં. રજાનો દિવસ નહોતો.

”તમને બંનેને આ તારીખે રજા તો મળશે ને?” શોભના પણ શિક્ષિકાની નોકરીમાં હતી. વરંડામાં દૂર બેઠેલા પરેશ-શોભનાને અંદર બોલાવીને ગિરધરભાઈએ પૂછયું.

”શાને માટે, પપ્પા?” જાણે અજાણ હોય એવો ડોળ કરતાં પરેશે પ્રશ્ન કર્યો. એ બંનેએ આ મિટિંગમાં હાજર રહેલાંઓને વિશેષ મનોરંજન પૂરું પાડવાનું પહેલેથી જ નક્કી કર્યું હોય, એવું એમનું બિનધાસ્ત વર્તન હતું, પણ એ જોઈને ગિરધરભાઈ અકળાયા.

”શાને માટે તે તમારાં લગ્ન માટે. આ બધા અહીં કોઈ વરાની શાકભાજી સમારવા થોડા ભેગાં થયાં છે? લગ્નનું બધું નક્કી કરવા માટેની જ આ બેઠક છે, એ તો ખબર છે ને?” ગિરધરભાઈ દીકરાની બેપરવાઈથી જરા ચીડાઈને બોલ્યા.

”તમારી એ તકલીફ તો અમે ક્યારનીયે દૂર કરી દીધી છે. હવે રિસેપ્શનનું જ કોઈ રજાના દિવસે ગોઠવવું હોય તો ગોઠવો.” પરેશ ચહેરા પર રમૂજના ભાવ સાથે બોલ્યો, ”નહીં તો મીઠાઈનાં પેકેટ દરેક સગાં-સંબંધી ને શુભેચ્છકોને ત્યાં મોકલી દો, એટલે પત્યું.”

”એટલે?” છોટાભાઈએ ભવાં ચડાવીને પરેશના વિધાનની સ્પષ્ટતા માગી.

”આર્યસમાજની સંસ્થામાં અમારાં વિધિસરનાં લગ્ન અને રજિસ્ટ્રેશન પણ થઈ ગયાં છે. મારી પાંચ બહેનપણીઓ અને પરેશના પાંચ મિત્રો હાજર હતા. અમારા લગ્ન સંબંધથી જોડાવાના સાહસને વડીલોની સંમતિ નહીં મળે, એવા ડરના કારણે અમે બારોબાર સાદાઈથી પતાવી નાખ્યું.” રૂમ વચ્ચેની ટીપોઈ પર લગ્નના ડોક્યુમેન્ટ્સ મૂકતાં શોભના બોલી, ”પરેશની બીજા શહેરમાં બદલી થઈ છે, એટલે હવે અમે ત્યાં સાથે રહીશું. જતાં પહેલાં મળે તો તમારા આશીર્વાદ લઈને જવાનું નક્કી કર્યું હતું. અમારે ત્યાં પણ અત્યાર સુધી તો એકડામાં કરવાનો આગ્રહ હતો. હવે અચાનક કેમ વલણ બદલાયું, એની નવાઈ લાગે છે.”

”જે અમારે ત્યાં પણ પાત્રપસંદગી બાબતમાં જૂનવાણી ધારાધોરણોવાળું વલણ હતું.” શોભનાના સમર્થનમાં પરેશ બોલ્યો, ”ને એમાં સમય વહી જતો હતો. અમારી ધીરજ ખૂટવા માંડી હતી. હું અને શોભના એકબીજાથી પરિચિત હતાં ને થોડા સમયથી સહેતુક સંપર્કમાં પણ હતાં. બંનેને અનુકૂળ હોવાથી અમે આવું પગલું ભર્યું. વડીલોના અનાદર માટે અમે માફી માગીએ છીએ.” શોભના સામે જોઈને પરેશ બોલ્યો.

”ને હવે તમે બંને પક્ષનાં બધાં આ સંબંધમાં રાજી છો, એ જાણીને ઘણો આનંદ થયો. હવે અમને આશીર્વાદ આપવામાં તમને કંઈ સંકોચ ન હોવો જોઈએ.” પોતાનું કથન પૂરું કરતાં શોભનાએ પરેશને હાથથી ઈશારો કર્યો ને બંનેએ ઉપસ્થિત વડીલોના આશીર્વાદની શરૂઆત કરી દીધી.

પણ તાત્કાલિક તો બંનેની કેફિયત સાંભળીને આંચકો લાગ્યો હોય એમ બધાં સ્તબ્ધ થઈ ગયાં. બધાંના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ હતી. વાતાવરણ ભારેખમ થઈ ગયું હતું. બંને પક્ષની રૂઢિચુસ્ત વડીલોને પોતાની અવમાનના થઈ હોય, એવું લાગવા માંડયું હતું. બધા એકબીજાના ચહેરા પરના ભાવ વાંચવામાં વ્યસ્ત થઈ ગયા હતા. ફક્ત ચીમનભાઈ સ્થિતપ્રજ્ઞાની જેમ ર્નિિવકાર ચહેરે બેઠા હતા. હા, એમના મનમાં પણ રૂમમાંનું વાતાવરણ જોઈને ડર ઊભો થયો હતો કે હવે છેલ્લી ઘડીએ કોઈ વિક્ષેપ ઊભો ન થાય તો સારું. ગિરધરભાઈ કે છોટાભાઈ જેવા પરંપરાવાદીઓને વાંકું પડતાં વાર ન લાગે!

સંભવિત વિઘ્ન ટાળવા ચીમનભાઈએ યુક્તિ કરી, જાણે વહાણને કિનારે પહોંચાડવાની નિસબત એમની જ હોય!

બધાંના ચહેરા પર એક નજર નાખી લઈને ચીમનભાઈ અચાનક ખડખડાટ હસી પડયા. ”વાહ! છોકરાંઓએ તો કમાલ કરી! બધાંની ચિંતા ને ઉપાધિ એક ઝાટકે દૂર કરી દીધી.” મંગલધ્વનિની તાળીઓ પાડતા હોય એમ તાળી પાડતાં ચીમનભાઈ બોલ્યા, ”આપવા માંડો હવે આશીર્વાદ એટલે એ છેલ્લી માંગલિક વિધિ સાથે પ્રસંગની પૂર્ણાહુતિ થઈ જાય.”

ચીમનભાઈના એ વિધાન સાથે વાતાવરણમાં હળવાશ આવી ગઈ, ને પ્રતિભાવમાં ઉપસ્થિત બધાંની સામૂહિક તાળીઓના ગડગડાટથી રૂમ છલકાવા લાગ્યો, જાણે રૂઢિચુસ્તતાના અવરોધક સૂર સામે પ્રગિતશીલતાના મંગલધ્વનિનો વિજય થયો!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન